Thursday, 14 November, 2024

Adhyay 3, Pada 2, Verse 36-38

117 Views
Share :
Adhyay 3,  							Pada 2, Verse 36-38

Adhyay 3, Pada 2, Verse 36-38

117 Views

३६. तथान्यप्रतिषेधात् ।

અર્થ
તથા = એવી રીતે.
અન્ય પ્રતિષેધાત્ = બીજાનો નિષેધ કરવામાં આવ્યો છે એટલા માટે પણ.

ભાવાર્થ
શ્રુતિમાં પ્રકારાંતરે અવારનવાર કહેવામાં આવ્યું છે કે એક માત્ર પરમાત્મા વિના બીજું કાંઈ જ નથી. સૌથી પહેલાં એ જ હતા એવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એનો અર્થ એવો થયો કે એમની પરા તથા અપરા શક્તિથી સંપન્ન એ પરમાત્મા જ જુદાં જુદાં રૂપોમાં પ્રકટ થયા છે. બહારથી બધું જગત નાનાવિધ અને ભિન્ન દેખાતું હોવા છતાં પણ અંતરંગ રીતે વિચારતાં એ પરમાત્મા સિવાય બીજું કાંઈ જ નથી.

३७. अनेन सर्वगतत्वमायामशब्दादिभ्यः ।

અર્થ
અનેન = એવી રીતે કરાયલા ભેદ અને અભેદના વિવેચનથી.
આયામશબ્દાદિભ્યઃ = અને પરમાત્માની વ્યાપકતાને સૂચવનારા શ્રુતિમાં જે શબ્દ આદિ હેતુ છે એથી પણ.
સર્વગતત્વમ્ = એ પરમાત્માનું સર્વવ્યાપકપણું સિદ્ધ થાય છે.

ભાવાર્થ
‘જગત આખું પરમાત્માથી પરિપૂર્ણ છે’ એવાં એવાં શ્રુતિ વચનોથી તથા ‘સર્વગતં જેવા શબ્દોના પ્રયોગથી પરમાત્મા સર્વવ્યાપક છે એવું સાબિત થાય છે. ઉપરનાં સૂત્રો દ્વારા કરવામાં આવેલી વિચારણા પણ એ હકીકતને પુષ્ટિ આપે છે. શ્રુતિમાં પરમાત્માને સર્વમાં વ્યાપક કહ્યા છે એનો સૂચિતાર્થ એ જ છે કે એ જેમાં વ્યાપક છે તેવું જગત અને એ જગતના રૂપમાં પથરાયલી એમની પ્રકૃતિ પણ છે જ. પ્રકૃતિ એમની શક્તિ હોવાથી એમનાથી ઉપલક રીતે જોતાં ભિન્ન છે અને બહિરંગ દૃષ્ટિએ જોતાં ભિન્ન નથી. પણ પ્રકૃતિ એમની અભિન્ન શક્તિ હોવાથી એમનામાં ને પ્રકૃતિમાં ભેદ નથી, પરંતુ એ પ્રકૃતિના સ્વામી, સૂત્રધાર અને અધિષ્ઠાતા હોવાથી એમનામાં અને એમની પ્રકૃતિમાં એટલા પૂરતો ભેદ છે.

३८. फलमत उपपतेः ।

અર્થ
ફલમ્ = જીવોનાં કર્મોના ફળ.
અતઃ = આ પરમાત્મા દ્વારા જ મળે છે.
ઉપપત્તેઃ = એવું માનવાનું જ યુક્તિસંગત છે તેથી.

ભાવાર્થ
આટલા વિસ્તૃત વિવેચન પછી એ પ્રશ્ન થાય છે કે જુદા જુદા જીવોનાં કર્મોનાં ફળ કોણ પ્રદાન કરે છે ? જીવાત્મા ? કે પછી કર્મો પોતે જ પોતાના ફળને પ્રાપ્ત કરી લે છે ? એ ફળ શું કોઈ દેવો આપે છે ? એનો પ્રત્યુત્તર પૂરો પાડતાં આ સૂત્ર દ્વારા સમજાવવામાં ને સ્પષ્ટ કરવામાં આવે છે કે કર્મફલના પ્રદાતા પરમાત્મા જ છે. કર્મો પોતાની મેળે પોતાનું ફળ ના આપી શકે. પ્રકૃતિ પણ ના આપી શકે. જીવ અલ્પજ્ઞ અને અલ્પ શક્તિવાળો હોવાથી તે પણ એ કાર્યને કેવી રીતે કરી શકે ? દેવો દ્વારા જે ફળ પ્રાપ્તિ થાય છે તે પણ પરમાત્માની યોજનાને અનુલક્ષીને જ થતી હોય છે. એટલે કર્મફળની પ્રાપ્તિની વ્યવસ્થા પરમાત્મા દ્વારા જ કરવામાં આવે છે એવું માનવાનું બરાબર લાગે છે. પરમાત્મા સર્વશક્તિમાન અને સર્વજ્ઞ હોવાથી  એ કાર્યને સારી રીતે, સુવ્યવસ્થાપૂર્વક કરી શકે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *