Adhyay 3, Pada 4, Verse 31-33
By-Gujju29-04-2023
Adhyay 3, Pada 4, Verse 31-33
By Gujju29-04-2023
३१. शब्दश्चातोङकामकारे ।
અર્થ
અકામકારે = ઈચ્છાનુસાર અભક્ષ્ય ભોજનના નિષેધમાં.
શબ્દઃ = શ્રુતિપ્રમાણ.
ચ = પણ છે.
અતઃ = એટલા માટે.
ભાવાર્થ
જ્યાં સુધી ખરેખર અને ગંભીર પ્રાણસંકટ પેદા ના થાય ત્યાં સુધી નિષિદ્ધ અન્નજળનું ગ્રહણ ના કરવું જોઈએ એવો સંદેશ શ્રુતિએ પણ આપ્યો હોવાથી એને જ વળગી રહેવાનું વલણ બરાબર છે. જે તન તથા મનને માટે હાનિકારક છે તેવા પદાર્થોનું સેવન જ્ઞાનીએ પણ કદાપિ ના કરવું જોઈએ.
—
३२. विहितत्वाच्चाश्रमकर्मापि ।
અર્થ
ચ= અને.
વિહિતત્વાત્ = શાસ્ત્રવિહિત હોવાથી.
આશ્રમકર્મ = આશ્રમવિષયક કર્મોનું.
અપિ = પણ. (અનુષ્ઠાન કરવું જોઈએ.)
ભાવાર્થ
આ સૂત્રમાં સૂત્રકાર જણાવે છે કે આત્મજ્ઞાનીએ અભક્ષ્ય પદાર્થોનું સેવન ના કરવું જોઈએ એ તો સાચું જ છે પરંતુ એની સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે જ્ઞાનીએ પોતાના આશ્રમધર્મને અનુલક્ષીને આવશ્યક કર્મોનું અનુષ્ઠાન કોઈપણ પ્રકારના પ્રમાદ વિના નિયમપૂર્વક નિયમિત રીતે કરતા રહેવું જોઈઓ. શરીરના ધારણપોષણને માટે ભોજનાદિ કર્મોની અને મનબુદ્ધિના વિકાસને માટે સ્વાધ્યાય તથા શમદમાદિ કર્મોની આવશ્યકતા છે તેમ લોકસંગ્રહને માટે તેમજ આત્મોન્નતિમાં મદદ મળે તે માટે આશ્રમધર્મને અનુરૂપ કર્માનુષ્ઠાનની પણ આવશ્યકતા છે. જ્ઞાની કર્મમાં આસક્ત ના થાય પરંતુ કર્મ તો કરે જ.
—
३३. सहकारित्वेन च ।
અર્થ
સહકારિત્વેન = સાધનામાં સહાયક હોવાથી.
ચ = પણ.
ભાવાર્થ
શમદમ સ્વાધ્યાય જેવાં કર્મો જીવનવિકાસની અથવા પરમાત્માની પ્રાપ્તિની સાધના માટે આવશ્યક છે, એવી રીતે અહંકાર અને આસક્તિનો ત્યાગ કરીને કરવામાં આવતાં બીજા કર્મો પણ પોતાને તથા બીજાને માટે એવાં જ આવશ્યક છે માટે એવાં કર્મોનો ત્યાગ કદાપિ ના કરવો જોઈએ. વ્યક્તિગત અને સમષ્ટિગત સુખાકારીને માટે એ કર્મોનું અનુષ્ઠાન કરવું જ જોઈએ.