Adhyay 3, Pada 2, Verse 19-21
By-Gujju29-04-2023
Adhyay 3, Pada 2, Verse 19-21
By Gujju29-04-2023
१९. अम्बुवदग्रहणात्तु न तथात्वम् ।
અર્થ
તુ = પરંતુ.
અમ્બુવત્ = પાણીમાં રહેતા ચંદ્રની પેઠે.
આગ્રહણાત્ = પરમાત્માનું ગ્રહણ ના હોવાને લીધે (એ પરમાત્માને)
તથાત્વમ્ = સર્વ પ્રકારે એવા.
ન = ના સમજવા જોઈએ.
ભાવાર્થ
પરમાત્મા સર્વે પ્રાણીઓમાં પાણીમાં ચંદ્રના પ્રતિબિંબની જેમ રહે છે એવું કહેવાઈ ગયું. તો પાણીમાં પડનારૂં ચંદ્રનું પ્રતિબિંબ તો મિથ્યા છે. એ કાંઈ સાચો ચંદ્ર નથી. તેવી જ રીતે પરમાત્માનું પ્રાણીઓની અંદર રહેનારું સ્વરૂપ પણ વાસ્તવિક નથી ને મિથ્યા છે ? એવી જિજ્ઞાસાના જવાબમાં અહીં જણાવવામાં આવે છે કે જુદા જુદા જીવોમાં રહેનારા પરમાત્માનું સ્વરૂપ મિથ્યા નથી પરંતુ સાચું છે. ચંદ્રનું તો પાણીમાં કેવળ પ્રતિબિંબ દેખાય છે પરંતુ પરમાત્મા પ્રાણીઓના હૃદયમાં ખરેખર રહે છે અને સૌને શક્તિ તથા પ્રેરણા પૂરી પાડે છે. એટલે પરમાત્માની સ્થિતિને ચંદ્રના પ્રતિબિંબની સ્થિતિ સાથે સરખાવવાનું બરાબર નથી. પ્રતિબિંબના ઉદાહરણ દ્વારા આંશિક રીતે એટલું જ સમજવાનું છે કે ચંદ્ર એક હોવા છતાં એનાં પ્રતિબિંબો અનેક છે તેમ પરમાત્મા એક હોવા છતાં પણ અનેક પ્રકારે, જુદાં જુદાં રૂપોમાં ભાસે છે.
—
२०. वृद्विहासभाक्त्वमन्तर्भावादुभयसामञ्चस्यादेवम् ।
અર્થ
અન્તર્ભાવાત્ = શરીરની અંદર સ્થિત હોવાને લીધે.
વૃદ્ધિહાસભાકત્વમ્ = શરીરની જેમ પરમાત્માને વધવા – ઘટવાનો સંભવ રહે છે તેથી.
(એના નિષેધ માટે)
ઉભયસામઙજસ્યાત્ = પરમાત્મા તથા ચંદ્ર પ્રતિબિંબ બંનેની સમાનતા હોવાથી
એવમ્ = એવું ઉદાહરણ આપવામાં આવ્યું છે.
ભાવાર્થ
તો પછી ઉપરના સૂત્રમાં પ્રતિબિંબનું ઉદાહરણ કેમ આપવામાં આવ્યું છે ? એ ઉદાહરણ પરમાત્માની સ્થિતિને સમજવામાં આંશિક રીતે મદદ મળે તેને માટે જ છે. ચંદ્રનું પ્રતિબિંબ પાણીમાં રહેતું હોવા છતાં પાણીના વિકારોથી મુક્ત રહે છે અને પાણીના વધવા કે ઘટવાથી વધતું કે ઘટતું નથી તેવી રીતે પરમાત્મા સૌમાં રહેવા છતાં પણ સૌના વિકારોથી અને સૌના સંવર્ધન તથા હ્રાસની અસરથી મુક્ત રહે છે, એ બતાવવા માટે જ ચંદ્રના પ્રતિબિંબનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. પરમાત્માની સ્થિતિને ચંદ્રના પ્રતિબિંબની પેઠે મિથ્યા માનવાની પ્રેરણા પૂરી પાડવા માટે નથી કરવામાં આવ્યું.
—
२१. दर्शनाञ्च ।
અર્થ
દર્શનાત્ = શ્રુતિમાં બીજા ઉદાહરણો જોવા મળે છે એટલા માટે.
ચ = પણ.
ભાવાર્થ
પ્રતિબિંબ જેવી રીતે વસ્તુતઃ અવાસ્તવિક હોય છે તેવી રીતે પ્રાણી માત્રમાં રહેનારા પરમાત્મા અવાસ્તવિક અથવા મિથ્યા નથી. ઉપનિષદોના જુદાં જુદાં ઉલ્લેખો દ્વારા એ વાતને સમર્થન મળે છે. પરમાત્મા પ્રાણી માત્રમાં સાચેસાચ રહેલા છે. કઠ ઉપનિષદમાં અગ્નિ, વાયુ અને સૂર્યના ઉદાહરણ દ્વારા એ હકીકતને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
वायुर्यथैको भुवनं प्रविष्टो रूपं रूपं प्रतिरूपो बभूव ।
एकस्तथा सर्वभूतान्तरात्मा रूपं रूपं प्रतिरूपो बहिश्च ॥
‘સમસ્ત સંસારમાં પ્રવેશેલો એક જ વાયુ જુદાં જુદાં રૂપોને ધારણ કરીને એમના જેવા રૂપવાળો દેખાય છે તેમ, સર્વ પ્રાણીઓના અંતરમાં પરમાત્મા પણ એક હોવા છતાં પણ જુદાં જુદાં રૂપોમાં એમના જેવા જ રૂપવાળા દેખાય છે અને એમની બહાર પણ છે.’ એ ઉપરાંત ઉપનિષદમાં બીજી રીતે પણ પરમાત્મા સૌની અંદર સાચેસાચ રહેલા છે એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.