Sunday, 22 December, 2024

Adhyay 3, Pada 3, Verse 05-06

132 Views
Share :
Adhyay 3,  							Pada 3, Verse 05-06

Adhyay 3, Pada 3, Verse 05-06

132 Views

५. उपसंहारोङर्थामदाद्विधिशेषवत्समाने च ।

અર્થ
સમાને = એક જાતની વિદ્યામાં. 
ચ = જ.
અર્થાભેદાત્ = પ્રયોજનમાં ભેદ ના હોવાને લીધે. 
ઉપસંહારઃ = એક ઠેકાણે કહેલા ગુણોનો બીજે ઠેકાણે ઉપસંહાર કરી લોવાનું.
વિધિશેષવત્ = વિધિશેષની જેમ (યોગ્ય છે.)

ભાવાર્થ
કર્મકાંડમાં પ્રયોજનનો ભેદ નથી હોતો. તેથી એક શાખામાં બતાવેલા યજ્ઞાદિના વિધિશેષ જેવા અગ્નિહોત્ર જેવા ધર્મોનો બીજે સ્થળે પણ ઉપસંહાર કે અધ્યાહાર કરી લેવામાં આવે છે, તેવી રીતે ઉપનિષદોમાં જુદે જુદે સ્થળે વર્ણવાયલી બ્રહ્મવિદ્યામાં પ્રયોજન ભેદ નથી. એનું પ્રયોજન એક જ અવિદ્યાની નિવૃત્તિનું ને સ્વરૂપના સાક્ષાત્કારનું છે. તેથી એ સંબંધી એક સ્થળે કહેલી કેટલીક વિશિષ્ટ વાતો બીજે સ્થળે અધ્યાહારરૂપે રહેલી છે એવું માનીને એમનો ઉપસંહાર કરી લેવો જોઈએ. એમ કરવાથી એ વિદ્યામાં ભેદ છે એવું નહિ લાગે.

६. अन्यथात्वं शब्दादिति चेन्नाविशेषात् ।

અર્થ
ચેત્ = જો કહેતા હો કે.
શબ્દાત્ = કહેલા શબ્દથી.
અન્યથાત્વમ્ = બંનેની ભિન્નતા પ્રતીત થાય છે એથી એકતાની સિદ્ધિ નથી થતી.
ઈતિ ન = તો એ વાત બરાબર નથી.
અવિશેષાત્ = વિધિ અને ફળમાં ભેદ ન હોવાને લીધે (બંને વિદ્યાઓમાં સમાનતા છે.)

ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદના આઠમા અધ્યાયમાં દહર વિદ્યા અને પ્રાજાપત્ય – એ બંને વિદ્યાનું વર્ણન કરેલું છે. બંનો વિદ્યાઓનાં નામ જુદાં જુદાં હોવા છતાં એમના આદર્શ એક જ. એ પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ બતાવતી હોવાથી એમની વચ્ચે વિરોધ નથી પરંતુ સમાનતા છે. એ વિદ્યાઓના વર્ણન વખતે કરવામાં આવેલા શબ્દ પ્રયોગથી એવી શંકા થવાનો સંભવ છે કે બંને વિદ્યાઓમાં અંતર અથવા વિરોધ છે, પરંતુ ખરેખર એવું નથી સમજવાનું. એ શબ્દ પ્રયોગના મર્મનો વિચાર કરવાથી એની પ્રતીતિ થાય છે.

દહરવિદ્યાના વર્ણન દરમિયાન કહેવામાં આવ્યું છે કે ‘મનુષ્ય શરીરરૂપી બ્રહ્મપુરમાં હૃદયરૂપી ઘરની અંદર જે આંતરિક આકાશ છે અને એની અંદર જે વસ્તુ છે એનું અનુસંધાન સાધવું જોઈએ.’ પ્રાજાપત્ય વિદ્યામાં અપહત – પાપ્મા જેવાં વિશેષણોથી યુક્ત આત્માને જાણવા યોગ્ય કહી બતાવ્યો છે. દહર-વિદ્યામાં અંતરાકાશને બ્રહ્મલોક, આત્મા, સૌને ધારણ કરનાર જણાવીને, સઘળાં વિકારોથી રહિત, સત્ય સંકલ્પાદિ સમસ્ત દિવ્ય સદ્ ગુણોથી સંપન્ન કહીને, પરબ્રહ્મ તરીકે વર્ણવવામાં આવ્યું છે, અને પ્રાજાપત્ય વિદ્યામાં પણ એ પરમજ્ઞેય તત્વને આત્માનું નામ આપીને સમસ્ત દોષો તથા વિકારોથી રહિત, સત્ય-સંકલ્પત્વ જેવા દૈવી ગુણોવાળા પરમાત્મા કહ્યા.

એવી રીતે વિચારવાથી સમજાય છે કે એ બંને વિદ્યાઓ દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય ઉપાસ્ય પરમાત્મા એક જ છે અને એ બંને વિદ્યાઓમાં ફળપ્રાપ્તિની દૃષ્ટિએ લેશ પણ ભેદ નથી. એ વિદ્યાઓના ઉપલક વર્ણન માટે વપરાયલા શબ્દો પરથી એમની અંદર ભેદ છે એવું ના માની શકાય. એમના સારતત્વનો જ વિચાર કરવો જોઈએ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *