Thursday, 19 September, 2024

Adhyay 3, Pada 2, Verse 31-32

99 Views
Share :
Adhyay 3,  							Pada 2, Verse 31-32

Adhyay 3, Pada 2, Verse 31-32

99 Views

३१. परमतः सेतून्मानसम्बन्धभेदव्यपदेशेभ्यः ।

અર્થ
આ જડચેતનરૂપ બંને પ્રકૃતિના સમુદાયથી.
પરમ્ = (એ પરમાત્મા) અત્યંત શ્રેષ્ઠ છે.
સેતૂન્માનસમ્બન્ધભેદવ્યપદેશેભ્યઃ = કારણ કે સેતુ, ઉન્માન, સંબંધ તથા ભેદના વર્ણન દ્વારા એ જ સિદ્ધ કરાયું છે.

ભાવાર્થ
પરમાત્માને પોતાની પ્રકૃતિથી અભેદ કહી બતાવીને હવે એમનાથી એમની વિલક્ષણતા અથવા શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરે છે. પરમાત્માની બે પ્રકૃતિ પરા અને અપરા કહેવાય છે. એમને જ ક્ષર અને અક્ષર અથવા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે. એ બંને પ્રકૃતિથી અને એમના વિસ્તાર જેવા આ દૃશ્યમાન જગતથી પરમાત્મા જુદા છે, વિલક્ષણ છે, તથા ઉત્તમ છે. શ્રુતિમાં એ પરમાત્માની સર્વોત્તમતા અથવા શ્રેષ્ઠતાનું પ્રતિપાદન ચાર પ્રકારે કરવામાં આવ્યું છે. એક પ્રકાર એમને સેતુ તરીકે વર્ણવવાનો છે.

છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે ‘પરમાત્મા સૌને ધારણ કરનારા સેતુ છે.’
अथ य आत्मा स सेतुर्विधृतिः ।

બૃહદારણ્યક ઉપનિષદમાં પણ એવા જ ભાવાર્થવાળો મંત્ર છે :
एष सेतुर्विधरणः ।

બીજો પ્રકાર એમના માપને જણાવવાનો છે. એમના મહિમાનું વર્ણન કરનારૂં વેદ જેવું જ સુંદર સારગર્ભિત વચન છાંદોગ્ય ઉપનિષદમાં જોવા મળે છે :
तावानस्य महमा ततो जायायाञ्चश्च पूरूषः पादोङस्य सर्वा भूतानि त्रिपादस्यामृतं दिवि।
‘એમનો મહિમા એવો અસાધારણ છે એ પરમાત્મા-પરમ પુરૂષ પરમાત્મા એનાથી શ્રેષ્ઠ છે. એમના એક પાદમાં સમસ્ત પ્રાણીઓ રહેલાં છે અને એમના શેષ ત્રણ પાદ અલૌકિક અમૃતમય પરમધામમાં છે; 

ત્રીજો પ્રકાર એમના પ્રકૃતિ સાથેના તથા જગત સાથેના સંબંધનો છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં અને અન્યત્ર પરમાત્માને પ્રકૃતિના સ્વામી, શાસક તથા સંચાલક કહીને એમની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કર્યું છે. એમને ઈશ્વરોના પરમ મહેશ્વર, દેવતાઓના પરમ દેવતા, પતિના પરમપતિ, સમસ્ત બ્રહ્માંડના સ્વામી અને સ્તવન કરવા યોગ્ય કહ્યા છે. એ ઉપરાંત, એમને પ્રકૃતિ તથા જીવાત્માના સ્વામી, સમસ્ત ગુણોના શાસક, જન્મમૃત્યુના ચક્રમાં બાંધનારા, સ્થિર કરનારા અને એથી મુક્ત કરવાની શક્તિવાળા છે.

ચોથો પ્રકાર ભેદના પ્રતિપાદનનો છે. શ્રુતિમાં પરમાત્માને બંને પ્રકૃતિના અધીશ્વર, અંતર્યામી અને ધારણપોષણ કરવાવાળા જણાવીને પ્રકૃતિથી અને જગતથી એમની ભિન્નતાનું વર્ણન કરેલું છે.

એ ચારે કારણોથી સિદ્ધ થાય છે કે પરમાત્મા પોતાની પ્રકૃતિથી ઉત્તમ તથા વિલક્ષણ છે. અલૌકિક, ઉપાધિરહિત અને દિવ્ય છે.

३२. सामान्यात्तु ।

અર્થ
સામાન્યત્ = શ્રુતિમાં ભેદવર્ણન અને અભેદવર્ણન બંને સમાન રીતે જોવા મળે છે એટલા માટે.
તુ = તો. (ભેદ અને અભેદ બંને પક્ષ માન્ય છે એવો નિર્ણય થાય છે.)

ભાવાર્થ
પરમાત્માનો પોતાની પ્રકૃતિ સાથે ભેદ પણ છે અને અભેદ પણ છે એ તો આટલી ચર્ચાવિચારણા પરથી સારી રીતે સમજાઈ ગયું. હવે એ બંનેમાંથી ભેદપક્ષ ઉત્તમ છે કે અભેદપક્ષ એવો વિચાર સહેજે થાય છે. એના સ્પષ્ટીકરણ માટે અહીં જણાવવામાં આવે છે કે ભેદપક્ષ અને અભેદપક્ષ બંને પક્ષો બરાબર છે. એ બંને પક્ષોનાં વર્ણન પ્રકારાન્તે કરેલાં અને એકમેકનાં પૂરક છે. એમની અંદર વિરોધાભાસ જેવું કશું જ નથી. આરંભમાં ઉપર ઉપરથી જોતાં એમનામાં ભેદ દેખાય પરંતુ અંદરથી વસ્તુતઃ વિચારતાં અભેદનું દર્શન થાય છે.

શ્રુતિમાં પરમાત્માને જેમ સૌના સ્વામી અને શાસક કહ્યા છે તેમ  अयमात्मा ब्रह्म । ‘આ આત્મા બ્રહ્મ છે;  तत्त्वमसि । ‘તે પરમાત્મા તું જ છે’  એવા કથન દ્વારા પરમાત્માની સાથેના અભેદને પણ વ્યક્ત કરાયો છે. એટલે ભેદ અને અભેદ બંનેનો સ્વીકાર કરવો જાઈએ. એમ સ્વીકારવામાં કશું અનુચિત જેવું નથી લાગતું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *