Sunday, 22 December, 2024

Adhyay 3, Pada 3, Verse 33-34

126 Views
Share :
Adhyay 3,  							Pada 3, Verse 33-34

Adhyay 3, Pada 3, Verse 33-34

126 Views

३३. अक्षरधियां त्ववरोधः सादान्यतद् भावाभ्यामौपसदवत्तदुक्तम् ।

અર્થ
અક્ષરધિયામ્ = અક્ષર અથવા પરમાત્માના નિર્ગુણ નિરાકાર વિષયક લક્ષણોનો.
તુ = પણ. 
અવરોધઃ = સર્વ સ્થળે અધ્યાહાર કરવાનું (યોગ્ય છે.)
સામાન્ય તદ્દભાવાભ્યામ્ = કારણ કે પરમાત્માના બધા વિશેષણો સમાન છે અને એમના સ્વરૂપને લક્ષ્ય કરાવનારા ભાવો છે.
ઔપસદવત્ = એટલે ‘ઉપસત્’  કર્મવિષયક મંત્રોની પેઠે.
તદુક્તમ્ = એમનો અધ્યાહાર કરવો યોગ્ય છે એ વાત કહેવામાં આવી છે.

ભાવાર્થ
આ સૂત્રમાં વિષય બદલાય છે. હવેનાં સૂત્રોમાં જીવાત્મા તથા પરમાત્માના સ્વરૂપ વર્ણનનો વિચાર કરવામાં આવે છે. આ સૂત્રમાં જે અક્ષરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ અક્ષરનું વર્ણન મુંડક તથા બૃહદારણ્યક જેવાં ઉપનિષદોમાં કરેલું છે. મુંડક ઉપનિષદમાં અંગિરા ઋષિએ શૌનકને કહ્યું છે કે ‘જે જાણી તથા પકડી નથી શકાતા, ગૌત્ર, વર્ણ, આંખ, કાન તથા પગ વગરના છે, સર્વ વ્યાપક, અતિશય સૂક્ષ્મ. વિનાશ રહિત અને સઘળાં પ્રાણીઓના એક માત્ર કારણ છે, એ અક્ષર પરમાત્માનું દર્શન જ્ઞાનીઓ સર્વત્ર કરતા હોય છે. એ અક્ષર પરમાત્માની પ્રાપ્તિ કરાવનારી વિદ્યાને પરાવિદ્યા કહેવામાં આવે છે.’

બૃહદારણ્યક ઉપનિષદમાં મહર્ષિ યાજ્ઞવલ્કયે ગાર્ગીને જણાવ્યું છે કે ‘જેના સંબંધમાં તું પ્રશ્ન કરે છે તે તત્વને બ્રહ્મજ્ઞાની પુરૂષો અક્ષર અથવા નિર્ગુણ, નિરાકાર, અવિનાશી બ્રહ્મ કહે છે. એ જાડા નથી, પાતળા નથી, મોટા તથા નાના નથી.’

३४. इयदामननात् ।

અર્થ
ઈયદામનનાત્ = સર્વ સ્થળે ઈયત્તા અથવા આટલાપણાનું વર્ણન સમાન હોવાથી.
(ઉક્ત ત્રણે યંત્રોમાં એક જ બ્રહ્મવિદ્યાનું વર્ણન કરેલું છે.)

ભાવાર્થ
મુંડક તથા શ્વેતાશ્વર ઉપનિષદમાં પક્ષીના ઉદાહરણ દ્વારા જીવાત્મા તથા પરમાત્માને હૃદયપ્રદેશમાં રહેતા બતાવ્યા છે. ત્યાં જણાવ્યું છે કે પરસ્પર સખાભાવથી સંપન્ન જીવ તથા શિવ નામનાં બે પક્ષી એક જ શરીરરૂપી વૃક્ષનો આશ્રય લઈને વાસ કરે છે. એમનામાંથી એક તો કર્મફળરૂપી સુખદુઃખોને ભોગવે છે અને બીજું કશું પણ ખાધા સિવાય કેવળ જોયા કરે છે. જીવ શરીરાદિમાં આસક્ત બનીને દીન તથા પરવશ બનીને ચિંતા કરે છે. એ જ્યારે સર્વના સૂત્રધાર તથા સ્વામી જેવા પોતાની પાસે રહેનારા પરમાત્માને અને એમના મહિમાને જાણી લે છે ત્યારે સર્વ પ્રકારે શોક અને મોહમાંથી મુક્તિ મેળવે છે. કઠોપનિષદમાં જીવાત્માને ને પરમાત્માને છાયા તેમ જ તાપની જેમ હૃદયમાં રહેલા કહ્યા છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *