Adhyay 3, Pada 2, Verse 26-27
By-Gujju29-04-2023
Adhyay 3, Pada 2, Verse 26-27
By Gujju29-04-2023
२६. अतोङनन्तेन तथा हि लिङ्गम् ।
અર્થ
અતઃ = ઉપર કહેલાં કારણોથી સિદ્ધ થાય છે કે
અનન્તેમ = (એ પરમાત્મા) અનંત અલૌકિક અસાધારણ ગુણોથી સંપન્ન છે.
હિ = કેમ કે.
તથા = એવાં જ
લિંગમ્ = લક્ષણો જોવા મળે છે.
ભાવાર્થ
ઉપર્યુક્ત સૂત્રો દ્વારા કરવામાં આવેલી ચર્ચાવિચારણા પરથી પુરવાર થાય છે કે પરમાત્મા નિર્વિશેષ હોવાની સાથે સાથે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, પરમ રસ સ્વરૂપ, પરમાનંદ સ્વરૂપ છે, એટલે કે સર્વ પ્રકારના સર્વોત્તમ ગુણધર્મોથી સંપન્ન છે. શ્રુતિ એ હકીકતનું સમર્થન કરે છે.
—
२७. उभयव्यपदेशात्वहिकुण्डलवत् ।
અર્થ
ઉભય વ્યપદેશાત્ = બંને પ્રકારનું કથન હોવાથી,
અહિકુંડલવત્ = સાપના કુંડલાકારત્વની પેઠે.
તુ = જ. (એનો ભાવ સમજવો જોઈએ.)
ભાવાર્થ
પરમાત્મા અને એમની પ્રકૃતિ ભિન્ન છે કે અભિન્ન એની સ્પષ્ટતા આ સૂત્ર દ્વારા કરવામાં આવી છે. એ સ્પષ્ટતાના સારરૂપે જણાવવામાં આવે છે કે પરમાત્માથી એમની શક્તિ સદાય અભિન્ન હોય છે. એ બંનેને કદી પણ છૂટાં ના પાડી શકાય. તાપ અને છાયા, ફુલ અને ગંધ, નદી અને નીર તથા જ્યોતિ અને પ્રકાશને છૂટાં પાડી શકાય છે ? તેવી જ રીતે પરમાત્માને અને એમની શક્તિ કે પ્રકૃતિને અલગ ના કરી શકાય. એ બંને એક અને અખંડ છે. પરમાત્મા જ્યારે કારણવસ્થામાં હોય છે ત્યારે અપરા અને પરા પ્રકૃતિરૂપી એમની બંને શક્તિઓ એમની અંદર અપ્રકટ રીતે રહેતી હોય છે, પરંતુ એ જ્યારે કાર્યાવસ્થામાં હોય છે ત્યારે એ શક્તિઓ જુદાં જુદાં નામ તથા રૂપોમાં પ્રકટ થાય છે.
પરમાત્મા જ્યારે કારણાવસ્થામાં હોય છે ત્યારે નિરાકાર કહેવાય છે ને કાર્યાવસ્થામાં હોય છે ત્યારે સાકાર. સાકાર અને નિરાકાર બંને એવી રીતે એમનાં જ રૂપો છે. એ હકીકતને સમજાવવા માટે અહીં સાપનું ઉદાહરણ આપવામાં આવ્યું છે, સાપ કોઈવાર પોતાની સાધારણ દશામાં રહે છે તો કોઈવાર ગુંચળું વળીને કુંડલાકાર બની જાય છે તો પણ એ બંને દશામાં કહેવાય છે અને હોય છે તો સાપ જ. એ સાધારણ દશામાં હોય છે ત્યારે કુંડલાકાર બનવાની એની શક્તિ એની અંદર અપ્રકટ હોય છે તો પણ હોય છે તો ખરી જ. એનો કારણ ભાવ હોય છે. કાર્યભાવ દરમિયાન એની એ શક્તિ પ્રકટ બનીને કુંડલાકાર દેખાય છે. શક્તિ તો સાપની અંદર સ્વભાવથી જ રહેતી જ હોય છે. એવું જ પરમાત્મા અને એમની શક્તિના સંબંધમાં સમજી લેવાનું છે.