Friday, 6 December, 2024

ઋષિપદની પ્રાપ્તિ

320 Views
Share :
ઋષિપદની પ્રાપ્તિ

ઋષિપદની પ્રાપ્તિ

320 Views

 

ભાગવતના રચયિતા વ્યાસને ભારતીય સંસ્કૃતિના અવિભાજ્ય આત્મા કહી શકાય. ભારતીય સંસ્કૃતિમાં એમનું યોગદાન ઘણું મોટું છે. મોટું હોવાની સાથે સાથે મહામૂલ્યવાન પણ છે. એ યોગદાનને બાદ કરીએ તો ભારતીય સંસ્કૃતિનુ સાહિત્યગૌરવ ઘણું ઘટી જાય તેમ છે. એમણે ભારતને અને એ દ્વારા સમસ્ત માનવજાતિને વેદના વ્યવસ્થિત વિભાગો આપ્યા, બ્રહ્મસૂત્ર જેવા અસાધારણ ગ્રંથરત્નનું દાન કર્યું, ને ગીતા તથા અષ્ટાદશ પુરાણોનો મહામૂલો વ્યાધિવાર્ધક્યરહિત અમર વારસો પૂરો પાડયો. ભારતને, ભારતીય જીવનદૃષ્ટિને, સાધનાને તથા સંસ્કૃતિને સારી પેઠે સમજવા માટે એ ગ્રંથરત્નોનો પરિચય પ્રાપ્ત કર્યા વિના નથી ચાલે તેમ. સંસ્કૃતિના સૂત્રધાર અથવા પાલકપિતા જેવા જ્ઞાનના સાક્ષાત સ્વરૂપ સરખા વ્યાસને ઇશ્વરના ચોવાસ અવતારોમાંના એક કહીને ભારતીય સંસ્કૃતિએ એમનું જ નહિ પરંતુ પોતાનું પણ સત્માન કર્યું છે કે ગૌરવ વધાર્યું છે. એમને મહર્ષિ વ્યાસના નામથી પણ ઓળખવામાં આવે છે એ સર્વથા યોગ્ય જ છે.

ઋષિપદની પ્રાપ્તિ ધાર્યા જેટલી સહેલી નથી. એને માટે એકધારી સતત સાધનાની આવશ્યકતા પડે છે. પંડિત થવું, શાસ્ત્રી, આચાર્ય કે ઉપદેશક, જ્ઞાની તથા તપસ્વી બનવું એક વાત છે ને ઋષિ બનવું એ જુદી જ વાત છે. એક માણસ પંડિત, શાસ્ત્રી, આચાર્ય, ઉપદેશક, જ્ઞાની, તપસ્વી કે દાર્શનિક અથવા કથાકાર હોઇ શકે. ઋષિપદને વાકપટુતા કે અસાધારણ વિલક્ષણ વકતૃત્વશક્તિ સાથે, પ્રખર બૌદ્ધિક પ્રતિભા કે મેઘા સાથે અથવા શાસ્ત્રજ્ઞાન સાથે સંબંધ નથી હોતો. એ સઘળાંથી સંપન્ન હોય કે ના હોય તો પણ માણસ ઋષિ બની શકે છે. ઋષિપદ તો જીવનની સુયોજિત અસાધારણ અમોઘ આત્મસાધનાનો એક વિશાળ વિકાસક્રમ છે. એ પદ પર પહોંચનાર સર્વપ્રકારે સુખી, શાંત ને સાર્થક થાય છે તથા ધન્ય બની જાય છે. એ પદ પર પહોંચવાનું સહેલું નથી. કોઇક વિરલ વ્યક્તિવિશેષ જ ત્યાં પહોંચી શકે છે. એ પદ પર પ્રતિષ્ઠિત થવા માટે સૌથી પહેલાં તો દૈવી સંપત્તિની અથવા સદગુણોની મૂર્તિ બનવાની કોશિશ કરવી પડે છે, વિચારો તથા ભાવોને ને વ્યવહારોને વિશદ કે ઉદાત્ત કરવા પડે છે, ને મન તથા ઇન્દ્રિયોના પોતાની ઉપરના આધિપત્યનો અંત આણીને એમની ઉપર શાસન કરતાં શીખવું પડે છે. એની સાથે સાથે આત્મસાક્ષાત્કારની અંતરંગ સાધનાનો આધાર લેવાનું અને ધ્યાનધારણા અથવા નામજપ દ્વારા આત્માના અતલ અનંત ઊંડાણમાં અવગાહન કરવાનું કાર્ય પણ એટલું જ આવશ્યક મનાય છે. એવા આહલાદક અનવરત અવગાહન દ્વારા એની પરિસીમાએ પહોંચીને છેવટે પોતાની અંદર રહેલી પરમાત્માની પરાત્પર સત્તાનો સાક્ષાત્કાર કરી લેવો પડે છે ને જીવનની ધન્યતાને અનુભવવી રહે છે. પરમાત્માની એ સત્તાની ઝાંખી સંપૂર્ણ સંસારમાં થવાથી ભેદભાવ, ભય, ભ્રાંતિ અને મોહનો નાશ થાય છે ને જીવન શાંતિથી સભર, સંવાદી ને સુધામય બની જાય છે. એવો પુરુષવિશેષ સાચા અર્થમાં ઋષિ બને છે કે ઋષિ તરીકે ઓળખી શકાય છે. એનું સમસ્ત જીવન એની સઘળી સાધનસંપત્તિ સાથે સંસારનું બની જાય છે ને સંસારના ઉપયોગમાં આવે છે. એ સંસારની મહામોંઘી મૂડી બને છે અને આશીર્વાદરૂપ થાય છે.

