Sunday, 22 December, 2024

Adhyay 3, Pada 4, Verse 25-27

158 Views
Share :
Adhyay 3,  							Pada 4, Verse 25-27

Adhyay 3, Pada 4, Verse 25-27

158 Views

२५. अतएव चाग्नीन्धनाद्यनपेक्षा  ।

અર્થ
ચ = અને.
અતએવ = એટલા માટે.
અગ્નિન્ધનાદ્યનપેક્ષા = આ બ્રહ્મવિદ્યારૂપી યજ્ઞમાં અગ્નિ, સમિધા, ઘી જેવા પદાર્થોની આવશ્યકતા નથી.

ભાવાર્થ
બ્રહ્મવિદ્યાનો મહિમા ઘણો મોટો છે. બીજા સ્થૂળ યજ્ઞોમાં તો યજ્ઞકુંડ, અગ્નિ, સમિધા, ઘી જેવી જુદી જુદી સામગ્રીની આવશ્યકતા પડે છે પરંતુ બ્રહ્મવિદ્યારૂપી યજ્ઞમાં એમની આવશ્યકતા નથી પડતી. એ તો પોતાની મેળે જ પૂર્ણ અને સૂક્ષ્મ છે. એની અંદર જીવનનું આત્યંતિક કલ્યાણ કરવાની ને જીવાત્માને પરમાત્માના મહિમાનું ભાન કરાવીને પરમાત્માની પાસે પહોંચાડવાની શક્તિ છે.

ગીતાના ચોથા અધ્યાયમાં બ્રહ્મવિદ્યારૂપી યજ્ઞનું વર્ણન કરતાં જણાવ્યું છે કે એ યજ્ઞમાં અર્પણ પણ બ્રહ્મ છે, હવિ બ્રહ્મ છે, અગ્નિ બ્રહ્મ, અને હોતા તથા આહુતિ પણ બ્રહ્મ છે, બ્રહ્મધ્યાન દ્વારા મળનારું ફળ પણ બ્રહ્મ જ છે. બ્રહ્મવિદ્યાનું સાધન એવી રીતે એક સર્વથા સ્વતંત્ર સાધન હોવાથી કર્મનું અંગ નથી. એનો આશ્રય લઈને જીવ પોતાનું કલ્યાણ સ્વતંત્ર રીતે અને સંપૂર્ણપણે કરી શકે છે. આત્મવિકાસ અથવા આત્મસાક્ષાત્કારની દૃષ્ટિએ એ વિદ્યા અમોઘ આશીર્વાદરૂપ છે.

२६. सरेवोपेक्षा च यज्ञादिश्रुतेतरश्ववत् ।

અર્થ
ચ = એ ઉપરાંત.
સર્વોપેક્ષા = વિદ્યાની ઉત્પત્તિને માટે સર્વે વર્ણાશ્રમોચિત કર્મોની આવશ્યકતા છે.
યજ્ઞાદિશ્રુતેઃ = કારણ કે યજ્ઞાદિ કર્મોને બ્રહ્મવિદ્યામાં સાધન બતાવનારી શ્રુતિ છે.
અશ્વવત્ = જેવી રીતે ઘોડો યોગ્યતા પ્રમાણે સવારીના કામમાં વપરાય છે, રાજપ્રસાદ પર ચઢવાના કામમાં નથી વપરાતો, એવી રીતે કર્મ વિદ્યાની ઉત્પત્તિને માટે અપેક્ષિત છે, મોક્ષને માટે નથી.

ભાવાર્થ
તો પછી શું બ્રહ્મવિદ્યાનો કોઈપણ કર્મ સાથે કશો જ સંબંધ નથી ? એને કોઈ પણ કર્માનુષ્ઠાનની આવશ્યકતા નથી ? એવી જિજ્ઞાસાના જવાબરૂપે આ સૂત્ર લખવામાં આવ્યું છે. બ્રહ્મવિદ્યા છે તો અત્યંત આશીર્વાદ રૂપ, પરંતુ એની પ્રાપ્તિ માટે સમુચિત કર્માનુષ્ઠાનની આવશ્યકતા છે. ઘોડો જેવી રીતે સવારીના કાર્ય માટે વપરાય છે. રાજપ્રસાદ પર ચઢવાના કામમાં નથી વપરાતો, તેવી રીતે કર્મો દ્વારા પરમાત્માની પ્રાપ્તિ નથી થતી તથા મુક્તિ નથી મળતી તો પણ ચિત્તની શુદ્ધિ તથા વાસનાની નિવૃત્તિ તો થાય છે જ, અને ચિત્તની શુદ્ધિ તથા વાસનાની નિવૃત્તિ વિના બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ અને અનુભૂતિ થવી અશક્ય છે, એટલે એ દૃષ્ટિએ, એટલા પૂરતું, બ્રહ્મવિદ્યાના માટે કર્મનું મહત્વ સમજી શકાય છે. બાકી જન્માંતર સંસ્કારોના સુપરિણામરૂપે જેમને પહેલેથી જ સાત્વિકતાની, વિવેક, વૈરાગ્ય અને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તેમને માટે લૌકિક અથવા યજ્ઞાદિ કર્માનુષ્ઠાનની આવશ્યકતા નથી રહેતી. તેવાં કર્મોને ના કરવાથી તેને પોતાને કશું જ ખોવાનું નથી રહેતું.

२७. शमदमाद्ययुपेतः स्यात्तथापि तु तद्विधेस्तदङ्गतया तेषाममवश्यानुष्ठेयत्वात् ।

અર્થ
તથાપિ = અન્ય કર્મ આવશ્યક ના હોવા છતાં. (સાધકે)
શમદમાદ્યુપેતઃ = શમ, દમ, જેવા ગુણોથી સંપન્ન.
સ્યાત્ = હોવું જોઈએ.
તુ = કેમ કે.
તદંગતયા = એ બ્રહ્મવિદ્યાના અંગરૂપે.
તદ્દવિધોઃ = એ શમદમાદિનું વિધાન હોવાથી.
તેષામ્ = એમનું.
અવશ્યાનુષ્ઠેથત્વાત્ = અનુષ્ઠાન અવશ્ય કરવા જેવું છે.

ભાવાર્થ
બૃહદારણ્યક ઉપનિષદમાં જણાવ્યું છે કે બ્રહ્મવેત્તાના મહિમાને જાણનાર પાપ કર્મોથી લેપાતો નથી, એટલા માટે એ મહિમાને જાણનાર શાંત, દાન્ત, ઉપરત, તિતિક્ષુ અને ધ્યાનમાં સ્થિત બનીને આત્માનું આત્મામાં દર્શન કરે છે. ઉપનિષદમાં એવી રીતે પરમાત્માની પ્રાપ્તિ કરવા માગનારા માનવને માટે શમદમાદિ સાધનોની પ્રાપ્તિનો બ્રહ્મવિદ્યાના અગત્યના અંગ તરીકે ઉલ્લેખ કરેલો છે. એમને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન ના કરવામાં આવે તો બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ અથવા અનુભૂતિ અશક્ય બની જાય. ત્યાગી અથવા રાગી અને સંન્યાસી કે સંસારી સૌને માટે, આત્મોન્નતિ અને આત્માનુભૂતિની આકાંક્ષાવાળા સૌ કોઈને માટે એ અંગેની આરાધના અત્યંત આવશ્યક છે. એમના વિના આત્મસાક્ષાત્કારની સાધનામાં સફળતાપૂર્વક આગળ નથી વધી શકાતું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *