Thursday, 19 September, 2024

Adhyay 3, Pada 3, Verse 46-48

96 Views
Share :
Adhyay 3,  							Pada 3, Verse 46-48

Adhyay 3, Pada 3, Verse 46-48

96 Views

४६. अतिदैशाच्च ।

અર્થ
અતિદેશાત્ = અતિદેશને લીધે અથવા વિદ્યાની પેઠે કર્મોને મુક્તિના કારણ તરીકે કહ્યાં હોવાથી.
ચ = પણ. (એ જ વાતની સિદ્ધિ થાય છે.)

ભાવાર્થ
પૂર્વપક્ષીની દલીલ આ સૂત્રમાં આગળ વધે છે. એ કહે છે કે કઠ ઉપનિષદમાં કોઈ પણ પ્રકારની શંકા સિવાય, અસંદિગ્ધપણે સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે त्रिकर्मकृत्तरति जन्ममृत्यू। એટલે કે યજ્ઞ, દાન, તપ રૂપી ત્રિવિધ કર્મોને કરવાવાળો મનુષ્ય જન્મ મૃત્યુને તરી જાય છે. ઉપનિષદના એ કથન પરથી સાબિત થાય છે કે કર્મો દ્વારા મુક્તિ મળી શકે છે અથવા બ્રહ્મજ્ઞાનની પેઠે કર્મ પણ મુકિતનું કારણ અથવા મંગલમય સાધન બની શકે છે.

४७. विद्यैव तु निर्धारणात् ।

અર્થ
તુ = પરંતુ. 
નિર્ધારણાત્ = શ્રુતિ દ્વારા સુનિશ્ચિત રીતે જણાવ્યું હોવાથી.
વિદ્યા એવ = એક માત્ર બ્રહ્મવિદ્યા જ મુક્તિના કારણ કે સાધનરૂપ છે.

ભાવાર્થ
ઉપરનાં બે સૂત્રોની પૂર્વપક્ષીની વિચારસરણીને ભૂલભરેલી, અધુરી અને અસ્વીકાર્ય ગણીને સૂત્રકાર અહીં એમના અભિપ્રાયને રજૂ કરતાં જણાવે છે કે ઉપનિષદમાં સ્પષ્ટ રીતે એકમાત્ર બ્રહ્મવિદ્યાને અથવા આત્મજ્ઞાનને જ મુક્તિનું કારણ કહ્યું છે. એટલે કર્મને મુક્તિનું કારણ કદાપિ ના માની શકાય. કર્મ કરવાથી ચિત્તશુદ્ધિ સધાય છે અને જીવનના વ્યક્તિગત તથા સમષ્ટિગત વિકાસમાં એક અથવા બીજી રીતે મદદ મળે છે એ સાચું હોવા છતાં એ પણ એટલું જ સાચું છે કે એનાથી આત્મદર્શન નથી થઈ શકતું અને મુક્તિ પણ નથી મળી શકતી. મુક્તિ તો આત્મજ્ઞાનથી જ મળી શકે છે.

પરમાત્માને ઓળખ્યા વિના અવિદ્યાની નિવૃત્તિ અને મુક્તિ કેવી રીતે મળી શકે ? અને પરમાત્માને ઓળખવા માટે આત્મજ્ઞાન જેવું અમોઘ અને અકસીર સાધન બીજું કોઈ જ નથી. શ્વેતાશ્વતર ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘એ પરમાત્માને જાણવાથી જ મનુષ્ય મૃત્યુંજય બને છે અથવા જન્મમરણમાંથી મુક્તિ મેળવે છે. પરમપદની કે મોક્ષની પ્રાપ્તિ કરવા માટેનો બીજો કોઈયે માર્ગ નથી.’

४८. दर्शनाच्च ।

અર્થ
દર્શનાત્ = ઉપનિષદમાં ઠેકઠેકાણે એવું વર્ણન હોવાથી.
ચ = પણ. (એને પુષ્ટિ મળે છે.)

ભાવાર્થ
આત્મજ્ઞાન, બ્રહ્મવિદ્યા અથવા પરમાત્માનો સાક્ષાત્કાર જ મુક્તિનું કારણ એવું વિધાન કેવળ કઠ ઉપનિષદમાં જ મળે છે એવું નથી સમજવાનું. એવું વિધાન કે વર્ણન મુંડક ઉપનિષદ જેવાં બીજાં ઉપનિષદોમાં પણ કરાયલું છે. એ ઉપરાંત स्वर्गकामो यजेत् । ‘ સ્વર્ગની કામનાવાળા પુરૂષે યજ્ઞ કરવો’  એવું જણાવીને સ્વર્ગલોકમાંથી પુણ્યનો ક્ષય થતાં પૃથ્વી પર પાછા આવવું પડે છે એવું પણ જણાવ્યું છે. એના પરથી સિદ્ધ થાય છે કે મુક્તિની પ્રાપ્તિ બ્રહ્મવિદ્યા વિના નથી થતી. કહો કે નથી થઈ શકતી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *