Adhyay 3, Pada 2, Verse 16-18
By-Gujju29-04-2023
Adhyay 3, Pada 2, Verse 16-18
By Gujju29-04-2023
१६. आह च तन्मात्रम् ।
અર્થ
તન્માત્રમ્ = (શ્રુતિ એ પરમાત્માને) કેવળ સત્ય, જ્ઞાન અને અનંતમાત્ર.
ચ = જ.
આહ = બતાવે છે.
ભાવાર્થ
કોઈ કહેશે કે વેદમાં અથવા તૈત્તિરીય ઉપનિષદમાં सत्यं ज्ञानमनंतं ब्रह्म । કહીને પરમાત્માને પરમસત્ય, અનંત અને પરમજ્ઞાન સ્વરૂપ જ કહી બતાવ્યા હોવાથી, અને ત્યાં બીજા પ્રકારના શબ્દોનો પ્રયોગ ના કરવામાં આવ્યો હોવાથી, એમને સગુણ તથા સાકાર ના માની શકાય. તો તેના સ્પષ્ટીકરણ માટે આની પછીના સૂત્ર દ્વારા જણાવવામાં આવે છે કે તેવા એક તરફી નિર્ણય પર પહોંચવાની જરૂર નથી.
—
१७. दर्शयति चाथो अपि स्मर्यते ।
અર્થ
અથો = એ કથન પછી.
દર્શયતિ = શ્રુતિ એમને અનેક રૂપવાળા પણ કહી બતાવે છે.
ચ= અને, એ ઉપરાંત.
સ્મર્યતે અપિ = સ્મૃતિમાં પણ એમના સગુણ સ્વરૂપનું વર્ણન છે.
ભાવાર્થ
તૈત્તિરીય ઉપનિષદમાં પરમાત્માને માટે सत्यं ज्ञानमनंतम् જેવા શબ્દોનો પ્રયોગ કરેલો છે એ સાચું છે, પરંતુ એ જ મંત્રમાં આગળ વધીને એમને સૌના હૃદયમાં રહેલા અને સમસ્ત સૃષ્ટિનું સર્જન કરનારા કહ્યા છે. એમને પરમ રસસ્વરૂપ, આનંદ આપનારા અને સૌના સૂત્રધાર તથા સંચાલક તરીકે વર્ણવ્યા છે. એનો અર્થ એ થયો કે પરમાત્મા સગુણ અને નિર્ગુણ, સાકાર અને નિરાકાર છે. સ્મૃતિમાં પણ શ્રુતિની પેઠે જ પરમાત્માના સગુણ અને નિર્ગુણ બંને પ્રકારના સ્વરૂપનું વર્ણન કરેલું છે.
ગીતામાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ‘વેદ, યજ્ઞ, સ્વાધ્યાય દાન, ઉગ્ર તપ કે ક્રિયાઓથી પણ હે અર્જુન, તારા વિના બીજા કોઈને મારું આ રૂપ દેખાવાનું શક્ય નથી.’ (અધ્યાય ૧૧, શ્લોક ૪૮). મારા આ મુશ્કેલીથી જોઈ શકાય તેવા જે રૂપનું તે દર્શન કર્યું છે તે રૂપના દર્શનની ઈચ્છા રોજ દેવો પણ રાખે છે.’ (અધ્યાય ૧૧, શ્લોક ૫૨)
—
१८. अत एव चोपमा सूर्यकादिवत् ।
અર્થ
ચ = અને.
અથ એવ = એટલા માટે
(અથવા એ પરમાત્માનાં બંને જાતનાં રૂપો સ્વાભાવિક છે એ સિદ્ધ કરવા માટે જ.)
સૂર્યકાદિવત્ – સૂર્ય વિગેરેના પ્રતિબિંબની પેઠે ઉપમા આપવામાં આવી છે.
ભાવાર્થ
પરમાત્મા નિર્ગુણ તથા સગુણ, નિર્વિશેષ અને સવિશેષ બંને પ્રકારના છે એ દર્શાવવાનો પ્રયત્ન આ સૂત્ર દ્વારા ફરી વાર કરવામાં આવે છે. શ્રુતિમાં જણાવવામાં આવ્યું છે કે સર્વે ભૂતોના આત્મા પરમાત્મા એક જ છે તો પણ જુદાં જુદાં પ્રાણીઓમાં સ્થિત છે, તેથી પાણીમાં પ્રતિબિંબિત ચંદ્રની જેમ એક અને અનેક રૂપે પણ દેખાય છે. જેનું પ્રતિબિંબ પડે છે તે ચંદ્ર કે સૂર્ય એક જ છે પરંતુ પ્રતિબિંબો અનેક છે તેમ પરમાત્મા એક જ છે અને એમનાં પ્રતિબિંબો અનેક છે. એ પ્રતિબિંબો અનેકવિધ હોવા છતાં એક જ છે તેમ પરમાત્મા સર્વે પ્રાણીઓમાં જુદી જુદી રીતે રહેતા હોવા છતાં વાસ્તવિક રીતે વિચારતાં એક જ છે, અને સૌમાં રહેવા છતાં પણ સૌના ગુણદોષોથી રહિત છે. એમની શક્તિ અનંત છે.