Thursday, 14 November, 2024

Adhyay 3, Pada 3, Verse 01-02

121 Views
Share :
Adhyay 3,  							Pada 3, Verse 01-02

Adhyay 3, Pada 3, Verse 01-02

121 Views

१. सर्ववेदान्तप्रत्ययं चोदनाद्यविशेषात् ।

અર્થ
સર્વવેદાન્તપ્રત્યયમ્ = સઘળાં ઉપનિષદોમાં જે અધ્યાત્મવિદ્યાનું વર્ણન છે એ અભિન્ન અથવા એકસરખું છે.
ચોદનાદ્યવિશેષાત્ = કારણકે આજ્ઞા આદિમાં ભેદ નથી.

ભાવાર્થ
જુદાં જુદાં ઉપનિષદોમાં કરવામાં આવેલું અધ્યાત્મવિદ્યાનું વર્ણન અનેક પ્રકારે કરવામાં આવ્યું હોવા છતાં પણ એક છે. ઉપનિષદોમાં વર્ણવેલી અધ્યાત્મવિદ્યાનું એકમાત્ર પ્રયોજન પરમાત્માની પ્રાપ્તિનું છે. એ વિદ્યા પરમાત્માના મંગલમય મહિમાનું જયગાન કરીને પરમાત્માની પ્રાપ્તિ માટેની પ્રેરણા પુરી પાડે છે, અને માનવને આત્માભિમુખ અથવા પરમાત્માભિમુખ બનાવે છે. એ રીતે વિચારતાં એનું લક્ષ્યબિંદુ એક જ છે. એના અનેકવિધ વર્ણનની અંદર એકવાક્યતા રહેલી છે.

પરમાત્માને ક્યાંક પરમસત્યસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ, અનંત, આનંદસ્વરૂપ અને રસસ્વરૂપ કહ્યા છે તો ક્યાંક સર્વજ્ઞ, સર્વેશ્વર, સર્વાન્તર્યામી, સૌના કારણ તથા ઉત્પત્તિના અને પ્રલયના સ્થાન જણાવ્યા છે. એમને શબ્દ, રૂપ, રસ, ગંધથી રહિત, અવિનાશી, અનાદિ, અનંત અને સર્વશ્રેષ્ઠ તેમ જ નિત્ય તરીકે પણ વર્ણવ્યા છે. એવી રીતે એમની સર્વોત્તમતાને સિદ્ધ કરીને એમની દ્વારા જીવનનું સાર્થક્ય સાધવાનો સંદેશ આપવામાં આવ્યો છે.

અધ્યાત્મવિદ્યા અને એનું પ્રતિપાદન કરનારાં ઉપનિષદ વચનોનો અંતિમ આદર્શ એ જ છે. પ્રકૃતિના સમસ્ત પ્રકારના રંગરાગો અને નામરૂપોમાંથી મનને પાછું વાળી લઈને પરમાત્માભિમુખ કરી, પરમાત્મામાં કેન્દ્રિત બનાવીને, પરમાત્માની સાથેની અભિન્ન અંતરંગ એકતાની અનુભૂતિની એ પ્રેરણા આપે છે. જીવનની સાચી સંપૂર્ણ શાંતિ, પૂર્ણતા તથા મુક્તિ એ દ્વારા જ પામી શકાય છે એવો એમનો સ્પષ્ટ નિર્દેશ છે. એમનો તટસ્થ રીતે તથા સુચારુ રીતે અભ્યાસ કરવાથી એ હકીકત સહેલાઈથી સમજી શકાય છે.

२. भेदान्नेति चेन्नैकस्यामपि  ।

અર્થ
ચેત્ = જો એવું કહેતા હો કે. 
ભેદાત્ = એ ઠેકાણે વર્ણનમાં ભેદ હોવાથી.
ન = એકતા સિદ્ધ નથી થતી.
ઈતિ ન = તો એવું કહેવું બરાબર નથી. (કારણ કે)
એકસ્યામ્ = એક વિદ્યામાં.
અપિ = પણ. (એવો વર્ણનભેદ હોવાનું અનુચિત નથી.)

ભાવાર્થ
ઉપનિષદમાં વર્ણવેલી અધ્યાત્મવિદ્યા એક પરમાત્માનું જ પ્રતિપાદન કરે છે અને પરમાત્માને જ ઉપાસ્ય અથવા આરાધ્ય સમજે છે. કોઈ એવી દલીલ કરતું હોય કે ઉપનિષદોના વર્ણનમાં એકવાક્યતા નથી દેખાતી. કારણ કે એમાં ક્યાંક જગતના કારણ તરીકે સત્ ને કહીને એણે ઈચ્છા કરી કે હું બહુવિધ બનું અને એણે તેજને ઉત્પન્ન કર્યું એવું જણાવ્યું છે, તો ક્યાંક કહ્યું છે કે પહેલાં આ આત્મા જ હતો; એના સિવાય બીજું કોઈ ક્રિયાશીલ નહોતું; એણે ઈચ્છા કરી કે હું લોકોને રચું. ક્યાંક જગતની ઉત્પત્તિ આત્મામાંથી ક્યાંક આનંદમયમાંથી, ક્યાંક રચિ અને પ્રાણમાંથી, તો ક્યાંક અવ્યક્તમાંથી કહી બતાવી છે. તો એવી દલીલ ઉચિત નથી. કારણ કે આ પહેલાંનાં સૂત્રોમાં એ જ વિષયની છણાવટ કરતી વખતે આપણે જોઈ લીધું કે ઉપનિષદોમાં એક પરમાત્માનું જ વર્ણન જુદા જુદા ઉલ્લેખો દ્વારા કરવામાં આવ્યું છે અને સમસ્ત જગતની ઉત્પત્તિ એમનામાંથી જ કહી બતાવી છે.

ઉપનિષદો સુસ્પષ્ટ સ્વરે જણાવે છે કે પરમાત્મા સિવાય બીજું કશું જ નથી તો પછી બીજા કશામાંથી જગતની કે કશાની ઉત્પત્તિ થવાનો પ્રશ્ન જ ક્યાં ઉદ્ ભવે છે ?  એક જ તત્વનું વર્ણન ભેદને લીધે જુદું જુદું લાગે તો પણ, એના પ્રતિપાદ્ય વિષય અથવા ધ્યેયની દૃષ્ટિઓ વિભિન્ન નથી હોતી પરંતુ એક જ હોય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *