Thursday, 14 November, 2024

Adhyay 3, Pada 3, Verse 64-66

129 Views
Share :
Adhyay 3,  							Pada 3, Verse 64-66

Adhyay 3, Pada 3, Verse 64-66

129 Views

६४. गुणसाधारण्यश्रुतेश्च ।

અર્થ
ગુણ સાધારણશ્રુતેઃ = ગુણોની સાધારણતા બતાવનારી શ્રુતિને લીધે.
ચ = પણ.

ભાવાર્થ
એ ઉપરાંત એક બીજો મહત્વનો મુદ્દો પણ વિચારવા જેવો છે. એ મુદ્દાની ઉપેક્ષા પણ નથી કરી શકાય તેમ. એ મુદ્દો ગુણોની સાધારણતાનો છે. ઉપાસનાના ગુણ અથવા પ્રાણ એવા ઓમ્ કારનો પ્રયોગ એકસરખો કરવાનું કહેલું છે. છાંદોગ્ય ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘એ ઓમ્ અથવા અક્ષરથી જ આ ત્રણે વેદો સાથે સંબંધ રાખનારી યજ્ઞાદિ કર્મવિષયક વિદ્યા એટલે કે ત્રયીવિદ્યા પ્રવૃત્ત થાય છે, ઓમ્ કહીને જ આશ્રાવણ કર્મ કરે છે, ઓમ્ કહીને જ હોતા (કથન) કરે છે; ઓમ્ કહીને જ ઉદ્ ગાતા સ્તોત્રગાન કરે છે.’  એવી રીતે ઉદ્ ગીથ આદિ કર્માંગ સંબંધી ગુણનો પણ પ્રયોગ શ્રુતિમાં સમાન ભાવે સૂચવ્યો છે. એ બધા પરથી પુરવાર થાય છે કે ઉપાસનાઓના આશ્રય ભૂતકર્માગો સાથે સમુચ્ચય કરવાનું બરાબર છે.

६५. न वा तत्सहभावाश्रुतेः ।

અર્થ
વા = પરંતુ.
તત્સહ ભાવાશ્રુતેઃ = એ ઉપાસનાનો સમુચ્ચય બતાવનારી શ્રુતિ નથી એટલા માટે.
ન = ઉપાસનાઓના સમુચ્ચયની સિદ્ધિ નથી થઈ શકતી.

ભાવાર્થ
સૂત્રકાર પૂર્વપક્ષીની વિચારધારાનો ઉત્તર આપતાં અને આની પછીના છેલ્લા સૂત્રમાં પોતાના અભિપ્રાય કહી બતાવે છે. જુદી જુદી ઉપાસનાઓમાં ઉદ્ ગીથ આદિ અંગોના સમુચ્ચયનું વર્ણન ઉપનિષદમાં કરવામાં આવ્યું હોય તો પણ એ ઉપાસનાઓનો સમુચ્ચય કરવાનું ઉપનિષદમાં ક્યાંય નથી કહ્યું. એટલે ઉપાસનાઓના સમુચ્ચયની વાત નથી માની શકાતી અને એની સિદ્ધિ પણ નથી થતી. ઉપાસનાઓ જુદા જુદા પ્રયોજનથી પ્રેરાઈને થતી હોય છે એટલા માટે એમનું અનુષ્ઠાન અલગ અલગ રીતે જ કરવું જોઈએ.

६६. दर्शनाच्च ।

અર્થ
દર્શનાત્ = શ્રુતિમાં ઉપાસનાઓનો સમુચ્ચય ના કરવાનું જણાવ્યું છે એટલા માટે.
ચ = પણ.

ભાવાર્થ
ઉપાસનાઓનો સમુચ્ચય કરવાનો સંદેશ ઉપનિષદે નથી આપ્યો એ તો સાચું છે, પરંતુ સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે એમનો સમુચ્ચય ના કરવાનો સંકેત કર્યો છે. છાંદોગ્ય ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘ઉપર કહેલા રહસ્યને જાણનારા બ્રહ્મા યજ્ઞની, યજમાનની અને અન્ય ઋત્વિજોની રક્ષા કરે છે.’ ઉપાસનાઓનો સમુચ્ચય કરવામાં આવતો હોત તો એ દ્વારા બીજા ઋત્વિજો પણ એમના રહસ્યને જાણીને પોતાની રક્ષા કરી શકત. એમની રક્ષાનું કાર્ય બ્રહ્માને કરવું પડત. એટલે, ઉપનિષદના એ નિર્દેશ પરથી સ્પષ્ટ થાય છે કે બધી જ ઉપાસનાઓ સ્વતંત્ર છે અને એમનું અનુષ્ઠાન સ્વતંત્ર રીતે જ કરવું જોઈએ. એમનો સમુચ્ચય કરવાનું જરૂરી નથી.

અધ્યાય ૩ – પાદ ૩ સંપૂર્ણ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *