Thursday, 21 November, 2024

Adhyay 4, Pada 2, Verse 07-09

129 Views
Share :
Adhyay 4,  							Pada 2, Verse 07-09

Adhyay 4, Pada 2, Verse 07-09

129 Views

७. समाना चासृत्युपक्रमादमृतत्वं चानुपोष्य ।

અર્થ
આસૃત્યુપક્રમાત્ = દેવયાન માર્ગ દ્વારા બ્રહ્મલોકમાં જવાના ક્રમનો આરંભ થતાં સુધી.
સમાના = બંનેની ગતિ સરખી હોય છે.
હિ = કારણ કે.
અનુપોષ્ય = સૂક્ષ્મ શરીરને સુરક્ષિત રાખીને જ.
અમૃતત્વમ્ = બ્રહ્મલોકમાં અમૃતત્વની પ્રાપ્તિને જ બ્રહ્મવિદ્યાનું ફળ કહ્યું છે.

ભાવાર્થ
મૃત્યુસમયનું જે વર્ણન કરવામાં આવ્યું છે તે વર્ણન અમુક ક્રમ સુધી સામાન્ય માનવોને ને બ્રહ્મલોકમાં જવા માગનારા મહાપુરૂષોને એક સરખી રીતે લાગુ પડે છે. જીવાત્મા મૃત્યુ વખતે સ્થૂળ શરીરમાંથી નીકળીને સૂક્ષ્મ શરીરમાં સ્થિત કરે છે. ત્યાં સુધીનો ક્રમ સામાન્ય માનવોને માટે અને બ્રહ્મલોકની ઈચ્છાવાળા બ્રહ્મજ્ઞાની પુરૂષોને માટે એકસરખો હોય છે. બ્રહ્મલોકમાં જનારા મહાપુરૂષો પણ સૂક્ષ્મ શરીરને સુરક્ષિત રાખીને જ ત્યાં જઈ શકે છે, અને બીજા લોકોમાં પણ સૂક્ષ્મ શરીર દ્વારા જ જઈ શકાય છે. બ્રહ્મલોકમાં જવાનું ફળ અમૃતત્વની પ્રાપ્તિ છે. તેવું ફળ બીજા લોકો અથવા બીજી યોનિઓમાં જનારા બીજા મનુષ્યોને નથી મળતું. એમનામાં એટલો ભેદ અવશ્ય છે.

८. तदापीतेः संसारव्यपदेशात्  ।

અર્થ
સંસાર વ્યપદેશાત્ = સાધારણ જીવોને માટે મૃત્યુ પછી વારંવાર જન્મવાનું કથન (સિદ્ધ થાય છે કે.)
તત્ = એમનું સૂક્ષ્મ શરીર.
આ અપીતેઃ = મુક્તાવસ્થાની પ્રાપ્તિ સુધી રહે છે. એટલા માટે નવા સ્થૂળ શરીરની પ્રાપ્તિ પહેલાં એમનું પરમાત્મામાં સ્થિતિ કરવાનું પ્રલય કાળની પેઠે છે.

ભાવાર્થ
મન, ઈન્દ્રિયો તથા જીવાત્મા સાથે તેજ પરમ દેવતામાં પ્રવેશે છે એવા ઉપનિષદના નિર્દેશ વિશે સ્પષ્ટીકરણ કરતાં કહેવામાં આવે છે કે એ નિર્દેશમાં એક શરીરથી બીજા શરીરમાં જનારાને માટે પરમ દેવતામાં પ્રવેશવાનું કહ્યું છે તે તો પ્રલયકાળની પેઠે કર્મ સંસ્કારો તથા સૂક્ષ્મ શરીર સાથે અજ્ઞાન દશામાં પ્રવેશવાનું છે. એ વખતે જીવાત્માને સાધનાના ફળસ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ નથી થતી. એ જીવાત્માને કર્મ સંસ્કારોના અનુસંધાનમાં બીજા જન્મની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી જ એ અવસ્થા ચાલુ રહે છે.

९. सूक्ष्म प्रमाणतश्च तथोलब्धेः ।

અર્થ
પ્રમાણતઃ = વેદ પ્રમાણથી.
ચ = અને.
તથોપબ્ધેઃ = એવી ઉપલબ્ધિ થતી હોવાથી (સિદ્ધ થાય છે કે.)
સૂક્ષ્મમ્ = (જેમાં જીવાત્મા સ્થિત થાય છે તે) ભૂત સમુદાય સૂક્ષ્મ છે.

ભાવાર્થ
મૃત્યુ વખતે જીવાત્મા સૌની સાથે આકાશાદિ ભૂત સમુદાયમાં સ્થિત થાય છે એવું જણાવ્યું છે એના સંબંધમાં ખાસ યાદ રાખવાનું છે કે એ ભૂત સમુદાય સ્થૂળ નથી પરંતુ સૂક્ષ્મ છે. શ્રુતિના પ્રમાણથી એની સિદ્ધિ થાય છે. છાંદોગ્ય ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘હૃદયમાં એકસો એક નાડી છે. એમાંથી એક કપાળ તરફ નીકળે છે. સુષુમ્ણા. એની દ્વારા ઉપર જનારા માનવને અમૃત પદની પ્રાપ્તિ થાય છે. બીજી નાડીઓથી ગતિ થાય તો વિવિધ યોનિઓમાં જવું પડે છે.’

शतं चैका हृदयस्य नाङयस्तासां मूर्धानमभिनिःसृतैका ।
तयोर्ध्वमायन्नमृतत्वमेति विष्वड्डन्यो उत्त्क्रमणे भवन्ति ॥

સૂક્ષ્મ ભૂતોમાં સ્થિત જીવાત્મા જ એવી રીતે નાડી દ્વારા બહાર જઈ શકે એ સહેજે સમજી શકાય તેવું છે. જો તે ભૂતો સ્થૂલ હોત એમની સાથે બહાર જનારા જીવાત્માને સ્થૂલ શરીરની પેઠે સૌ કોઈ જોઈ શકત. પરંતુ એવું દર્શન અશક્ય હોવાથી એ ભૂતો સૂક્ષ્મ છે એવું સ્પષ્ટ થાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *