Adhyay 4, Pada 2, Verse 10-12
By-Gujju29-04-2023
Adhyay 4, Pada 2, Verse 10-12
By Gujju29-04-2023
१०. पभेर्दनातः ।
અર્થ
અતઃ = એ ભૂત સમુદાય સૂક્ષ્મ હોવાથી.
ઉપમેર્દન = આ સ્થૂળ દેહનો દાહાદિ દ્વારા નાશ કરી દેવાથી.
ન = એનો નાશ નથી થતો.
ભાવાર્થ
જીવાત્મા મૃત્યુ વખતે આકાશાદિ ભૂત સમુદાયરૂપી જે શરીરમાં સ્થિત થાય છે તે શરીર અતિશય સૂક્ષ્મ હોવાથી, સ્થૂળ શરીરનો નાશ થવા છતાં પણ નાશ નથી પામતું. સ્થૂળ શરીરને બાળી નાખવામાં આવે તો પણ તે નથી બળતું. જીવાત્મા એ સૂક્ષ્મ શરીરની સાથે સ્થૂળ શરીરમાંથી બહાર નીકળી જાય છે એટલે સ્થૂળ શરીરનો દાહ કે નાશ કરવામાં આવે તો પણ એનો નાશ નથી થતો અથવા એને કશી અસર નથી પહોંચતી.
—
११. अस्यैव चोपपत्तेरेष ऊष्मा ।
અર્થ
એષઃ = આ.
ઊષ્મા = (જીવિત શરીરમાં અનુભવાનારી) ગરમી.
અસ્ય એવ = આ સૂક્ષ્મ શરીરની જ છે.
ઉપપત્તેઃ = યુક્તિ દ્વારા.
ચ= પણ. (એ સિદ્ધ થાય છે, કારણ કે સૂક્ષ્મ શરીર નીકળી જાય છે તે પછી સ્થૂળ શરીર ગરમ નથી રહેતું.)
ભાવાર્થ
જીવંત સ્થૂળ શરીરમાં જે ઊષ્મા અથવા ગરમી હોય છે તે ક્યાંથી આવે છે એની વિચારણા કરતાં જણાવે છે કે એ ગરમી સૂક્ષ્મ શરીરની છે, એટલે તો સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરમાંથી નીકળી જાય છે ત્યારે સ્થૂળ શરીર ઠંડુ પડી જાય છે. એ ગરમી જો સ્થૂળ શરીરની જ હોય તો તો સૂક્ષ્મ શરીરના બહાર નીકળી ગયા પછી પણ એનો નાશ ના થાત, અને એ કાયમને માટે ટકી રહેત.
—
१२. प्रतिधादितिषे चेन्न शारीरात् ।
અર્થ
ચેત્ = જો કહેતા હો કે.
પ્રતિષેધાત્ = પ્રતિષેધ હોવાને લીધે. (એનું ગમન નથી થતું.)
ઈતિ ન = તો તે ઠીક નથી.
શારીરાત્ = કારણકે એ પ્રતિષેધ વચન દ્વારા જીવાત્માથી પ્રાણોના અલગ થવાનો નિષેધ કરવામાં આવ્યો છે.
ભાવાર્થ
આ સૂત્રમાં પૂર્વપક્ષીની વિચારધારાની રજુઆત કરતાં જણાવવામાં આવ્યું છે કે બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે જે કામનારહિત, નિષ્કામ, પૂર્ણકામ અને કેવળ પરમાત્માને ચાહે છે તેના પ્રાણ ઉત્ક્રમણ નથી કરતા. એ કથન સૂચવે છે કે કામનારહિત મહાપુરૂષની ગતિનો અભાવ હોવાથી એનું બ્રહ્મલોકમાં ગમન નથી થતું એવું કહેવામાં આવે તો તે બરાબર નથી. કારણ કે એ ઉપનિષદવચન જીવાત્મા પ્રાણથી જુદો નથી પડતો એવું જણાવે છે; શરીરથી પ્રાણ જુદો નથી પડતો એવું નથી જણાવતું. એટલે જીવાત્મા પ્રાણોની સાથે બ્રહ્મલોકમાં જાય છે એવું જ માનવાનું બરાબર છે.