Adhyay 3, Pada 4, Verse 34-36
By-Gujju29-04-2023
Adhyay 3, Pada 4, Verse 34-36
By Gujju29-04-2023
३४. सर्वथापि त एवोभयलिङ्गात् ।
અર્થ
અપિ = કોઈ કારણથી મુશ્કેલી કે પ્રતિકૂળતા પ્રાપ્ત થાય તો પણ તે – ભક્તિસંબંધી કર્મ કે ભાગવતધર્મ તો.
સર્વથા = સર્વ રીતે.
એવ = જ આચરવાયોગ્ય છે.
ઉભયલિંગાત્ = કારણ કે શ્રુતિ તથા સ્મૃતિ બંનેના નિશ્ચયાત્મક વર્ણનરૂપ લિંગ અથવા લક્ષણોથી એવું પુરવાર થાય છે.
ભાવાર્થ
તો પછી ભગવાનની ભક્તિના અંગરૂપ જે સ્મરણ, શ્રવણ તથા કીર્તન જેવાં કર્મો છે તે સંબંધી શું સમજવું ? પરમાત્માની ઉપાસનારૂપી કર્મોને જ્ઞાનીએ કરવાં કે ના કરવાં ? એ પ્રશ્નોના પ્રત્યુત્તરરૂપે અહીં જણાવવામાં આવે છે કે જ્ઞાનીએ કે વિદ્વાને ભાગવતધર્મ અથવા ભગવાનની ભક્તિની સાથેનો સંબંધ કદાપિ ના છોડવો જોઈએ. ભક્તિ સર્વ સ્થળે, સર્વ કાળે અને સર્વ પ્રકારે કલ્યાણકારક છે. એથી જીવ પરમાત્માભિમુખ બની, પરમાત્માના પ્રેમથી સંપન્ન બનીને, પરમાત્મા પ્રાપ્તિ કરી લે છે અને કૃતાર્થ થાય છે. શ્રુતિ તથા સ્મૃતિ બંનેએ એ વાતનું સમર્થન કરેલું છે. જીવનમાં કોઈવાર કોઈ પ્રતિકૂળતા પેદા થાય તો પણ ભક્તિની સાધનાને તિલાંજલિ ના આપવી જોઈએ.
—
३५. अनभिभवं च दर्शयति ।
અર્થ
(શ્રુતિ એનું અનુષ્ઠાન કરનારાને માટે)
અનભિભવમ્ = પાપોથી અલિપ્ત રહેવાનું.
ચ = પણ.
દર્શયતિ = કહી બતાવે છે.
ભાવાર્થ
પરમાત્માના શ્રવણમનન, સ્મરણ અને આરાધનાનો મહિમા જણાવતાં ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે એ સૌનો અનુરાગપૂર્વકનો આધાર લેનારને પાપકર્મ પ્રભાવિત નથી કરી શકતાં. એનું જીવન પરમ પવિત્ર બની જાય છે. ઉપનિષદના એ કથન પરથી સ્પષ્ટ રીતે સમજાય છે કે પરમાત્માનું સ્મરણ, મનન, કથાશ્રવણ અથવા આરાધન સૌ કોઈએ કરવું જોઈએ.
—
३६. अन्तरा चापि तु तद् दष्टेः ।
અર્થ
તુ = એ ઉપરાંત.
અન્તરા = આશ્રમ ધર્મોના અભાવમાં.
ચ અપિ = પણ. (કેવળ ઉપાસના વિષયક અનુષ્ઠાનથી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે.)
તદ્દદ્દષ્ટેઃ = કારણ કે ઉપનિષદમાં એવું વિધાન જોવા મળે છે.
ભાવાર્થ
બીજા આશ્રમ ધર્મોના પાલનની શક્તિ કે શક્યતા ના હોય તો અને ત્યારે પણ પરમાત્માની ઉપાસના તો કરવી જ જોઈએ. પરમાત્માની આરાધના સૌને માટે ને સર્વપ્રકારે કલ્યાણકારક છે. એનાથી અસાધારણ લાભ થાય છે ને શાંતિ તથા સિદ્ધિ મળે છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘સમસ્ત જગતના કર્તા સર્વાન્તર્યામી પરમાત્માની પ્રેરણા શક્તિથી એ પરમાત્માની સેવા અથવા આરાધના કરવી જોઈએ. એ પરમેશ્વરનું જ શરણ લઈને પોતાને એમની અંદર વિલીન કરવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. એવું કરવાથી તમારા પૂર્વે કરાયલાં સંચિત કર્મો સાધનામાં વિઘ્નકારણ નહિ થાય. એવી આરાધનાથી પરમાત્માનો સાક્ષાત્કાર સહજ બનશે.’