Adhyay 4, Pada 4, Verse 10-12
By-Gujju29-04-2023
Adhyay 4, Pada 4, Verse 10-12
By Gujju29-04-2023
१०. अभावं बादरिराह ह्येवम् ।
અર્થ
અભાવમ્ = એ મહાપુરૂષને શરીર નથી હોતું એવું.
બાદરિઃ = આચાર્ય બાદરિનું મંતવ્ય છે.
હિ = કારણ કે.
એવમ્ = એવી રીતે.
આહ = શ્રુતિ કહે છે.
ભાવાર્થ
બ્રહ્મલોકમાં પ્રાપ્ત થતા અસાધારણ ભોગોના ઉપભોગને માટે એ મુક્તાત્મા મહાપુરૂષ કોઈ દેહને ધારણ કરે છે કે નહીં, એવી જિજ્ઞાસાના જવાબમાં આચાર્ય બાદરિ પોતાના મંતવ્યને રજૂ કરતાં જણાવે છે કે એ મહાપુરૂષને સ્થૂળ શરીર નથી હોતું, પરંતુ મનથી જ એ બધા ભોગોનો ઉપભોગ કરે છે. ઉપનિષદનો એવો જ અભિપ્રાય છે. છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે એ મહાપુરૂષ મનના દિવ્ય લોચન દ્વારા ભોગોને જુએ છે અને આનંદે છે.
—
११. भावं जैमिनिर्विकल्पामननात् ।
અર્થ
જૈમિનિ = આચાર્ય જૈમિનિ.
ભાવમ્ = મુક્તાત્મા શરીરનું અસ્તિત્વ સ્વીકારે છે.
વિકલ્પામનાત્ = કારણ કે શ્રુતિમાં જુદી જુદી રીતની સ્થિતિનું વર્ણન છે.
ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે ‘મુક્તાત્મા એક પ્રકારના, ત્રણ પ્રકારના, પાંચ-સાત-નવ તથા અગિયાર પ્રકારના હોય છે. એવું જણાવેલું છે.’ એના પરથી સહેલાઈથી અનુમાન અને નિર્ણય કરી શકાય છે કે મુક્તાત્માને સ્થૂળ શરીર હોય છે પણ ખરૂં. આચાર્ય જૈમિનિનો અભિપ્રાય એવો છે.
—
१२. द्वादशाहवदुभयबिधं बादरायणोङतः ।
અર્થ
બાદરાયણઃ = વેદ વ્યાસજીનો અભિપ્રાય એવો છે કે.
અતઃ = એ બંને પ્રકારની વિચારસરણી પ્રમાણે.
દ્વાદ્દશાહ = યજ્ઞની પેઠે.
ઉભયવિધમ્ = બંને પ્રકારની અવસ્થા ઉચિત છે.
ભાવાર્થ
હવે આ સૂત્રમાં પોતાનો અનુભવાત્મક અભિપ્રાય આપતાં મહર્ષિ વ્યાસ જણાવે છે કે એ બંને આચાર્યોની વિચારધારા બરાબર છે. એટલે કે બ્રહ્મલોકમાં બ્રહ્મદર્શી મહાપુરૂષનું શરીર રહે છે પણ ખરૂં અને નથી પણ રહેતું. એનો આધાર મહાપુરૂષના પોતાના વ્યક્તિગત સ્વતંત્ર વિચાર, ભાવ કે સંકલ્પ પર રહે છે. શ્રુતિમાં દ્વાદ્દશાહ યજ્ઞને જેવી રીતે અનેકકર્તુક હોવાથી ‘સત્ર’ અને નિયત કર્તુક હોવાથી ‘અહીન’ માને છે, એ બંને પ્રકારની માન્યતા સાચી છે, તેવી રીતે મહાપુરૂષ બ્રહ્મલોકમાં સૂક્ષ્મ અને સ્થૂળ શરીરને ધારણ કરીને જુદા જુદા ભોગો ભોગવે છે. એ બંને પ્રકારની માન્યતાઓને માનવામાં કશું ખોટું નથી.