Adhyay 3, Pada 4, Verse 13-15
By-Gujju29-04-2023
Adhyay 3, Pada 4, Verse 13-15
By Gujju29-04-2023
१३. नाविशेषात् ।
અર્થ
અવિશેષાત્ = એ શ્રુતિ વિશેષરૂપે વિદ્વાનને માટે નથી કહેવામાં આવી એટલા માટે.
ન = એનો સમુચ્ચય જ્ઞાનની સાથે નથી.
ભાવાર્થ
શ્રુતિમાં ત્યાગ ભાવનાથી અનાસક્ત બનીને સો વરસ સુધી કર્મ કરવાનો જે સંદેશ આપવામાં આવ્યો છે તે ઈશાવાસ્ય ઉપનિષદનો સંદેશ સૌ કોઈને માટે સમાન રીતે આપવામાં આવ્યો હોવાથી સર્વસામાન્ય સંદેશ છે. એ સંદેશ બ્રહ્મજ્ઞાની પુરૂષને માટે વિશેષરૂપે અથવા ખાસ કરીને નથી આપવામાં આવ્યો. એટલે એ સંદેશ પરથી બ્રહ્મવિદ્યા કર્મનું અંગ છે એવું નથી સાબિત થતું.
—
१४. स्तुतयेङनुमतिर्वा ।
અર્થ
વા = અથવા એવું સમજો કે.
સ્તુતયે = વિદ્યાની સ્તુતિને માટે
અનુમતિઃ = સંમતિ માત્ર છે.
ભાવાર્થ
ઉપનિષદના એ કર્મસંદેશને જ્ઞાનીને માટે પણ અપાયલો માની લેવામાં આવે તો પણ એનો અર્થ એવો થાય કે બ્રહ્મજ્ઞાનની શક્તિ એટલી બધી અસાધારણ હોય છે કે એનો આશ્રય લેનાર મહાપુરૂષ એવી લોકોત્તર યોગ્યતાથી સંપન્ન થઈ જાય છે કે એ કર્મ કરવા છતાં પણ કદી લિપ્ત નથી થતો. એવી રીતે એ કર્મસંદેશ દ્વારા બ્રહ્મજ્ઞાનની પ્રશસ્તિ કરવામાં આવી છે. કર્મ કરવાની અનુમતિ પણ એટલા માટે જ આપવામાં આવી છે કે જ્ઞાની કર્મની અસરોથી અલિપ્ત રહી શકે છે. કર્મ કરવાનું એને માટે ફરજિયાત નથી પરંતુ સ્વૈચ્છિક છે.
—
१५. कामकारेण च्चैके ।
અર્થ
ચ = એ ઉપરાંત.
એકે = કેટલાક વિદ્વાનો.
કામકારેણ = પોતાની ઈચ્છાથી જ (કર્મોને છોડી દે છે એટલા માટે પણ વિદ્યાને કર્મનુ અંગ ના કહી શકાય.)
ભાવાર્થ
બ્રહ્મવિદ્યાને કર્મનું અંગ શા માટે ના કહી શકાય તેનું અધિક સ્પષ્ટીકરણ આ સૂત્રમાં પણ કરવામાં આવે છે. જો ઈશાવાસ્ય ઉપનિષદમાં જણાવ્યા પ્રમાણે સૌ કોઈને માટે કર્મ કરવાનું જ વિધાન માની લેવામાં આવે તો બીજા ઉપનિષદના આદેશ સાથે એનો મેળ નહિ બેસે. ઉપનિષદમાં કર્મોના ત્યાગનો અને એકાંત સેવનનો પણ સંદેશ આપવામાં આવ્યો છે. એ સંદેશા સાથે સુમેળ નહિ સાધી શકાય. ખરી રીતે એ બંને પ્રકારના વિધાનોની વાસ્તવિકતાને સ્વીકારીને એવું માનવું જોઈએ કે કર્મના અનુષ્ઠાન અને ત્યાગ બંનેનું વિધાન ઉપનિષદમાં કરવામાં આવ્યું છે પોતપોતાની પ્રકૃતિ, રૂચિ, પસંદગી અને જીવનના સાધનાત્મક વિકાસની આવશ્યકતાને અનુસરીને કોઈ કર્મના અનુષ્ઠાનનો આધાર લે છે તો કોઈ કર્મના ત્યાગનો આધાર લઈને આગળ વધે છે. એટલે બ્રહ્મવિદ્યા કર્મનું અંગ છે એવું નથી કહી શકાતું.