Sunday, 22 December, 2024

Adhyay 3, Pada 2, Verse 24-25

143 Views
Share :
Adhyay 3,  							Pada 2, Verse 24-25

Adhyay 3, Pada 2, Verse 24-25

143 Views

२४. अपि च संराधने प्रत्यक्षानुमानाभ्याम् ।

અર્થ
અપિ ચ = એવી રીતે અવ્યક્ત હોવા છતાં પણ.
સંરાધને = આરાધના કરવાથી (ઉપાસકને એ પરમાત્મા પ્રત્યક્ષ દર્શન આપે છે.)
પ્રત્યક્ષાનું માનાભ્યામ્ = એ વાત વેદ તથા સ્મૃતિ બંને દ્વારા સિદ્ધ થાય છે.

ભાવાર્થ
તો પછી શું પરમાત્માનું પ્રત્યક્ષ દર્શન કોઈને થતું જ નથી અથવા ના થઈ શકે ? ભૂતકાળમાં થયેલા અને વર્તમાન સમયમાં શ્વાસ લેનારા કેટલાય સંતો કે સાધકોએ એમને પરમાત્માનું પ્રત્યક્ષ દર્શન થયાની વાતો વર્ણવી છે. એ વાતોને શું આધાર વિનાની અથવા મિથ્યા માનવી ? ના. એવી રીતે તો કેમ માની શકાય ? એ સઘળાં સંતો સત્યપરાયણ હોવાથી, દર્શનના જે અનુભવો એમને ના થયા હોય તે થયા છે એવું અસત્યભાષણ કદાપિ ના જ કરે. એમને દર્શનના જે અનુભવો થયા હોય તે જ વર્ણવે એટલો વિશ્વાસ તો આપણે એમની અંદર અવશ્ય રાખી શકીએ.

પરમાત્મા સામાન્ય રીતે અવ્યક્ત છે એ હકીકત સાચી હોવા છતાં પણ વ્યક્ત થઈ શકે છે એ પણ એટલું જ સાચું છે. ભક્તો, સાધકો કે ઉપાસકો એમના પ્રત્યક્ષ વ્યક્ત દર્શનને માટે પ્રેમપૂર્વક આરાધનાનો આધાર લઈને પ્રયત્ન કરે છે ત્યારે એ પ્રયત્નમાં સફલ બને છે. નામ જપ તથા પ્રાર્થના પરમાત્માના એવા પ્રત્યક્ષ દર્શનમાં ઉપયોગી થાય છે.

દેવર્ષિ નારદે પોતાના ભક્તિસૂત્રમાં જણાવ્યું છે કે ‘એ પરમાત્મા પ્રેમથી પ્રેરાઈને સત્વર પ્રાદુર્ભાવ પામે છે અને ભક્તો પર કૃપા વરસાવે છે.
स शीघ्रमेवाविर्भवति अनुमावयति च भक्तान् ।

તુલસીદાસે રામાયણમાં જણાવ્યું છે :
હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોહિ મૈં જાના.

એટલે પરમાત્મા સગુણ તથા નિર્ગુણ બંને પ્રકારના છે અને ભક્તોને દર્શન આપે છે.

२५. प्रकाशा दिवच्चावैशेष्यं प्रकाशश्च कर्मण्यभ्यासात् ।

અર્થ
પ્રકાશાદિવત્ = અગ્નિ આદિના પ્રકાશાદિ ગુણોની પેઠે. 
ચ = જ.
અવૈશેષ્યમ્ = (પરમાત્મા પણ) ભેદ નથી.
પ્રકાશઃ = પ્રકાશ.
ચ = પણ.
કર્મણિ = કર્મમાં.
અભ્યાસાત્  = અભ્યાસ કરવાથી જ પ્રકટે છે.

ભાવાર્થ
અગ્નિ, વીજળી વિગેરેમાં પ્રકાશ તથા ઉષ્ણતાના મૂળભૂત ગુણો રહેલા છે. એમનું રૂપ વ્યક્ત અથવા પ્રકટ થાય ત્યારે અને અવ્યક્ત અથવા અપ્રકટ હોય ત્યારે, એટલે એ બંને પ્રકારની અવસ્થામાં એ ગુણોથી સંપન્ન હોય છે. એ ગુણો એમના અભિન્ન અંગ જેવા હોઈને એમનો કદાપિ, કોઈયે કારણે, પરિત્યાગ નથી કરતા. પરમાત્માના સંબંધમાં પણ એવું જ સમજી લેવાનું છે. પરમાત્મા પણ ભક્તોની ઉપાસનાના પરિણામરૂપે પ્રકટ થાય છે ત્યારે જે ગુણધર્મોથી સંપન્ન દેખાય છે તે જ ગુણધર્મોથી એમની અપ્રકટ અથવા અવ્યક્ત અવસ્થામાં પણ યુક્ત હોય છે. કાષ્ઠમાં અગ્નિ હોવા છતાં પણ એને પ્રકટ કરવાનાં સાધનોનો આધાર લેવામાં નથી આવતો ત્યાં સુધી પ્રકટ નથી થઈ શકતો. એવી રીતે પરમાત્મા પણ સર્વત્ર હોવા છતાં અને અલૌકિક ગુણધર્મોથી સંપન્ન હોવા છતાં ઉચિત આરાધના વિના પ્રકટ નથી થઈ શકતા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *