Adhyay 3, Pada 3, Verse 55-57
By-Gujju29-04-2023
Adhyay 3, Pada 3, Verse 55-57
By Gujju29-04-2023
५५. अङ्गावबद्धास्तु न शाखासु हि प्रतिवेदम् ।
અર્થ
અંગાવબદ્ધાઃ = યજ્ઞોના ઉદ્ ગીથ આદિ અંગોથી સંબદ્ધ ઉપાસનાઓ.
શાખાસુ હિ = જે શાખામાં કહેવાઈ હોય તેમાં જ કરવા યોગ્ય છે.
ન = એવું નથી સમજવાનું.
તુ = પરંતુ.
પ્રતિવેદમ્ = પ્રત્યેક વેદની શાખાવાળું અનુષ્ઠાન કરી શકે છે.
ભાવાર્થ
જુદી જુદી શાખાઓમાં યજ્ઞોના ઉદ્ ગીથ આદિ અંગોમાં ભેદ છે. તો પણ એમની સાથે સંબંધ રાખનારી ઉપાસના વેદની જે શાખામાં કહેવામાં આવી હોય તે જ શાખાવાળાએ કરવી જોઈએ અને એ સિવાયની બીજી શાખાવાળાએ ના કરવી જોઈએ એવો કોઈ નિશ્ચિત નિયમ નથી બાંધી શકાતો.
—
५६. मन्त्रादिबद् वाविरोधः ।
અર્થ
વા = અથવા તો એવું સમજો કે.
મંત્રાદિવત્ = મંત્રાદિની જેમ.
અવિરોધઃ = એમાં કશો વિરોધ નથી.
ભાવાર્થ
એ જ વાતનું આ સૂત્ર દ્વારા પુનઃ પ્રતિપાદન કરતાં કહેવામાં આવે છે કે વેદની એક શાખામાં આવેલા મંત્રોનું રટણ કે પારાયણ વેદની બીજી શાખાવાળા પણ કરતા હોય છે, અને એક શાખામાં બતાવેલી યજ્ઞોપયોગી સાધન સામગ્રીનો ઉપયોગ બીજી શાખાવાળા પણ કરી શકે છે ને કરે છે, તેવી રીતે યજ્ઞનાં અંગો સાથે સંબંધ રાખનારી ઉપાસનાનું અનુષ્ઠાન પણ શાખાઓના બાહ્ય ભેદભાવ વિના, આવશ્યકતાનુસાર સૌ કોઈ કરી શકે છે.
—
५७. भूम्नः क्रतुवज्ज्यायस्त्वं तथा हि दर्शयति ।
અર્થ
કતુવત્ = અંગ ઉપાંગથી પરિપૂર્ણ યજ્ઞની જેમ.
ભૂમ્નઃ = પૂર્ણ ઉપાસનાની.
જ્યાયસ્તવમ્ = શ્રેષ્ઠતા છે.
હિ = કારણ કે
તથા = તેવું જ કથન.
દર્શયતિ = શ્રુતિમાં જોવા મળે છે.
ભાવાર્થ
વૈશ્વાનર વિદ્યામાં એકેક અંગની ઉપાસનાનું વર્ણન કરેલું છે. એવું જ બીજી કેટલીક વિદ્યાઓના સંબંધમાં પણ જોવા મળે છે. તો એ વિદ્યાઓની ઉપાસના કરતી વખતે એકેક અંગની અલગ અલગ ઉપાસના કરવી જોઈએ, એવી શંકા થતી હોય તો એના સમાધાન માટે જણાવવામાં આવે છે કે જેવી રીતે યજ્ઞના એકાદ અંશનું અનુષ્ઠાન કરવું અને બીજાનું ના કરવું એ ઉત્તમ નથી ગણાતું. પરંતુ સર્વાંગસંપૂર્ણ રીતે અનુષ્ઠાન કરવાનું જ શ્રેષ્ઠ મનાય છે, એવી રીતે એવી વિદ્યાઓમાં ઉપદેશેલી ઉપાસનાઓનું અનુષ્ઠાન પણ પૂર્ણપણે કરવું જોઈએ.
છાંદોગ્ય ઉપનિષદમાં જણાવ્યું છે કે રાજા અશ્વપતિએ પ્રાચીનશાલ આદિ છ ઋષિઓને વૈશ્વાનરની ઉપાસના સંબંધી અલગ અલગ પૂછ્યું. એ છ ઋષિઓએ પોતપોતાની ઉપાસનાનું રહસ્ય જણાવ્યું એટલે રાજાએ કહ્યું કે તમે વૈશ્વાનર પરમાત્માના એકેક અંગની ઉપાસના કરો છો એ વાતને જાણીને જે એની આત્મારૂપે ઉપાસના કરે છે તે સર્વ લોકોમાં, સર્વે પ્રાણીઓમાં અને સર્વે આત્માઓમાં અન્નનું ભક્ષણ કરનારો થઈ જાય છે. એવી રીતે ત્યાં એકાંગી ઉપાસના કરતાં સર્વાંગીણ ઉપાસનાનું ફળ વધારે બતાવ્યું છે. એટલે એક અંગની ઉપાસના કરવાને બદલે સર્વે અંગો સાથેની સંપૂર્ણ ઉપાસના જ કરવી જોઈએ. તે જ ઉત્તમ છે.