Adhyay 3, Pada 4, Verse 04-06
By-Gujju29-04-2023
Adhyay 3, Pada 4, Verse 04-06
By Gujju29-04-2023
४. तच्छ्रुतेः ।
અર્થ
તચ્છ્રુતેઃ = એ વિશેની શ્રુતિથી પણ એ વાતની સિદ્ધિ થાય છે.
ભાવાર્થ
આચાર્ય જૈમિનિ પોતાના મતની પુષ્ટિ માટે કહે છે કે શ્રુતિમાં પણ બ્રહ્મવિદ્યાને કર્મના અંગ તરીકે બતાવવામાં આવી છે. શ્રુતિને પ્રમાણ માનનારા સૌ કોઈએ શ્રુતિના એ નિર્દેશને માનીને માનવું જોઈએ કે પરમાત્માની પ્રાપ્તિરૂપી પરમ પુરૂષાર્થનું એકમાત્ર સાધન કેવળ જ્ઞાન નથી.
છાંદોગ્ય ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘ઓમકારરૂપી અક્ષરના તત્વને જાણનારા અને ના જાણનારા બંને કર્મ કરે છે, પરંતુ જે કર્મ વિદ્યા, શ્રદ્ધા તથા ભક્તિભાવથી સંપન્ન થઈને કરવામાં આવે છે તે જ વધારે બળવાન બની શકે છે.’ એ શ્રુતિવચન કર્મના મહિમાને સ્પષ્ટ રીતે કહી બતાવે છે.
—
५. समन्वारम्भणात् ।
અર્થ
સમન્વારમ્ભણાત્ = વિદ્યા તથા કર્મ બંને જીવાત્માની સાથે જાય છે એવું કથન હોવાથી પણ એ વાતની સિદ્ધિ થાય છે.
ભાવાર્થ
વિદ્યા અથવા જ્ઞાન કર્મનું અંગ છે એ દર્શાવવા માટે એક બીજા આધારને ટાંકી બતાવવામાં આવે છે. એ આધાર બૃહદારણ્યક ઉપનિષદનો છે. એ ઉપનિષદમાં જણાવ્યું છે કે આત્મા શરીરમાંથી બહાર નીકળી જાય છે ત્યારે એની સાથે પ્રાણ, અંતઃકરણ અને ઈન્દ્રિયો તો જાય છે જ, પરંતુ સાથે સાથે વિદ્યા તથા કર્મ પણ જાય છે.
—
६. तद्वतो विधानात् ।
અર્થ
તદ્દવતઃ = આત્મજ્ઞાનયુક્ત અધિકારીને માટે.
વિધાનાત્ = કર્મોનું વિધાન હોવાથી પણ (એની સિદ્ધિ થાય છે.)
ભાવાર્થ
આચાર્ય જૈમિનિ જણાવે છે કે ઉપનિષદમાં વિદ્યાપૂર્વક કર્મ કરવાનું વિધાન છે. એથી પણ સાબિત થાય છે કે વિદ્યા કર્મના અંગરૂપ છે. છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે બ્રહ્મચારી નિયમાનુસાર ગુરૂસેવા જેવાં કર્તવ્ય કર્મોનું સુચારુરૂપે અનુષ્ઠાન કરતાં વેદનું અધ્યયન પુરૂ કરે, ગુરૂકૂળમાંથી સમાવર્તન સંસ્કાર સાથે ઘેર પાછો ફરે, ત્યાં રહીને સ્વાધ્યાય કરે. પુત્ર તેમજ શિષ્યાદિને ધાર્મિક બનાવીને ઈન્દ્રિયોને અતઃકરણમાં સ્થાપિત કરે. એવી રીતે આચરણ કરવાવાળા મનુષ્યને છેવટે બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. એનો સૂચિતાર્થ ઉપર કહ્યો તેમ સ્પષ્ટ છે.