Sunday, 22 December, 2024

Adhyay 3, Pada 4, Verse 22-24

160 Views
Share :
Adhyay 3,  							Pada 4, Verse 22-24

Adhyay 3, Pada 4, Verse 22-24

160 Views

२२. भाव शब्दाच्च ।

અર્થ
ચે = એ ઉપરાંત (એ પ્રકરણમાં)
ભાવ શબ્દાત્ = ઉપાસના વિષયક વિધિવાચક વચનોનો પ્રયોગ કરેલો હોવાથી પણ (એ વાતની સિદ્ધિ થાય છે.)

ભાવાર્થ
ઉપનિષદના એ પ્રકરણમાં કેટલાંક ઉપાસના વિષયક વિધિવાચક વચનોનો પ્રયોગ કરાયેલો છે તે પણ ખાસ નોંધવા જેવું છે. ‘ઉદ્ ગીથની ઉપાસના કરવી જોઈએ; સામની ઉપાસના કરવી જોઈએ.’ એ વાક્યોનો ભાવાર્થ સ્પષ્ટ છે, એ ઉપાસનાઓનો અપૂર્વ ફળનિર્દેશ પણ કરવામાં આવ્યો છે. એ સઘળા પરથી સિદ્ધ થાય છે કે એ કર્મના અંગ જેવા ઉદ્ ગીથ આદિની સ્તુતિ માટે નથી કરવામાં આવ્યું, પરંતુ એમને પ્રતીક બનાવીને ઉપાસનાની પ્રેરણા આપવા માટે કરવામાં આવ્યું છે. એટલે વિદ્યા કર્મનું અંગ નથી.

२३. पारिप्लवार्था इति चेन्न विशेषितत्वात् ।

અર્થ
ચેત્ = જો કહેતા હો કે
પરિપ્લવાર્થીઃ = ઉપનિષદમાં આવતી આખ્યાયિકાઓ પરિપ્લવ નામના કર્મને માટે છે.
ઈતિ ન = તો તેવું નથી.
વિશેષિતત્વાત્ = કારણ કે પરિપ્લવ કર્મમાં થોડીક જ આખ્યાયિકાઓને વિશેષ રૂપે ગ્રહણ કરવામાં આવી છે.

ભાવાર્થ
ઉપનિષદના સુવિશાળ સાહિત્યમાં અનેક ઠેકાણે આખ્યાયિકાઓ કે કથાઓ આવે છે. એ આખ્યાયિકાઓ કે કથાઓ દેવતા અને યક્ષની, યમ અને નચિકેતાની, મૈત્રેયી અને યાજ્ઞવલ્કયની, રાજા જાનશ્રુતિ અને રૈંકવની, પ્રતદૈન અને ઈન્દ્રની અને એવી બીજી છે. એ કથાઓ પરિપ્લવ નામના કર્મને માટે છે એવું કેટલાકનું કહેવું છે. એ કથન બરાબર નથી એવું શાંતિપૂર્વક વિચાર કરવાથી સમજાશે. અશ્વમેઘ યજ્ઞમાં અધ્વર્યું કુટુંબ સાથે બેઠેલા રાજાને રાતને વખતે જે ઉપાખ્યાન સંભળાવે છે તેને પરિપ્લવ કહેવામાં આવે છે. પરંતુ પરિપ્લવના પ્રકરણનો પ્રારંભ કરીને ‘મનુવૈવસ્વતો રાજા’ જેવાં વાક્યો દ્વારા કેટલાક ખાસ ઉપાખ્યાનોને જ ત્યાં સાંભળવા જેવાં કહેલાં છે અથવા સંભળાવવાની સુચના આપી છે. એમની અંદર ઉપર કહેલી ઉપનિષદની આખ્યાયિકાઓ કે કથાઓનો સમાવેશ નથી થતો.

२४.  तथा चैकवाक्यतोपबन्धात् ।

અર્થ
તથા ચ= એવી રીતે એ આખ્યાયિકાઓને પરિપ્લાવર્થક ના માનીને વિદ્યાના જ અંગરૂપ સમજવી જોઈએ.
એક વાક્યતોપન્ધાત્ = કારણ કે એ ઉપાખ્યાનોની ત્યાં કહેલી વિદ્યાઓની સાથે એકવાક્યતા દેખાય છે.

ભાવાર્થ
ઉપનિષદની એ બધી કથાઓ તે તે પ્રકરણમાં આવતા બ્રહ્મવિદ્યાના સિદ્ધાંતોને વધારે સુચારૂ રૂપે સરળતાપૂર્વક સમજાવવાનું કાર્ય કરતી હોવાથી, અને બ્રહ્મવિદ્યાના સિદ્ધાંતો અથવા આદર્શો સાથે એકવાક્યતા અથવા એકાત્મતા સાધતી હોવાથી, બ્રહ્મવિદ્યાની અંગરૂપ છે. કોઈપણ કર્મની અંગરૂપ નથી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *