Thursday, 19 September, 2024

Adhyay 3, Pada 3, Verse 07-09

101 Views
Share :
Adhyay 3,  							Pada 3, Verse 07-09

Adhyay 3, Pada 3, Verse 07-09

101 Views

७. न वा प्रकरणमेदात्परोङवरीयस्त्वादिवत् ।

અર્થ
વા = અથવા.
પરોડવરીયસ્ત્વાદિવત્ = પરમ શ્રેષ્ઠતા કનિષ્ઠતા આદિ ગુણોવાળી બીજી વિદ્યાઓની જેમ.
પ્રકરણભેદાત્ = પ્રકરણના ભેદથી એ બંને વિદ્યાઓ ભિન્ન.
ન = સિદ્ધ નથી થઈ શકતી.

ભાવાર્થ
ઉપર કહેલી દહરવિદ્યા તથા પ્રાજાપત્યવિદ્યામાં વર્ણનભેદ હોવા છતાં પણ પ્રયોજન અથવા ફળની દૃષ્ટિએ જરા પણ ભેદ નથી એટલે એ વિદ્યાઓ સમાન છે. બીજી કેટલીક વિદ્યાઓમાં એવા સમાનતા નથી હોતી પરંતુ ભેદભાવનું દર્શન થાય છે. દાખલા તરીકે છાંદોગ્ય ઉપનિષદમાં અને બૃહદારણ્યક ઉપનિષદમાં વર્ણવેલી ઉદ્ ગીથવિદ્યા. છાંદોગ્ય ઉપનિષદમાં ઉદ્ ગીથવિદ્યામાં ઉદ્ ગીથની અક્ષર ઓમ્ કારની સાથે એકતા બતાવીને એનો મહિમા વધારવામાં આવ્યો છે અને એનું ફળ પણ શ્રેષ્ઠ કહ્યું છે. પરંતુ એથી ઉલટું બૃહદારણ્યક ઉપનિષદની ઉદ્ ગીથવિદ્યા કેવળ પ્રાણોની શ્રેષ્ઠતા મેળવવા અને યજ્ઞાદિમાં ઉદ્ ગીથગાન સમયે સ્વરની વિશેષતા દર્શાવવા માટે છે. એટલા માટે એના ફળને એટલું બધું શ્રેષ્ઠ નથી કહ્યું. એ બંને ઠેકાણે ઉપાસનાના પ્રકારોની ભિન્નતા છે. દહરવિદ્યા તથા પ્રાજાપત્યવિદ્યામાં ઉપાસના અને ઉપાસ્યની એકવાક્યતા હોવાને લીધે એવો ભેદ નથી દેખાતો.

८. संज्ञातश्चेत्तदुक्तमस्ति तु तदपि ।

અર્થ
ચેત્ = જો કહેતા હો કે.
સંજ્ઞાતઃ = સંજ્ઞાને લીધે પરસ્પર ભેદ હોવાને લીધે. (એકતાની સિદ્ધિ નથી થતી) તો.
તદુક્તમ્ = એનો ઉત્તર અપાઈ ગયો છે.
તુ = અને.
તદપિ = એ (સંજ્ઞાભેદને લીધે થનારી વિદ્યાવિષયક વિષમતા) પણ.
અસ્તિ = બીજે છે.

ભાવાર્થ
જો કોઈને એવી શંકા થતી હોય કે દહરવિદ્યા તથા પ્રાજાપત્યવિદ્યા બેનાં નામ જુદાં જુદાં હોવાથી એમની વચ્ચે એકતા ના માની શકાય તો એવી શંકા નિરર્થક છે. કારણ કે એ વિદ્યાઓનાં નામ જુદાં જુદાં હોવા છતાં એમના પ્રયોજનમાં કોઈ પ્રકારનો ભેદ નથી. ઉપનિષદોમાં બ્રહ્મવિદ્યાનું વર્ણન જુદાં જુદાં નામો દ્વારા કરવામાં આવ્યું હોવા છતાં પણ, એમનો આદર્શ એક જ હોવાથી એમની અંદર એકવાક્યતા રહેલી છે. કેવળ નામમાં ફેર હોવાથી જ એ વિદ્યાઓમાં ભિન્નતા છે એવું ના માની શકાય. જુદાં જુદાં નામોવાળી અને પૃથક્ પ્રયોજનવાળી વિદ્યાઓનું વર્ણન પણ ઉપનિષદમાં કરેલું છે. પ્રયોજનની દૃષ્ટિથી એમની અંદર પૃથકતા હોવાથી એમની એકવાક્યતા નથી એવું કહી શકાય.

९. व्याप्तेश्च समञ्जसम् ।

અર્થ
વ્યાપ્તેઃ = પરમાત્મા બધે વ્યાપક હોવાથી.
ચ = પણ.
સમક્જસમ્ = બ્રહ્મવિદ્યાઓમાં સમાનતા છે.
 
ભાવાર્થ
પરમાત્મા સર્વવ્યાપક હોવાથી એમનો મહિમા સર્વત્ર ગાવામાં આવ્યો છે. એમનો જ મહિમા ગાવા જેવો છે. બ્રહ્મવિદ્યાઓનાં નામ જુદાં હોય તો પણ, એમનું કાર્ય તો એક જ છે – પરમાત્માની સર્વશ્રેષ્ઠતાની સિદ્ધિ કરીને એમનો મહિમા ગાવાનું અને એમની પ્રાપ્તિની પ્રેરણા પુરી પાડીને એમની સંપ્રાપ્તિનાં સાધનો પ્રત્યે અંગુલિનિર્દેશ કરવાનું. એ રીતે વિચારતાં બાહ્ય રીતે નામનો ભેદ હોય તો પણ એમનો આત્મા એક જ હોય છે. એમનો અંતરંગ ભેદ નથી હોતો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *