Adhyay 4, Pada 4, Verse 01-03
By-Gujju29-04-2023
Adhyay 4, Pada 4, Verse 01-03
By Gujju29-04-2023
१. सम्पद्याविर्भावः स्वेन शब्दात् ।
અર્થ
સમ્પદ્ય = પરમધામને પામીને.
સ્વેન = પોતાના મૂળ વાસ્તવિક સ્વરૂપે.
આવિર્ભાવઃ = પ્રાકટ્ય થાય છે.
શબ્દાત્ = કારણ કે શ્રુતિમાં એવું કહેલું છે.
ભાવાર્થ
પરમધામમાં પહોંચનારા મહાપુરૂષનું શું થાય છે ? અને સ્વરૂપની અવસ્થા ત્યાં કેવી હોય છે ? એની ચર્ચા વિચારણાનો આરંભ કરતાં આ સૂત્ર દ્વારા સ્પષ્ટ રીતે જણાવવામાં આવે છે કે પરમધામમાં પ્રવેશનારા મહાપુરૂષ ત્યાં પોતાના મૂળ વાસ્તવિક સ્વરૂપે પ્રકટ થાય છે. પોતાના મૂળ વાસ્તવિક સ્વરૂપે એટલે કેવા સ્વરૂપે ? પ્રાકૃત સૂક્ષ્મ શરીરથી રહિત, પુણ્ય-પાપ-શૂન્ય, જરા-વ્યાધિ-મૃત્યુ જેવા વિકારોથી રહિત, સત્યકામ, સત્યસંકલ્પ, શુદ્ધ અને અલૌકિક સ્વરૂપે. છાંદોગ્ય ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘જે ઉપાસક પોતાના સ્થૂળ શરીરને પરિત્યાગીને પરમ જ્ઞાનસ્વરૂપ પરમધામને પામે છે તે ત્યાં પોતાના વાસ્તવિક સ્વરૂપથી સંપન્ન બને છે. આ આત્મા છે. એ પરમધામને પામનાર અમૃત છે, અભય છે, બ્રહ્મ છે. એ પ્રાપ્ત કરવા યોગ્ય પરબ્રહ્મનું નામ સત્ય છે.’
—
२. मुक्तः प्रतिज्ञानात् ।
અર્થ
પ્રતિજ્ઞાનાત્ = પ્રતિજ્ઞા કરી હોવાથી સિદ્ધ થાય છે કે
મુક્તઃ = (એ સ્વરૂપ) સર્વે પ્રકારનાં બંધનોથી મુક્ત હોય છે.
ભાવાર્થ
મુંડક ઉપનિષદ જેવાં ઉપનિષદોમાં જણાવ્યું છે કે પરમાત્માને અને પરમાત્માના લોકને અથવા ધામને પ્રાપ્ત કરનાર મહાપુરૂષ સદાને માટે સર્વ પ્રકારનાં બંધનોથી છૂટી જાય છે. ઉપનિષદના એ ઉલ્લેખ પરથી પ્રતીતિ થાય છે કે પરમધામમાં પોતાના મૂળભૂત વાસ્તવિક સત્ય સ્વરૂપથી સંપન્ન થયા પછી મહાપુરૂષ સર્વ પ્રકારનાં બંધનોથી રહિત, સંપૂર્ણ શુદ્ધ, બુદ્ધ, વિભુ, વિકારરહિત અને વિજ્ઞાનમય બની જાય છે. એનું આખું સ્વરૂપ અલૌકિક બની કે બદલાઈ જાય છે.
—
३. आत्मा प्रकरणात् ।
અર્થ
પ્રકરણાત્ = લીધે (પુરવાર થાય છે કે એ)
આત્મા = શુદ્ધ આત્મા જ થઈ જાય છે.
ભાવાર્થ
પરમધામમાં એ મહાપુરૂષ બધાં જ બંધનોમાંથી મુક્તિ મેળવે છે એવું માનવાનું કોઈ કારણ છે ખરૂં ? એવી જિજ્ઞાસાના જવાબમાં આ સૂત્રમાં કહેવામાં આવે છે કે છાંદોગ્ય ઉપનિષદમાં એ પ્રકરણમાં વર્ણવ્યું છે કે એ બ્રહ્મલોકમાં પ્રાપ્ત થનારૂં સ્વરૂપ આત્મા છે. એના પરથી પુરવાર થાય છે કે એ મહાપુરૂષ પરમાત્મા જેવા અલૌકિક શુદ્ધ સ્વરૂપથી સંપન્ન બને છે. પરમાત્માની અંદર જેમ કોઈ વિકૃતિ નથી તેમ એની અંદર પણ કોઈ પ્રકારની વિકૃતિ કે ત્રુટિ નથી રહેતી.