Adhyay 3, Pada 3, Verse 23-24
By-Gujju29-04-2023
Adhyay 3, Pada 3, Verse 23-24
By Gujju29-04-2023
२३. सम्भृतिद्युव्याप्त्यपि चातः ।
અર્થ
ચ = અને.
અતાઃ = એટલા માટે અથવા વિદ્યાની એકતા ના હોવાથી.
સમ્ભૂતિદ્યુવ્યાપ્તી = સમસ્ત લોકોને ધારણ કરવાનો ને દ્યુલોક આદિ સમસ્ત બ્રહ્માંડને વ્યાપીને સ્થિત થવાનો – બંને પ્રકારનો પરમાત્માનો ગુણધર્મ.
અપિ = પણ બીજે ના લેવો જોઈએ. (બીજે એટલે નેત્રાન્તર્વર્તી આદિ પુરૂષોમાં.)
ભાવાર્થ
નેત્રાન્તર્વર્તી અથવા સૂર્ય મંડળવર્તી પુરૂષોનું વર્ણન ઉપનિષદમાં કરવામાં આવ્યું છે. એ પુરૂષોમાં પરબ્રહ્મ પરમાત્માના કયા ગુણો અધ્યાહારરૂપે રહેલા નથી એ બતાવવા માટે આ સૂત્રની રચના થઈ છે. એને સારી પેઠે સમજવા માટે બૃહદારણ્યક ઉપનિષદમાં આવેલા યાજ્ઞવલ્ક્ય અને ગાર્ગીના વાર્તાલાપનો વિચાર કરવો જોઈએ. એ વાર્તાલાપ દરમિયાન ગાર્ગીએ યાજ્ઞવલ્ક્યને પૂછ્યું કે, જે દ્યુલોકથી ઉપર છે, પૃથ્વીથી નીચે છે, દ્યુલોક તથા પૃથ્વીની વચ્ચે છે, દ્યુલોક તથા પૃથ્વી છે, અને જેને ભૂત, વર્તમાન ને ભવિષ્ય કહે છે, એ બધું શેની અંદર ઓતપ્રોત છે ? એ પ્રશ્નના પ્રત્યુત્તરમાં યાજ્ઞવલ્ક્યે જણાવ્યું કે દ્યુલોકથી ઉપર અને પૃથ્વીથી નીચે સુધી આ સઘળું આકાશમાં ઓતપ્રોત છે. ગાર્ગીએ પૂછ્યું કે, આકાશ શેમાં ઓતપ્રોત છે ? યાજ્ઞવલ્ક્યે જણાવ્યું કે એ તત્વને બ્રહ્મવેત્તા પુરૂષો અક્ષર કહે છે. એ જાડું નથી, પાતળું નથી; લાલ નથી, ચીકણું નથી; છાયા નથી; અંધકાર નથી, વાયુ નથી, આકાશ નથી, સંગ, રસ, ગંધ, નેત્ર, કાન, વાણી, મન, તેજ, પ્રાણ, મુખ તથા માપ નથી; અંદર અથવા બહાર નથી. એ કાંઈ પણ નથી ખાતું અને એને કોઈ નથી ખાતું. સૂર્ય, ચંદ્ર, દ્યુલોક અને પૃથ્વી આદિ એના અધિકારમાં છે. એણે જ આ સઘળું ધારણ કરી રાખ્યું છે.
એ વાર્તાલાપમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે પરબ્રહ્મ પરમાત્મા સમસ્ત બ્રહ્માંડના અધિષ્ઠાતા છે અને સર્વત્ર વ્યાપક છે. પરમાત્માની એ બંને પ્રકારની વિશેષતાઓ અથવા પરમાત્માના એ ગુણધર્મો નેત્રાન્તર્વર્તી કે સૂર્ય મંડળસ્થ પુરૂષમાં આરોપિત કરી શકાય તેમ નથી. એ વિશેષતાઓ કે ગુણધર્મોને પરમાત્મા સિવાય બીજે ક્યાંય અથવા બીજા કોઈનામાં ના ઘટાવી શકાય. નેત્રાન્તર્વર્તી અને સૂર્ય મંડળસ્થ પુરૂષનાં ક્ષેત્રો સીમિત છે. પુરૂષ સર્વત્ર વ્યાપક તથા સૌને ધારણ કરનારા છે એવું કદાપિ ના કહી શકાય. એવી રીતે પરબ્રહ્મ પરમાત્મા સિવાયના બીજા પદાર્થોના સંબંધમાં સમજી લેવાનું છે. એ પદાર્થો સીમિત અને સ્વલ્પ શક્તિ સંપત્તિવાળા હોવાથી પરમાત્માના ગુણધર્મોથી સંપન્ન નથી અને પરમાત્માનું સ્થાન ના લઈ શકે.
—
२४. पुरूष विद्यामिव चेतरेषामनामनाम्नानात् ।
અર્થ
પુરૂષ વિદ્યાયામ્ ઈવ = પુરૂષ વિદ્યામાં બતાવેલા ગુણ.
ચ= પણ.
ઈતરેષામ્ = બીજા પુરૂષોમાં ના હોઈ શકે.
અનામ્નાનાત્ = કારણ કે શ્રુતિમાં એમના એવા ગુણો બીજે ક્યાંય નથી બતાવ્યા.
ભાવાર્થ
અહીં જેનો પુરૂષ વિદ્યાના નામથી ઉલ્લેખ કરવો છે એ પરમાત્માના મહિમાનું જયગાન છે. મુંડકોપનિષદમાં અક્ષર બ્રહ્મનો પુરૂષ નામથી પરિચય કરાવવામાં આવ્યો છે. એ ઉપનિષદમાં અક્ષર બ્રહ્મથી સૌની ઉત્પત્તિ અને એની અંદર સૌનો લય કહી બતાવીને એમને દિવ્ય અલૌકિક અમૃત પુરૂષ કહ્યા છે. એમનામાંથી પ્રાણ, ઈન્દ્રિય, પંચ મહાભૂત, સૂર્ય, ચંદ્ર, વેદ, અગ્નિ, દેવ, મનુષ્ય, અન્ન, સમુદ્ર તથા પર્વતની સૃષ્ટિ થાય છે એવું જણાવીને એમના સંબંધમાં કહ્યું છે કે પુરૂષ જ આ સર્વ કાંઈ છે; તપ, કર્મ તથા પરમ અમૃતસ્વરૂપ બ્રહ્મ પણ એ જ છે. હૃદયરૂપી ગુફામાં રહેલા એ અંતર્યામી પરમ પુરૂષને જે જાણે છે તે અહીં, આ મનુષ્ય શરીરમાં જ અવિદ્યાની ગ્રંથિને તોડી નાખે છે. પરમાત્માના મહિમાના એ જયગાનમાં જે અસાધારણ યોગ્યતા નેત્રાન્તર્વર્તી, સૂર્ય મંડળસ્થ કે બીજા કોઈ પણ પુરૂષમાં નથી દેખાતી એટલે એ યોગ્યતા તથા ગુણધર્મો બીજા કોઈને માટે ના ઘટાવી શકાય. પરમાત્માની બરાબરી બીજા કોઈ પણ સામાન્ય કે અસામાન્ય પુરૂષથી ના થઈ શકે.