Sunday, 22 December, 2024

Adhyay 3, Pada 3, Verse 16-17

138 Views
Share :
Adhyay 3,  							Pada 3, Verse 16-17

Adhyay 3, Pada 3, Verse 16-17

138 Views

१६. आत्मगृहीतिरितरवदुत्तरात् ।

અર્થ
આત્મગૃહીતિઃ = આત્મ શબ્દથી પરમાત્માનું ગ્રહણ.
ઈતરવત્ = બીજી શ્રુતિની પેઠે
ઉત્તરાત્ = એની પછીના વર્ણનથી (સિદ્ધ થાય છે.)

ભાવાર્થ
આત્મા શબ્દનો પ્રયોગ તો મોટે ભાગે પ્રત્યગાત્મા અથવા જીવાત્માને માટે કરવામાં આવે છે, તો ત્યાં એનો પ્રયોગ પરમાત્માને માટે થયો છે એવું શી રીતે માની લેવાય ? એવા સંભવિત પ્રશ્નના પ્રત્યુત્તરમાં કહેવામાં આવે છે કે એ ઉપનિષદમાં કરવામાં આવેલા પાછળના વર્ણન પરથી એવી માન્યતાને પુષ્ટિ મળે છે. તૈત્તિરીય ઉપનિષદમાં કરવામાં આવેલા આનંદમયના વર્ણન પછી તરત જ ઉલ્લેખ આવે છે કે ‘હું બહુવિધ બનું એવી એણે કામના કરી;  सोङकामयत बहुस्याम् । એ ઉલ્લેખ દેખીતી રીતે જ પરમાત્માને અનુલક્ષીને કરવામાં આવ્યો છે. ત્યાં આનંદમય આત્મામાંથી સમસ્ત સૃષ્ટિની ઉત્પત્તિનું કથન છે. એટલે આનંદમય અને આત્મા શબ્દનો પ્રયોગ પરમાત્માને માટે જ કરવામાં આવ્યો છે એમાં કશા સંદેહને માટે અવકાશ નથી રહેતો. જીવાત્મા કાંઈ સમસ્ત સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની કામના તથા તદ્દનુસાર પ્રવૃત્તિ ના કરી શકે.

એ સિવાયના બીજા ઉપનિષદમાં પણ આત્મા શબ્દનો પ્રયોગ પરમાત્માને માટે કરવામાં આવ્યો છે. તૈત્તિરીય ઉપનિષદમાં પણ આત્મા શબ્દનો પ્રયોગ પરમાત્માને માટે કરવામાં આવ્યો છે.

તૈત્તિરીય ઉપનિષદમાં કહ્યું છે કે. 
आत्मा वा इदमेकमेवाग्र  आसीन्नान्यत् किंचन भिषत् स ईक्षत लोकान्नु सृजै ।
‘આરંભમાં આ એક આત્મા જ હતો, એણે ઈચ્છા કરી કે હું લોકોની રચના કરું;

ઉપનિષદના એ કથનમાં આત્મા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે એ આત્મા શબ્દ પરમાત્માને માટે જ વપરાયો છે. એવું જ તૈત્તિરીય ઉપનિષદમાં આવેલા આત્મા શબ્દના આનંદમય શબ્દના પ્રયોગ સંબંધી સમજી લેવાનું છે.

१७. अन्वयादिति  चेत्स्यादवधारणात्  ।

અર્થ
ચેત્ = જો કહેતા હો કે.
અન્વયાત્ = પ્રત્યેક વાક્યમાં આત્મા શબ્દનો અન્વય હોવાથી આનંદમય પરમાત્મા છે એવું પુરવાર નથી થતું.
ઈતિ = તો એનો ઉત્તર એ છે કે.
અવધારણાત્ = નિર્ધારિત કરવામાં આવ્યું હોવાથી. 
સ્યાત્ = (આનંદમય જ પરમાત્મા છે) એ વાત પુરવાર થાય છે.

ભાવાર્થ
તૈત્તિરીય ઉપનિષદની બ્રહ્મવલ્લીમાં આત્મા શબ્દનો પ્રયોગ બધા વાક્યોના અંતભાગમાં જોવા મળે છે. તો પછી એના પ્રયોગને અગત્ય આપીને આનંદમયને જ પરમાત્મા માનવાનું શું ઉચિત છે ? એ શંકાનું સમાધાન કરતાં અહી કહેવામાં આવે છે કે આત્મા શબ્દનો પ્રયોગ ત્યાં લગભગ બધાં જ વાક્યોમાં કરવામાં આવ્યો છે એ સાચું છે પરંતુ એ પણ એટલું જ સાચું છે કે બધે ઠેકાણે એનો પ્રયોગ પરમાત્માને માટે નથી કરવામાં આવ્યો. પરમાત્માને માટે તો એનો પ્રયોગ એ વર્ણનના અંતભાગમાં જ કરવામાં આવ્યો છે.

અન્નમયનો અંતરાત્મા એનાથી જુદા એવા પ્રાણમયને બતાવ્યો છે, પ્રાણમયનો એથી જુદા મનોમયને, મનોમયનો વિજ્ઞાનમયને, તથા વિજ્ઞાનમયનો અંતરાત્મા આનંદમયને. એ પછી આનંદમયનો અંતરાત્મા બીજા કોઈને નથી બતાવ્યો, પરંતુ નિશ્ચિત કર્યું છે કે એનો આત્મા એ જ છે. અને પહેલાં કહેલા બધા પુરૂષોનો આત્મા એ જ છે. એમાંથી જગતની ઉત્પત્તિ પણ કહી બતાવી છે. એટલે આનંદમય શબ્દ પરમાત્માને માટે જ વપરાયો છે, બીજા કોઈને માટે નથી વપરાયો, અને આત્મા શબ્દ પણ પરમાત્માનો જ વાચક છે, એવું પુરવાર થાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *