Adhyay 3, Pada 4, Verse 40-42
By-Gujju29-04-2023
Adhyay 3, Pada 4, Verse 40-42
By Gujju29-04-2023
४०. तद् भूतस्य नातद् भावो जैमिनेरपि नियमातद्रूपाभावेभ्यः ।
અર્થ
તદ્દભૂતસ્ય = ઉચ્ચ આશ્રમમાં રહેતા મનુષ્યનું
(તુ = તો.)
અતદ્દભાવઃ = એને છોડીને પૂર્વ આશ્રમમાં પાછા આવવાનું.
ન = નથી થઈ શકતું.
નિયમાતદ્રુપાભાવેભ્યઃ = કારણ કે શાસ્ત્રોમાં પાછા ના ફરવાનો જ નિયમ છે. શ્રુતિએ આશ્રમને બદલવાનો જે ક્રમ કહ્યો છે એનાથી એ વિપરીત છે અને એવો શિષ્ટાચાર પણ નથી. જૈમિનિનો પણ એવો જ અભિપ્રાય છે.
ભાવાર્થ
કોઈ માનવે ઉચ્ચ આશ્રમમાં અથવા ચતુર્થ આશ્રમમાં પ્રવેશ કર્યો હોય તો એવા માનવે આશ્રમધર્મની મર્યાદાનું સમ્યક્ પ્રકારે પાલન કરીને એને વફાદાર રહેવું જોઈએ અને એને શોભાવવા કે ઉજ્જવળ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. કોઈ કારણથી એ પોતાના પૂર્વ આશ્રમમાં ચતુર્થ આશ્રમનો પરિત્યાગ કરીને પાછો ફરે તો તેની એ પ્રવૃત્તિ ઉત્તમ, અનુકરણીય, અભિનંદનીય અથવા આદરણીય નથી મનાતી. બધા માનવો એવી રીતે ઉચ્ચ આશ્રમનો ત્યાગ કરવા માંડે તો આશ્રમધર્મની મર્યાદા જેવું કશું રહે જ નહિ અને એના નામે એક પ્રકારની ઘોર અવ્યવસ્થા ઊભી થાય. શાસ્ત્રોમાં પ્રથમ આશ્રમમાંથી ઉત્તરોઉત્તર અથવા ક્રમેક્રમે ચતુર્થ આશ્રમમાં જવાનું વિધાન જોવા મળે છે, પરંતુ એનાથી ઉલટા કે વિપરીત વિધાનનો નિર્દેશ નથી મળતો. આચાર્ય જૈમિનિ પણ એવું જ માને છે. એટલે કોઈ પણ સંજોગોમાં સ્વેચ્છાથી પ્રેરાઈને શાસ્ત્રોની એ પ્રસ્થાપિત પરંપરાનો વ્યતિક્રમ કરવાની અનુમતિ નથી આપી શકાતી. એવી અનુમતિ હિતાવહ નથી.
—
४१. न चाधिकारिकमपि पतनानुमानात्तदयोगात् ।
અર્થ
ચ = એ ઉપરાંત.
અધિકારિકમ્ = પ્રાયશ્ચિતના અધિકારી બીજા આશ્રમવાળાને માટે જે પ્રાયશ્ચિત બતાવ્યું છે તે.
અપિ =પણ.
ન= એને માટે ઠીક નથી
પતનાનુમાનાત્ = કારણ કે સ્મૃતિમાં એનું ભયંકર પતન કહેલું છે.
તદયોગાત્ = એટલા માટે એ પ્રાયશ્ચિત્તને યોગ્ય નથી રહેતો.
ભાવાર્થ
આશ્રમનો વ્યતિક્રમ કરવાથી મોટો દોષ લાગે છે અને ભયંકર અપરાધ થાય છે તો એ અપરાધનું કોઈ પ્રાયશ્ચિત છે કે નથી ? જો કોઈક પ્રાયશ્ચિત હોય તો પ્રાયશ્ચિત દ્વારા એ અપરાધને ધોઈ શકાય. એવી જીજ્ઞાસાના જવાબમાં અહીં જણાવવામાં આવે છે કે બ્રહ્મચર્યાશ્રમ તથા ગૃહસ્થાશ્રમમાં રહીને કોઈ નાનોમોટો અપરાધ કરવામાં આવે તો તેના પ્રાયશ્ચિતનો નિર્દેશ મનુસ્મૃતિ જેવી સ્મૃતિમાં કરવામાં આવ્યો છે ખરો, પરંતુ વાનપ્રસ્થ અથવા સંન્યાસ આશ્રમમાં રહીને કોઈ અપરાધ કરવામાં આવે તો તે અપરાધ અત્યંત અસાધારણ અને ભયંકર હોવાથી એનું કોઈ પ્રાયશ્ચિત નથી બતાવવામાં આવ્યું. પ્રાયશ્ચિત ના બતાવવાનું એક કારણ એ પણ હોઈ શકે કે એવો અપરાધ ભાગ્યે જ થતો અથવા થતો જ નહિ.
—
४२. उपपूर्वमपि त्वेके भावमशनवत्तदुक्तम् ।
અર્થ
એકે = કેટલાક આચાર્ય.
તુ = તો.
ઉપપૂર્વમં = એને ઉપપાતક.
અપિ = પણ માને છે (એટલા માટે તે.)
અશનવત્ = ભોજનના નિયમભંગના પ્રાયશ્ચિત્તની પેઠે.
ભાવમ્ = એને માટે પણ પ્રાયશ્ચિત્તનો ભાવ માને છે.
તદુક્તમ્ = એ વાત શાસ્ત્રમાં કહેલી છે. (એવું પણ એમનું કથન છે.)
ભાવાર્થ
અભક્ષ્ય-ભક્ષણાદિના પ્રાયશ્ચિત્તની પેઠે ઉચ્ચ આશ્રમના વ્યક્તિના અપરાધનું પ્રાયશ્ચિત પણ હોવું જોઈએ, કારણ કે એ અપરાધને એક પ્રકારનું ભયંકર નહિ પરંતુ ઉપપાતક જ માની શકાય, એવો કેટલાક આચાર્યોનો અભિપ્રાય છે.