આપણી સંસ્કૃતિનો આ ઉચ્ચતમ આદર્શ છે. એણે ઋષિ બનવામાં જીવનની ધન્યતા માની છે. પ્રત્યેક માનવે એવા આપ્તકામ પરમાત્મદર્શી ઋષિ થવાનું છે અને એવા મુક્ત, પૂર્ણ ને કૃતકૃત્ય ઋષિ થવા માટે પ્રામાણિકપણે પુરુષાર્થ કરવાનો છે. જીવનનું ધ્યેય કેવળ શુષ્ક પંડિત, તાર્કિક કે દાર્શનિક થવાનું નથી પરંતુ ઋષિ થવાનું છે. આપણે ત્યાં ધર્મ, તત્વજ્ઞાન, સાધના, જ્ઞાન, ભક્તિ, યોગ તથા કર્મને એજ દૃષ્ટિથી જોવા તથા મૂલવવામાં આવે છે. એમની સાર્થકતા માનવને ઉત્તરોત્તર આગળ વધારીને ઋષિપદે પહોંચાડવામાં છે. એ માનવની આમૂલ ક્રાંતિ કરે છે, એને સાચા અર્થમાં માનવ બનાવે છે, તેમજ પુરુષોત્તમનો પ્રત્યક્ષ પરિચય કરાવીને પુરુષોત્તમતુલ્ય કરીને જીવનનું સંપૂર્ણ સાર્થક્ય ધરે છે. ભાગવતની ભાગીરથીને પૃથ્વીના પરિત્રાણ માટે પૃથ્વી પર પ્રવાહિત કરનાર વ્યાસ એ અર્થમાં એક આદર્શ ઋષિ હતા એટલું જ નહિ પરંતુ ઋષિના પણ ઋષિ-મહર્ષિ હતા એ જ્યારે જાણીએ છીએ ત્યારે એમની મહાનતાની પ્રતીતિ થયા વિના નથી રહેતી.

એવા ઋષિ અથવા મહર્ષિ વ્યાસે કરેલી ભાગવતરૂપી ભાગીરથીની રચના સ્વાન્તઃસુખાય એટલે કે એમના પોતાના આત્મિક સુખની અનુભૂતિને માટે તો છે જ. ભાગવતની ભાગીરથીના પવિત્રતમ પ્રવાહનું પ્રાકટય એમણે પોતાના આત્મસ્થ અવિદ્યારૂપી અંધકારના અંત માટે, સ્વાન્તસ્તમશ્શાંતયે અને જીવનની પરમ કૃતાર્થતા માટે જ કરેલું છે. એ એમનો એકમાત્ર પ્રધાન ઉદ્દેશ હતો. એ પ્રયોજનની પૂર્તિ એમણે સુચારુરૂપે કરી લીધી. પરંતુ એમની એ લોકોત્તર રચના દ્વારા સ્વાન્તઃસુખાયની સાથે સાથે પરજનહિતાય નું એટલે કે બીજા મનુષ્યોના મંગલનું મધુમય ધ્યેય પણ આપોઆપ અથવા સહજ રીતે જ સિદ્ધ થયું છે. અને કેમ સિદ્ધ ના થાય ? પૃથ્વીના પદાર્થો દ્વારા દ્વિવિધ પ્રયોજનની પૂર્તિ થતી દેખાય છે. સૂર્ય ને ચંદ્ર સ્વયં પ્રકાશવાની સાથે સાથે પૃથ્વીને પણ સ્વાભાવિક રીતે જ પ્રકાશ ધરે છે. ફૂલ પોતે ખીલવાની સાથે સાથે ઉપવનની આકર્ષકતા, આહલાદકતા અને અમૃતમયતામાં અભિવૃદ્ધિ કરે છે. દીપક સ્વયં પ્રકાશિત થવાની સાથે સાથે આસપાસના વાયુમંડળને પ્રકાશે ભરે છે. સરિતા સિંધુની દિશામાં દોડે છે ખરી પરંતુ એનું દોડવાનું દુનિયાને માટે આશીર્વાદરૂપ ઠરે છે. એ બધાં આત્મલક્ષી બનીને પોતાને માટે જીવતાં કે કામ કરતાં દેખાતાં હોય તો પણ પરલક્ષી બની રહે છે અને બીજાને માટે ઉપયોગી બને છે. જીવન દ્વારા પણ એવી રીતે આત્મલક્ષી અને પરલક્ષી બંને પ્રકારના હેતુ સરે છે. એની દ્વારા પોતાની વ્યક્તિગત સમુન્નતિ સધાય છે તથા બીજાને મદદ મળતી રહે છે. સાહિત્યની સાધના અથવા પ્રવૃત્તિ પણ એમાં અપવાદરૂપ નથી.

કેટલાકને પ્રશ્ન થાય છે કે સાહિત્ય સ્વાન્તઃસુખાય છે કે પરજનહિતાય ? એ પ્રશ્નનો પ્રત્યુત્તર ઉપરની વિચારણામાં આવી જાય છે. એ દ્વારા પણ પોતાના સુખનો ને બીજાના હિતનો બેવડો હેતુ સ્વાભાવિકરીતે જ સધાય છે ને સધાવો જોઇએ. બીજાને મદદરૂપ થવાની વૃત્તિ કે પ્રવૃત્તિ તરફ ઉપેક્ષા રાખવાનું કે આંખમીંચામણા કરવાનું વલણ બરાબર નથી. એવું વલણ વ્યક્તિ તથા સમષ્ટિને સારું શ્રેયસ્કર ના કહી શકાય. એ સંદર્ભમાં જોઇએ તો મહર્ષિ વ્યાસે કરેલી ભાગવતરૂપી ભાગીરથીની રચના અનેકને માટે ઉપયોગી બની છે. ભવિષ્યની અસંખ્ય પેઢીઓ એમાંથી પ્રેરણા મેળવશે ને પ્રકાશ તથા શક્તિની નવી સામગ્રી પ્રાપ્ત કરશે. એને માટે સ્વનામધન્ય પ્રાતઃસ્મરણીય મહર્ષિ વ્યાસને જેટલા પણ અભિનંદન આપીએ એટલાં ઓછાં છે.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *