Sunday, 22 December, 2024

Adhyay 3, Pada 2, Verse 33-35

132 Views
Share :
Adhyay 3,  							Pada 2, Verse 33-35

Adhyay 3, Pada 2, Verse 33-35

132 Views

३३. बुद् ध्यर्थः पादवत् ।

અર્થ
પાદવત્ = અવયવરહિત પરમાત્માના ચાર પાદ બતાવવામાં આવ્યા છે તેવી રીતે.
બુધ્યર્થઃ = મનન- નિદિધ્યાસન જેવી ઉપાસનાને માટે એવો ઉપદેશ છે.

ભાવાર્થ
શ્રુતિમાં પરમાત્માને અવયવરહિત કહેવામાં આવ્યા છે અને એ છતાં પણ એમને ચાર પાદવાળા કહીને એમના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. પરમાત્મા નિર્ગુણ નિરાકાર હોવાથી પાદવાળા છે એવું ખરેખર ના કહી શકાય. તો પણ શ્રુતિએ એવી કલ્પના કરેલી છે. તેવી રીતે ઉપનિષદમાં ભેદભાવે અથવા અભેદભાવથી પરમાત્માનું જે વર્ણન કરવામાં આવ્યું છે તે વર્ણન એમના મહિમાને બતાવવા માટે અને એ દ્વારા ભક્તો, આરાધકો અથવા સાધકોને એમની તરફ અભિમુખ કરવા માટે છે. સાધકોની પ્રકૃતિ અને રૂચિ જુદી જુદી હોવાથી એક જ જાતની સાધનાપદ્ધતિ સૌને પસંદ ના પડે અથવા સૌને સારુ સાનુકૂળ ના બને એ સ્વાભાવિક છે એટલા માટે સાધનાની વિવિધતાનું મહત્વ અનિવાર્ય છે.

३४. स्थानविशेपात् प्रकाशादिवत् ।

અર્થ
પ્રકાશાદિવત્ = પ્રકાશ આદિની પેઠે.
સ્થાનવિશેષાત્ = શરીરરૂપ સ્થાનની વિશેષતાને લીધે. (એમાં વિવિધતા જેવા ભેદનું હોવાનું અસંગત નથી)

ભાવાર્થ
આ સૂત્રમાં એક બીજો વિચાર રજૂ કરવામાં આવ્યો છે. જગતમાં જેટલા પણ પ્રકાશવાળા પદાર્થો છે તે બધા પ્રકાશની દૃષ્ટિએ વિચારીએ કે જોઈએ તો એક છે, તો પણ એમના આકાર, નામ અને સામર્થ્યની દૃષ્ટિએ જોતાં જુદાં જુદાં છે. ચપલા, સૂર્ય, ચંદ્ર, દીપક જેવા પદાર્થો સ્થાનભેદ અને શક્તિભેદની દૃષ્ટિથી જોતાં જુદા છે. તેવી રીતે પરમાત્માની પરા પ્રકૃતિ એમનાથી અભિન્ન હોવાથી એમનામાં અને જુદા જુદા જીવાત્માઓમાં વાસ્તવિક રીતે વિચારતાં કશો ભેદ નથી લાગતો, તો પણ એ જીવોને પોતપોતાના કર્મસંસ્કારોને અનુસરીને જે શરીર, મન બુદ્ધિ તથા શક્તિ પ્રાપ્ત થાય છે તે શરીર, મન, બુદ્ધિ, શક્તિ તથા કર્મસંસ્કારોની દૃષ્ટિથી જોતાં એમની અંદર ભેદભાવ હોય એ સમજી શકાય તેવું છે.

३५. उपपत्तेश्च ।

અર્થ
ઉપપત્તેઃ = શ્રુતિની સંગતિથી 
ચ = પણ (એ હકીકતની સિદ્ધિ થાય છે.)

ભાવાર્થ
પરમાત્માથી જીવસમદાય અભિન્ન હોવા છતાં પણ જુદા છે અને જુદા જુદા જીવો મૂળભૂત રીતે, પારમાર્થિક દૃષ્ટિથી એક હોવા છતાં પણ અલગ છે. એ વસ્તુનું પ્રતિપાદન શ્રુતિએ પણ સારી પેઠે કરેલું છે. જુદાં જુદાં વચનો દ્વારા શ્રુતિ એનું સમર્થન કરે છે. શ્રુતિમાં પરમાત્માને સૌના મૂળરૂપે કહી બતાવ્યા છે. એમની દ્વારા જગતની ઉત્પત્તિ જણાવીને એમને સૌના એકમાત્ર કારણ કહ્યા છે. अहं ब्रह्मास्मि અને  तत्वमसि જેવાં મહાવાક્યો દ્વારા એમની સાથેની અભિન્ન અંતરંગ એકતાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. પરંતુ શ્રુતિનો ઉપદેશ એટલેથી જ નથી અટકતો. એમાં પરમાત્માની ઉપાસનાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. અને ઉપાસના ભેદદર્શન સિવાય નથી થતી. એમાં એક ઉપાસ્ય હોય છે અને બીજો ઉપાસક. એટલે શ્રુતિમાં અભેદની સાથે ભેદનું પણ વર્ણન છે એવું માનવું પડે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *