Adhyay 3, Pada 3, Verse 30-32
By-Gujju29-04-2023
Adhyay 3, Pada 3, Verse 30-32
By Gujju29-04-2023
३०. उपपन्नस्तल्लक्षणार्थोपलब्धेलोकवत् ।
અર્થ
તલ્લક્ષણાર્થોપલબ્ધેઃ = એ દેવયાન માર્ગ દ્વારા બ્રહ્મલોકમાં જવા માટેનાં યોગ્ય સૂક્ષ્મ શરીરાદિ ઉપકરણોની પ્રાપ્તિનું કથન હોવાથી.
ઉપપન્નઃ = એને માટે બ્રહ્મલોકમાં જવાનું કથન યુક્તિસંગત છે.
લોકવત્ = લોકમાં પણ એવું જોઈ શકાય છે.
ભાવાર્થ
બ્રહ્મજ્ઞાની પુરૂષ સ્વેચ્છાથી બ્રહ્મલોકની પ્રાપ્તિ કરી શકે છે એવા વિધાનની પુષ્ટિ માટેની બીજી ઉપયોગી સામગ્રી પણ ઉપનિષદમાંથી સાંપડી રહે છે. ઉપનિષદમાં બ્રહ્મલોકમાં જવા માટેનાં ઉપયોગી સાધનોનો ઉલ્લેખ કરેલો છે. છાંદોગ્ય ઉપનિષદમાં જણાવ્યું છે કે બ્રહ્મજ્ઞાની સમસ્ત કર્મોનો અભાવ થઈ ગયા પછી પણ, દિવ્ય શરીરથી સંપન્ન બને છે એ દિવ્ય શરીર એને બ્રહ્મલોકમાં જવા માટે કામ લાગે છે. આ જગતમાં પણ એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જવા માટે કેટલીક ઉપયોગી સામગ્રીને એકઠી કરવી પડે છે. તેવી રીતે બ્રહ્મલોકમાં પ્રવેશવા માટેના દિવ્ય સૂક્ષ્મ શરીરની જ્ઞાનીને પ્રાપ્તિ થાય છે. દિવ્ય શરીર પ્રાપ્તિનું એ વિધાન બ્રહ્મજ્ઞાની બ્રહ્મલોકમાં પ્રવેશે છે એ હકીકતનું સમર્થન કરે છે.
—
३१. अनियमः सर्वषामविरोधः शब्दानुमानाभ्याम् ।
અર્થ
અનિયમનઃ = એ જ વિદ્યાઓનો આશ્રય લઈને ઉપાસના કરનારા દેવયાન માર્ગ દ્વારા જાય છે એવો નિયમ નથી.
સર્વેષામ્ = બ્રહ્મલોકમાં જનારા સઘળા જ્ઞાનીઓની ગતિ એ જ માર્ગથી થાય છે એ વાત.
શબ્દાનુમાનાભ્યામ્ = શ્રુતિ તથા સ્મૃતિ દ્વારા સિદ્ધ થાય છે. (એટલા માટે)
અવિરોધઃ = કશો વિરોધ નથી.
ભાવાર્થ
ઉપનિષદમાં બ્રહ્મલોક તથા પરમધામની પ્રાપ્તિનું વર્ણન તો આવે છે પરંતુ એ લોકમાં કે ધામમાં જવા માટે દેવયાન માર્ગ દ્વારા જ જવું પડે છે એવો ઉલ્લેખ બધે સ્થળે નથી આવતો. સ્મૃતિ ગ્રંથોમાં પણ એવો ઉલ્લેખ નથી આવતો. દેવયાન માર્ગનો ઉલ્લેખ અમુક વિદ્યાઓના સંબંધમાં કરેલો હોવાથી શંકા થવાનો સંભવ છે કે એ વિદ્યાઓનો આધાર લેનારા જ માર્ગે થઈને જતા હશે. એવી શંકાના સમાધાનને માટે અહીં જણાવવામાં આવે છે કે એ શંકા સાચી નથી. બ્રહ્મલોકમાં જનારા બધા જ ઉપાસકો કે જ્ઞાનીઓ દેવયાન માર્ગે જ ગતિ કરે છે. અમુક જ્ઞાનીજનો કે ઉપાસકો એ માર્ગે આગળ વધે છે ને બીજા જ્ઞાનીજનો કે ઉપાસકો બીજા માર્ગે પ્રયાણ કરે છે એવું નથી. બ્રહ્મલોકમાં જવાનો માર્ગ એક જ છે અને સૌ એ જ માર્ગનો દેવયાન માર્ગનો આધાર લે છે. શ્રુતિ કે સ્મૃતિમાં સઘળે સ્થળે એનું વર્ણન ના મળતું હોય તો પણ, એનું જેટલું પણ વર્ણન છે તેટલું વર્ણન પ્રમાણભૂત, આદર્શ અને સર્વ સ્વીકાર્ય ગણાવું જોઈએ.
—
३२. यावदधिकारमवस्थितिराधिकारिकाणाम् ।
અર્થ
આધિકારિકાણામ્ = અધિકાર પ્રાપ્ત કારક પુરૂષના
યાવદધિકારમ્ = અધિકારની સમાપ્તિ નથી થતી ત્યાં સુધી.
અવસ્થિતિઃ = પોતાની ઈચ્છા પ્રમાણે સ્થિતિ રહેતી હોય છે.
ભાવાર્થ
આ સૂત્રમાં એક વિશિષ્ટ વિષયની ચર્ચા કરતાં કહેવામાં આવે છે કે શાસ્ત્રોમાં જેમને કારક મહાપુરૂષ કહેવામાં આવે છે તે (મહર્ષિ વસિષ્ઠ તથા વ્યાસ જેવા) અસાધારણ જીવોની જેમ જન્મતા કે મરતા અથવા આવતા તથા જતા નથી. એ દિવ્ય બ્રહ્મલોકમાં રહે છે ત્યાં સુધી ઈચ્છા પ્રમાણે શરીરને ધારણ કરે છે ને છોડી દે છે. એમને અર્ચિ આદિ દેવતાઓની સહાયતાની આવશ્યકતા નથી રહેતી. એ એમની ઈચ્છાનુસાર ગમે તે લોકમાં જઈ શકે છે, લીલાતનુને ધારણ કરે છે, અને ત્યાગી શકે છે. એમની શક્તિ અસીમ હોય છે.