Sunday, 22 December, 2024

Adhyay 3, Pada 3, Verse 18-19

155 Views
Share :
Adhyay 3,  							Pada 3, Verse 18-19

Adhyay 3, Pada 3, Verse 18-19

155 Views

१८. कार्यारव्यानादपूर्वम् ।

અર્થ
કાર્યાખ્યાત્ = પરમાત્માના કાર્યરૂપે કહેલો હોવાથી એ પુરૂષ
અપૂર્વમ = પૂર્વોક્ત પરમાત્મા ન હોઈ શકે.

ભાવાર્થ
તૈત્તિરીય ઉપનિષદમાં આત્મામાંથી આકાશાદિ ભૂતોની ઉત્પત્તિને વર્ણવીને પૃથ્વીથી ઔષધિથી, અન્નની, અને અન્નથી પુરૂષની ઉત્પત્તિ કહી બતાવી. પછી જણાવ્યું કે ખરેખર આ જ એ પુરૂષ અન્નરસમય છે. એ કથન પ્રમાણે ‘સત્યં જ્ઞાનમનતં બ્રહ્મ’ વાક્ય દ્વારા કહી બતાવેલા પરબ્રહ્મ પરમાત્મા જ એ અન્ન-રસમય પુરૂષ છે કે કોઈ બીજા છે, એવી શંકા ના કરતાં કહેવામાં આવે છે કે એ પ્રકરણમાં વર્ણવેલા અન્ન-રસમય પુરૂષ પરમાત્મા તરીકે ના ઓળખાવી શકાય. કારણ કે અન્ન-રસમય પુરૂષ તો પરમાત્માના કાર્યરૂપ છે. એની ઉત્પત્તિ અન્ન દ્વારા કહી બતાવી છે. એને જો પરમાત્મા સમજી લેવામાં આવે તો પરમાત્માની ઉત્પત્તિ પણ અન્ન દ્વારા થાય છે એવું સ્વીકારવું પડે. એવી રીતે સ્વીકારવાથી મોટો દોષ પેદા થાય. કારણ કે પરમાત્મા તો પરમ સત્યસ્વરૂપ છે. એ કોઈની દ્વારા, કોઈયે પ્રયોજનથી, પેદા નથી થતા. એ તો સમસ્ત જગતના અધીશ્વર છે. એ પરમ સત્યસ્વરૂપ, પરમજ્ઞાનમય અને અનંત છે. આત્મા અને આનંદમય નામથી પણ એ જ પરબ્રહ્મ પરમાત્માનો નિર્દેશ કરેલો છે.

१९. समान एवं चाभेदात् ।

અર્થ
સમાને = એક શાખામાં.
ચ = પણ.
એવમ્ = એ જ રીતે વિદ્યાની એકતા સમજવી જોઈએ.
અભેદાત્ = કારણ કે બંને ઠેકાણે ઉપાસ્યમાં કોઈ ભેદ નથી.

ભાવાર્થ
આ સૂત્ર દ્વારા વાજસનેયી શાખાના શતપથ બ્રાહ્મણમાં કહેલી શાંડિલ્ય વિદ્યાની અને બૃહદારણ્યક ઉપનિષદમાં વર્ણવેલી વિદ્યાની સમાનતા અથવા એકતા બતાવવામાં આવી છે. શતપથ બ્રાહ્મણમાં કહ્યું છે કે ‘સત્ય જ બ્રહ્મ છે એવી રીતે ઉપાસના કરવી જોઈએ. આ પુરૂષ સંકલ્પમય છે. એ જેવા અને જેટલા સંસ્કારો અને સંકલ્પોથી સંપન્ન બનીને આ લોકમાંથી પ્રયાણ કરે છે તેવા ને તેટલા સંકલ્પોવાળો બનીને પરલોકમાં પેદા થાય છે. એ મનોમય પ્રાણ શરીરવાળા આકાશસ્વરૂપ આત્માની ઉપાસના કરે; એ જ શાખાના બૃહદારણ્યક ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘જેનું સત્ય સ્વરૂપ પ્રકાશ છે તે પુરૂષ મનોમય છે. ચોખા તથા જવના જેવા સૂક્ષ્મ આકારનો છે. હૃદયરૂપી આકાશમાં રહેલો છે, સૌનો સ્વામી, સર્વનો અધિપતિ છે. એ આ સર્વનું સર્વોત્તમ રીતે શાસન કરે છે; એ બંને ઠેકાણે વર્ણવેલી વિદ્યામાં ભેદ નથી સમજવાનો.

બંને ઠેકાણે વર્ણવેલી વિદ્યા પરમાત્માની જ ઉપાસના કરવાનો આદેશ આપે છે, પરમાત્માની શ્રેષ્ઠતા પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે, અને પરમાત્માને જ સૌના ઉપાસ્ય કે એકમાત્ર આરાધ્ય કહી બતાવે છે. એટલે એ બંને ઠેકાણે વર્ણવેલી વિદ્યાનું પ્રયોજન એક જ છે.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *