Thursday, 19 September, 2024

Adhyay 3, Pada 3, Verse 03-04

100 Views
Share :
Adhyay 3,  							Pada 3, Verse 03-04

Adhyay 3, Pada 3, Verse 03-04

100 Views

३. स्वाध्यायस्य तथात्वेन हि समाचारेङधिकाराच्च सववच्च तन्नियमः ।

અર્થ
સ્વાધ્યાયસ્ય = એ શિરોવ્રતનું પાલન અધ્યયનનું અંગ છે.
હિ = કારણ કે.
સમાચારે = આથર્વણ શાખાવાળાના પરંપરાગત શિષ્ટાચારમાં.
તથાત્વેન = અધ્યયનના અંગરૂપે જ એનું વિધાન કરવામાં આવ્યું છે.
ચ = અને.
અધિકારાત્ = એ વ્રતનું પાલન કરનારાનો જ બ્રહ્મવિદ્યાના અધ્યયનમાં અધિકાર માનવામાં આવ્યો હોવાથી.
ચ = પણ.
સવવત્ = ‘સવ’ હોમની જેમ.
તન્નિયમઃ = એ શિરોવ્રતવાળો નિયમ આથર્વણ શાખાવાળાને માટે જ છે.

ભાવાર્થ
આ સૂત્ર દ્વારા એક બીજા જ વિષય પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. એ વિષય શિરોવ્રતનો અથવા શિર પર કેશ ધારણ કરવાને લગતો છે બ્રહ્મવિદ્યાના અધ્યયનને માટે શિરોવ્રતની આવશ્યકતા છે કે નહિ તે પ્રશ્નનો અહીં પ્રત્યુત્તર આપવામાં આવે છે.

આથર્વણ શાખાના મુંડક ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘જેમણે વિધિપૂર્વક શિરોવ્રતનું પાલન કર્યું હોય તેમને જ આ બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપવો જોઈએ.’
तेषामेवैतां ब्रह्मविद्यां वेदत शिरोव्रतं विधिवद् यैस्तु चीर्णम् ।

બ્રહ્મવિદ્યાને શિરોવ્રત સાથે અથવા શિર પર કેશ કે જટા રાખવા સાથે કોઈ સીધો કે આડકતરો સંબંધ છે ખરો ? શિરોવ્રત વિના બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ ના થઈ શકે ? થઈ શકે. છતાં પણ ત્યાં જે શિરોવ્રતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ઉલ્લેખ આથર્વણ શાખાવાળાના અધ્યયનની પરંપરાગત પ્રથા કે પદ્ધતિને બતાવવા માટે જ કરવામાં આવ્યો છે. એ શાખામાં એ વખતે અધ્યયનની એવી પદ્ધતિ પ્રવર્તમાન હતી અને એનું અત્યંત આગ્રહપૂર્વક પાલન કરાતું એટલું જ. એનો અર્થ એવો નથી કે એ નિયમ બ્રહ્મવિદ્યાનું અધ્યયન કરનારા સૌ કોઈને લાગુ પડે છે અને શિર પર કેશ કે જટા રાખ્યા વિના કોઈ ક્યાંય કદાપિ બ્રહ્મવિદ્યાનું અધ્યયન કરી કરાવી શકે જ નહિ. ના. એનો સૂચિતાર્થ એવો નથી સમજવાનો.

‘સવ’ હોમનો નિયમ જેવી રીતે એમની જ શાખાવાળાને લાગુ પડે છે તેમ શિરોવ્રતના નિયમનું પણ સમજી લેવાનું છે બ્રહ્મવિદ્યાની એકતામાં એ નિયમને લીધે કશો દોષ નથી પેદા થતો. બ્રહ્મવિદ્યા એનો આધાર લેનારા સૌને માટે સરખી અને પરમાત્મા પ્રત્યે પ્રેરિત કરનારી છે. શિરોવ્રતનું વિધાન સૌને માટે અથવા ફરજિયાત નથી. એ તો તત્કાલિન સામાજિક રૂઢી કે શિષ્ટાચારનું માત્ર પ્રતિબિંબ પાડે છે.

४. दर्शयति  च ।

અર્થ
દર્શયતિ ચ = શ્રુતિ પણ એવું કહી બતાવે છે.

ભાવાર્થ
શ્રુતિ તથા સ્મૃતિમાં પણ જુદી જુદી રીતે જે બ્રહ્મવિદ્યાનું વર્ણન કરવામાં આવ્યું છે તે વર્ણન પરમાત્માનું જ પ્રતિપાદન કરવા અને પરમાત્માને જ પરમ પ્રાપ્તવ્ય તરીકે બતાવવા માટે છે. એના પરથી પ્રતીતિ થાય છે કે બ્રહ્મવિદ્યા ભિન્ન ભિન્ન નથી. પરંતુ એક જ છે અને પરમાત્મ પ્રાપ્તિના એક જ આદર્શની સિદ્ધિ માટે છે. બ્રહ્મની અથવા પરમાત્માની પ્રાપ્તિ માટેની પ્રેરણા કરતી હોવાથી, તેમાં મદદરૂપ બનતી હોવાથી, ને પરમાત્માના મહિમાનું પ્રતિપાદન કરતી હોવાથી. એનું બ્રહ્મ નામ સફળ અથવા સાર્થક છે.
કઠોપનિષદમાં જણાવ્યું છે કે વેદની બધી વિદ્યા પરમાત્મા રૂપી પરમપદનું પ્રતિપાદન કરે છે.
सर्वे वेदा यत्पदमामनन्ति ।

ભગવાન ગીતામાં પણ જણાવે છે કે બધા જ વેદો દ્વારા હું જ જાણવા યોગ્ય છું.
वेदैश्च सर्वैरहमेव वेद्य ।

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *