Adhyay 4, Pada 4, Verse 13-16
By-Gujju29-04-2023
Adhyay 4, Pada 4, Verse 13-16
By Gujju29-04-2023
१३. तन्वभावे संध्यवदुपपत्तेः ।
અર્થ
તન્વભાવે = શરીરના અભાવમાં.
સંધ્યવત્ = સ્વપ્નની પેઠે. (ભોગોપભોગ થઈ શકે છે.)
ઉપપત્તેઃ = કારણ કે એવું માનવાનું યુક્તિસંગત છે.
ભાવાર્થ
સ્વપ્નાવસ્થામાં સ્થૂળ શરીર સક્રિય નથી હોતું તો પણ સૂક્ષ્મ શરીરની અથવા મનની મદદથી જુદાં જુદાં દૃશ્યો દેખાય છે અને ભોગો ભોગવાય છે એવો મોટે ભાગે પ્રત્યેક વ્યક્તિનો અનુભવ છે. એવી રીતે બ્રહ્મલોકમાં સૂક્ષ્મ શરીરથી દિવ્ય ભોગોનો ઉપભોગ કરવામાં આવતો હોય તો તેમાં ના માનવા જેવું કશું જ નથી. સિદ્ધ યોગી પણ સૂક્ષ્મ શરીરની મદદથી કેટલીક પ્રવૃત્તિ કરી શકે છે.
—
१४. भावे जाग्रद् वत् ।
અર્થ
ભાવે = શરીર હોય ત્યારે.
જાગ્રદ્દવત્ = જાગૃતિદિશામાં થાય છે તેવી રીતે (ઉપભોગની શક્યતા છે.)
ભાવાર્થ
જાગૃતિ દશા દરમિયાન સ્થૂલ શરીર હોય છે ત્યારે જુદા જુદા ભોગોનો ઉપભોગ શક્ય બને છે. એ પ્રમાણે પરમાત્માના પરમધામમાં અથવા બ્રહ્મલોકમાં સ્થૂલ શરીરને ધારણ કે ગ્રહણ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોવાથી સ્થૂલ શરીર દ્વારા ત્યાં ઈચ્છાનુસાર ભોગને ભોગવી શકે છે. એવી રીતે વિચારવાથી સમજાય છે કે બ્રહ્મલોકમાં સ્થૂલ તથા સૂક્ષ્મ બંને પ્રકારનાં શરીરોથી ભોગોપભોગ કરવાની માન્યતા સાચી છે.
—
१५. प्रदीपवदावेशस्तथा हि दर्शयति ।
અર્થ
પ્રદીપવત = દીપકની પેઠે.
આવેશઃ = મુક્તાત્માનો પ્રવેશ સઘળાં શરીરોમાં થઈ શકે છે.
હિ = કારણ કે
તથા દર્શયતિ = શ્રુતિ એવું જણાવે છે.
ભાવાર્થ
અગ્નિ તો એક જ હોય છે પરંતુ દીપક અનેક, પાણી એક જ પ્રકારનું હોય છે પરંતુ પાત્ર અનેક પ્રકારનાં, તેવી રીતે એક મુક્તાત્માની શક્તિ જુદાં જુદાં શરીરો દ્વારા પ્રકટ થાય છે. મુક્તાત્મા પોતાની સત્ય સંકલ્પ શક્તિથી ઈચ્છાનુસાર જુદાં જુદાં શરીરોનું નિર્માણ કરી શકે છે અને એ શરીરોની મદદથી ભોગોને ભોગવે છે. છાંદોગ્ય ઉપનિષદમાં આત્માની અનેકરૂપતાનું વર્ણન કરેલું છે.
—
१६. स्वाप्ययसम्पत्त्योरन्यतरापेक्षमाविष्कृतं हि ।
અર્થ
સ્વાપ્યયસમ્પત્તયોઃ = સુષુપ્તિ અને પરમાત્માની પ્રાપ્તિ એ બંનેમાંથી.
અન્યતરાપેક્ષમ્ = કોઈ એકની અપેક્ષાથી કહેલા એ શબ્દો છે.
હિ = કારણ કે.
આવિષ્કૃતમ્ = શ્રુતિમાં એની સ્પષ્ટતા કરવામાં આવી છે.
ભાવાર્થ
સમુદ્રમાં સરિતાની જેમ મુક્તાત્મા નામરૂપમાંથી મુક્તિ મેળવીને પરમાત્મામાં મળી જાય છે એવું વર્ણન ઉપનિષદમાં કરવામાં આવ્યું છે તે તો લયની અવસ્થાના સંદર્ભમાં જ કરવામાં આવેલું છે. એ વર્ણનને પરમાત્માને આ જ લોકમાં આ જ શરીરથી પ્રાપ્ત કરનારા મુક્તાત્માનું વર્ણન પણ કહી શકાય. છતાં પણ જે મુક્તાત્મા એવી રીતે પરમાત્મામાં વિલીન થવાને બદલે બ્રહ્મલોકમાં જવાની ઈચ્છા રાખતો હોય તેને માટે ત્યાં જવાની ને ત્યાંના ભોગોપભોગની શક્યતા પણ છે જ. સરિતા સમુદ્રમાં મળવા છતાં પણ પોતાનું અભિસરણ બીજી બાજુથી ચાલુ જ રાખે છે. તેમ મુક્તાત્મા પરમાત્મપરાયણ હોવા છતાં પણ પોતાના સ્વતંત્ર અસ્તિત્વને ટકાવી શકે છે – જો એની આકાંક્ષા હોય છે તો. શ્રુતિમાં એવા મુક્તાત્માના જુદા જુદા લોકોના વિહારની વાતનો ઉલ્લેખ જોવા મળે છે.