Sunday, 8 September, 2024

Adhyay 3, Pada 4, Verse 16-18

107 Views
Share :
Adhyay 3,  							Pada 4, Verse 16-18

Adhyay 3, Pada 4, Verse 16-18

107 Views

१६. उपमंर्द च ।

અર્થ
ચ = એ ઉપરાંત.
ઉપમર્દમ્ = બ્રહ્મવિદ્યાથી કર્મોનો નાશ થઈ જાય છે એવું કહ્યું છે (એથી પણ એ સિદ્ધ થાય છે.)

ભાવાર્થ
એ ઉપરાંત, મુંડક ઉપનિષદમાં જણાવ્યું છે કે પરમાત્માનું જ્ઞાન થયા પછી જ્ઞાનીનાં સઘળાં કર્મો નાશ પામે છે. એટલે બ્રહ્મવિદ્યાનું સાધન સ્વતંત્ર છે અને એની દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર સહજ બને છે. બ્રહ્મવિદ્યા કર્મનું અંગ કદાપિ નથી.

१७. ऊर्ध्वरेतस्सु  च शब्दे हि ।

અર્થ
ઊર્ધ્વરેતસ્સુ = વીર્યને સુરક્ષિત રાખવાનું વિધાન કરવામાં આવ્યુ છે એવા ત્રણ આશ્રમમાં.
ચ = પણ. (બ્રહ્મવિદ્યાનો અધિકાર છે.)
હિ = કારણ કે.
શબ્દે = વેદમાં એવું કહેલું છે.

ભાવાર્થ
બ્રહ્મવિદ્યાના અનુષ્ઠાનનો અધિકાર ગૃહસ્થાશ્રમની પેઠે બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ તથા સંન્યાસ આશ્રમમાં પણ આપવામાં આવ્યો છે. સંન્યાસ આશ્રમમાં યજ્ઞાદિ કર્મોનું વિધાન નથી મળતું. બ્રહ્મવિદ્યાને કર્મનું અંગ માનવાથી સંન્યાસી એનો આધાર નહિ લઈ શકે. એટલે  બ્રહ્મવિદ્યાને અને એના અનુષ્ઠાનને બીજાં કર્મોથી અલગ અથવા સ્વતંત્ર માનવાની વાત જ બરાબર છે.

મુંડક ઉપનિષદમાં એની સ્વતંત્રતા પ્રત્યે અંગુલિનિર્દેશ કરતાં કહ્યું છે કે ‘વનમાં વસીને શાંત સ્વભાવવાળા અપરિગ્રહ વૃત્તિના જે વિદ્વાનો તપ તથા શ્રદ્ધાભક્તિનું સેવન કરે છે તે પરમપવિત્ર બનીને સૂર્યમાર્ગ દ્વારા જ્યાં જન્મ તથા મૃત્યુથી રહિત અવિનાશી પરમપુરૂષ પરમાત્મા છે ત્યાં પહોંચી જાય છે.’

तपःश्रद्धे ये ह्युपवसंत्यरण्ये शान्ता विद्वांसो भैक्ष्यचर्यां चरन्तः ।
सूर्यद्वारेण ते विरजाः प्रयान्ति यत्रामृतः स पुरूषो ह्यव्ययात्मा ॥

१८. परामर्श जैमिनिस्वोदना चापवदति हि ।

અર્થ
જૈમિનિઃ = આચાર્ય જૈમિનિ.
પરામર્શમ = એ શ્રુતિમાં સંન્યાસ આશ્રમનો અનુવાદ માત્ર માને છે, વિધિ નથી માનતા.
હિ = કારણ કે.
અચોદના = એમાં વિધિસૂચક ક્રિયાપાદનો પ્રયોગ નથી કરવામાં આવ્યો.
ચ = અને.
અપવદતિ = શ્રુતિ સંન્યાસનો નિષેધ કરે છે.

ભાવાર્થ
આચાર્ય જૈમિનિ મુંડકોપનિષદના ઉપર્યુક્ત વચનના સંબંધમાં જણાવે છે કે એ વચનમાં વિધિસૂચક ક્રિયાપદનો પ્રયોગ નથી કરવામાં આવ્યો એટલે એ દ્વારા વિધિપૂર્વક સંન્યાસ લેવાનો આદેશ આપવામાં આવ્યો છે એવું ના કહી શકાય. સંન્યાસ આશ્રમનું પાલન અશક્ય હોવાથી એમાં પ્રવેશ નથી કરવા જેવો. જીવનભર કર્મોનું સમ્યક્ રીતે અનુષ્ઠાન કરીને પોતાના શ્રેયની સિદ્ધિને માટે પ્રયત્ન કરવો જોઈએ. એ માર્ગ જ મંગલ અને આદર્શ છે. શ્રુતિએ સ્પષ્ટ શબ્દોમાં સંન્યાસનો નિષેધ કરેલો છે. તૈત્તિરીય ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘આચાર્યને દક્ષિણામાં એની ઈચ્છાનસાર ધન આપીને સંતાન પરંપરાને ચાલુ રાખો; એનો ઉચ્છેદ ના કરો.’ એટલે સંન્યાસીનો બ્રહ્મવિદ્યામાં અધિકાર માનીને બ્રહ્મવિદ્યા કર્મનું અંગ નથી એવું કહેવું બરાબર નથી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *