Sunday, 22 December, 2024

Adhyay 3, Pada 3, Verse 43-45

141 Views
Share :
Adhyay 3,  							Pada 3, Verse 43-45

Adhyay 3, Pada 3, Verse 43-45

141 Views

४३. प्रदानवदेव  तदुक्तम् ।

અર્થ
તદુક્તમ્ = એ કથન.
પ્રદાનવત્ = વરદાનની જેમ.
એવ = જ સમજવાનું છે.

ભાવાર્થ
બ્રહ્મલોકના ભોગોપભોગ સાધકની સાધનાના પરમધ્યેયરૂપ નથી. પરમાત્માના સાક્ષાત્કાર માટે એમની અંદરથી મનને પાછું વાળવું અથવા ઉપરામ કરવું જોઈએ. તો પણ ઉપનિષદમાં એમનું વર્ણન કરેલું છે તેનું કારણ વરદાનની જેમ જ સમજી લેવાનું છે. ભક્તને ભગવાન દ્વારા કોઈક વરદાન આપવામાં આવે છે તે વરદાન તેના જીવનનું ધ્યેય નથી હોતું તો પણ એની આકાંક્ષાને અનુસરીને એના આત્મસંતોષને માટે, એને ઉત્સાહિત કરવાના આશયથી આપવામાં આવે છે, તેમ બ્રહ્મલોક અને એના ભોગોપભોગની ઈચ્છાવાળા સાધકોને એમની પ્રાપ્તિ થાય છે. છેવટે તો એમની અસારતાને સમજીને એમનું મન એમાંથી ઉપરામ થાય છે અને એકમાત્ર પરમાત્મામાં જ લાગી જાય છે.

४४. लिङ्गभूयस्त्वात्तद्वि बलीयस्तदपि ।

અર્થ
લિંગભૂયસ્ત્વાત્ = જન્મમરણરૂપી સંસારમાંથી સદાને માટે મુક્ત બનીને એ પરમાત્માની પ્રાપ્તિરૂપી ફળને બતાવનારાં લક્ષણોની અધિકતા હોવાથી
તદ્ બલીયઃ = એ જ ફળ બળવાન કે મુખ્ય છે.
હિ = કારણ કે.
તદપિ = એ બીજું ફળ વર્ણન પણ મુખ્ય ફળના મહત્વને દર્શાવવા માટે જ કરવામાં આવ્યું છે.

ભાવાર્થ
શ્રુતિમાં બ્રહ્મજ્ઞાનનું વર્ણન જ્યાં પણ કરવામાં આવ્યું છે ત્યાં મોટે ભાગે એની પ્રાપ્તિ દ્વારા જન્મમરણની જનની જેવી અવિદ્યામાંથી મુક્તિ મેળવીને પરમાત્માની સંપ્રાપ્તિનો સંદેશ આપવામાં આવ્યો છે. બ્રહ્મવિદ્યાનો આધાર મુખ્યત્વે એને માટે જ લેવામાં આવે છે અને એનું મુખ્ય ફળ એ જ છે.

४५. पूर्वविकल्पः प्रकरणात्स्यात् क्रियामानसवत् ।

અર્થ
ક્રિયામાનસવત્ = શારીરિક અને માનસિક ક્રિયાઓમાં સ્વીકૃત વિકલ્પની જેમ 
પૂર્વવિકલ્પઃ = પહેલાં કહેલી અગ્નિવિદ્યા પણ વિકલ્પે મુક્તિનું કારણ થઈ શકે છે.
પ્રકરણાત્ = એ હકીકતની સિદ્ધિ પ્રકરણ દ્વારા થઈ રહે છે.

ભાવાર્થ
બ્રહ્મજ્ઞાન સિવાય મુક્તિ અથવા પૂર્ણતાની પ્રાપ્તિ કદાપિ નથી થઈ શકતી એ સિદ્ધ કરવાના એકમાત્ર પ્રયોજનથી પ્રેરાઈને આ સૂત્રમાં પૂર્વપક્ષીની વિચારધારાને રજુ કરવામાં આવે છે. કઠ ઉપનિષદમાં યમ અને નચિકેતાનો સંવાદ આવે છે. એ સંવાદ દરમિયાન નચિકેતા યમને પૂછે છે કે ‘સ્વર્ગ પ્રાપ્તિનો ઉપાય શો છે ? સ્વર્ગલોકમાં કોઈ જાતનો ભય નથી. ત્યાં તમારો તથા વૃદ્ધાવસ્થાનો ભય પણ નથી. ભુખ તથા તરસથી મુક્ત થઈને શોકરહિત બનેલો જીવ સ્વર્ગમાં પ્રસન્ન થાય છે. સ્વર્ગને આપનારા એ અગ્નિહોત્ર રૂપી કર્મનું રહસ્ય તમે જાણો છો. એ રહસ્ય મને કહી બતાવો.’

એવી જિજ્ઞાસાના જવાબમાં યમદેવ નચિકેતાને અગ્નિહોત્રના રહસ્યનો પરિચય કરાવતાં કહે છે કે ‘આ અગ્નિહોત્રનું અનુષ્ઠાન ત્રણ વાર કરવાવાળો સાધક જન્મમરણને તરી જઈને સનાતન તથા સંપૂર્ણ શાંતિની પ્રાપ્તિ કરે છે.’ એ પ્રકરણ અને એમાં વ્યક્ત થયેલા વિચારો પરથી સહેલાઈથી સમજી શકાય છે ને સિદ્ધ થાય છે કે એકલી બ્રહ્મવિદ્યા જ નહિ પરંતુ અગ્નિહોત્ર રૂપી ક્રિયા પણ જીવનનું આત્યંતિક કલ્યાણ કરનારી અને મુક્તિદાયક થઈ શકે છે. ઉપનિષદ પોતે પણ એ પરમ સત્યનું પ્રતિપાદન કરે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *