Thursday, 14 November, 2024

Adhyay 3, Pada 2, Verse 28-30

122 Views
Share :
Adhyay 3,  							Pada 2, Verse 28-30

Adhyay 3, Pada 2, Verse 28-30

122 Views

२८. प्रकाशाश्रयवद्वा तेजस्त्वात् ।

અર્થ
વા = અથવા.
પ્રકાશાશ્રયવત્ = પ્રકાશ અને એના આશ્રયની પેઠે એમનો અભેદ છે.
તેજસ્ત્વાત્ = કારણ કે તેજની દૃષ્ટિથી બંને એક જ છે.

ભાવાર્થ
ઉપરની વાતનું પ્રતિપાદન કરતાં બીજી રીતે કહેવામાં આવે છે કે પ્રકાશ અને એના આશ્રય સૂર્યને કદાપિ છૂટા ના પાડી શકાય. તેજ તત્વની દૃષ્ટિએ જોતાં એ બંને એક જ છે. તો પણ એ બંનેને જુદા જુદા કહી શકાય છે; તેવી રીતે પરમાત્મા અને એમની શક્તિ વાસ્તવમાં અભિન્ન હોવા છતાં એમનું ભિન્નભિન્ન વર્ણન કરી શકાય છે.

ભક્ત કવિ નરસી મહેતાએ પોતાના પદમાં એ ભાવોનો સરસ રીતે પડઘો પાડતાં જણાવ્યું છે :

પંચ મહાભૂત પરિબ્રહ્મ વિશે ઊપજ્યાં અણુ અણુ માંહી રહ્યાં રે વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ તે નહિ રે અળગી.

વેદ તો એમ વદે, શ્રુતિસ્મૃતિ સાખ દે, કનક કુંડલ વિશે ભેદ ન હોયે;
ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોયે.

२९. पूर्ववद्वा ।

અર્થ
વા = અથવા.
પૂર્વવત્ = પહેલાં પુરવાર કર્યું છે તે પ્રમાણે. (બંનેનો અભેદ સમજી લેવો જોઈએ.)

ભાવાર્થ
અથવા આગળ પર બીજા અધ્યાયના ત્રીજા પાદના ૪૩ મા સૂત્રમાં પરમાત્માનો એમના અંશભૂત જીવસમુદાયથી અભેદ બતાવવામાં આવ્યો છે તે જ રીતે પરમાત્માનો અને એમની શક્તિ કે પ્રકૃતિનો અભેદ સમજી લેવો જોઈએ.

३०. प्रतिषेधाच्च ।

અર્થ
પ્રતિષેધાત્ = બીજાનો પ્રતિષેધ હોવાથી. 
ચ = પણ (અભેદ જ સિદ્ધ થાય છે.)

ભાવાર્થ
જગતના પ્રારંભમાં પરમાત્મા સિવાય બીજું કશું હતું જ નહિ એવું ઉપનિષદ તથા વેદમાં કહ્યું છે. પરમાત્મા સિવાય બીજું કશું હતું જ નહિ એનો અર્થ એવો થયો કે કેવળ એ જ હતા. એવી રીતે વેદ તથા ઉપનિષદમાં બીજાનો સ્પષ્ટ રીતે પ્રતિષેધ કર્યો હોવાથી બીજું કશું હતું જ નહિ એવું નક્કી થાય છે. પરમાત્માની પ્રકૃતિ પણ એમની અંદર વિલીન બનીને એમના આશ્રયે રહેતી હોય છે એટલે એમનાથી અલગ નથી હોતી. એનો અને પરમાત્માનો અભેદ હોય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *