Sunday, 22 December, 2024

Adhyay 3, Pada 3, Verse 37-39

127 Views
Share :
Adhyay 3,  							Pada 3, Verse 37-39

Adhyay 3, Pada 3, Verse 37-39

127 Views

३७. व्यतिहारो विशिषन्ति हीतरवत् ।

અર્થ
વ્યતિહારઃ = એકમાં બીજાના ધર્મોનો વિનિમય કરીને અભેદનું વર્ણન થયું છે માટે ઉપાધિકૃત ભેદ સિદ્ધ નથી થતો.
હિ = કારણ કે.
ઈતરવત્ = સઘળી શ્રુતિ બીજાની પેઠે.
વિશિષન્તિ = વિશેષણ આપીને વર્ણન કરે છે.

ભાવાર્થ
પરમાત્મા તથા જીવાત્માનો ઉપાધિકૃત ભેદ અને વાસ્તવિક અભેદ માની લેવામાં આવે તો કશી હરકત છે ખરી ? એવી જિજ્ઞાસાનો જવાબ આ સૂત્ર દ્વારા આપવામાં આવ્યો છે. પરમાત્મા સાથે જીવાત્માની એકતાનું પ્રતિપાદન કરતાં ઉપનિષદે જણાવ્યું છે કે ‘જે હું છું તે જ તે છે અને જે તે છે તે જ હું છું.’

વરાહોપનિષદમાં કહ્યું છે કે ‘હે ભગવન્, હે દેવ, ખરેખર તમે તે હું છું અને હું તમે છો.’
त्वं वा अहमस्मि भगवो देवते अहं वै त्वमसि ।

એવી રીતે એકમાં બીજાના ધર્મોનો વિનિમય કરીને એકતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. વાસ્તવમાં ભેદ હોવા છતાં બીજી રીતે અભેદ બતાવવાની ઈચ્છા હોય છે ત્યારે એવા વર્ણનનો આધાર લેવામાં આવે છે. દાખલા તરીકે, છાંદોગ્ય ઉપનિષદમાં ‘ઉદ્ ગીથ છે તે જ પ્રણવ છે, અને પ્રણવ છે એ જ ઉદ્ ગીથ છે’ એવું જણાવ્યું છે. એનો અર્થ એવો નથી થતો કે ઉદ્ ગીથ અને પ્રણવ એક જ છે અને એમાં કશો પણ ભેદ નથી. એમાં ભેદ તો છે જ અને એ બંને જુદાં જુદાં પણ છે તો પણ, ઉપાસનાના પ્રયોજનથી પ્રેરાઈને વ્યતિહારપૂર્વક અથવા ધર્મોનો વિનિમય કરીને એવા અભેદનું વર્ણન કર્યું છે.

३८. सैव हि सत्यादयः ।

અર્થ
સા એવ = (પરમાત્મા તથા જીવાત્માનો ઉપાધિગત ભેદ અને વાસ્તવિક અભેદ માનવામાં) એ જ દોષ રહેલો છે.
હિ = કારણ કે.
સત્યાદયઃ = (પરમાત્માના) સત્યસંકલ્પ જેવા વિશિષ્ટ ગુણધર્મો (જીવાત્માના નથી માની શકાતા.)

ભાવાર્થ
પરમાત્મા તથા જીવાત્માનો ભેદ વાસ્તવિક અથવા મૂળભૂત નથી પરંતુ ઉપાધિગત છે એવી વિચારસરણી સાથે અસંમત થતાં અહીં જણાવવામાં આવે છે કે પરમાત્મા તો પૂર્ણકામ, સત્યકામ, પૂર્ણ, સત્યસંકલ્પ, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વાધાર અને સૌના કારણ છે. જીવાત્મા એવી યોગ્યતાથી સંપૂર્ણપણે સંપન્ન છે એવું નહિ કહી શકાય.

३९. कामादीतरत्र तत्र चायतनादिभ्यः ।

અર્થ
(એ પરમાત્માના) ઈતરત્ર = બીજે (બતાવેલા)
કામાદિ = સત્યકામત્વાદિ ધર્મ.
તત્ર ચ = જ્યાં નિર્વિશેષ સ્વરૂપનું વર્ણન છે ત્યાં પણ છે.
આયતનાદિભ્યઃ = કારણ કે ત્યાં એના સર્વાધારત્વ જેવા ધર્મોનું વર્ણન જોવા મળે છે.

ભાવાર્થ
કોઈ એવું કહેતું હોય કે પરમાત્માના સત્યસંકલ્પત્વ તથા સત્યકામત્વ જેવા ધર્મો સ્વાભાવિક અથવા વાસ્તવિક નથી પરંતુ ઉપાધિને લીધે છે, પરમાત્માનું સ્વરૂપ તો નિર્વિશેષ છે એટલે એ ધર્મોને લીધે જીવાત્માથી એ ભિન્ન છે એવું ના કહી શકાય – તો એ કથન બરાબર નથી. કારણ કે પરમાત્માના સત્યસંકલ્પત્વ, સત્યકામત્વ તથા સર્વધારત્વ જેવા ગુણધર્મોનો ઉલ્લેખ એમના નિર્વિશેષ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યાં પણ કરવામાં આવ્યો છે. એ ગુણધર્મો એમની અંદર કોઈ ઉપાધિને લીધે આવે છે એવું નથી સમજવાનું. એ તો એમની અંદર સ્વાભાવિક રીતે જ રહેતા હોય છે. એટલે એ દૃષ્ટિએ જોતાં એ જીવાત્મા કરતાં એકદમ જુદા છે એમાં કશી શંકા નથી. ઉપનિષદમાં કરવામાં આવેલા એમના નિર્વિશેષ સ્વરૂપના વર્ણન સાથે એ ગુણધર્મો સંકળાયલા છે. બૃહદારણ્યક ઉપનિષદમાં ગાર્ગીના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મહર્ષિ યાજ્ઞવલ્કયે પરમાત્માના સ્વરૂપનું વર્ણન કર્યું છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *