Saturday, 7 September, 2024

Adhyay 4, Pada 4, Verse 17-19

132 Views
Share :
Adhyay 4,  							Pada 4, Verse 17-19

Adhyay 4, Pada 4, Verse 17-19

132 Views

१७. जगद् व्यापारवर्जं प्रकरणादसन्निहितत्वाच्च ।

અર્થ
જગદ્દવ્યાપારવર્જમ્ = જગતની રચના જેવી પ્રવૃત્તિ સિવાયની બીજી વાતો માટે એનું સામર્થ્ય કામ કરે છે.
પ્રકરણાત્ = કારણ કે પ્રકરણથી એ સાબિત થાય છે.
ચ = અને.
અસન્નિહિતત્વાત્ = જગત રચના જેવી પ્રવૃત્તિ સાથે એનો કોઈ સમીપનો સંબંધ નથી બતાવ્યો એટલા માટે.

ભાવાર્થ
તો શું પરમાત્માના પરમધામમાં પ્રવેશનારા અને ઈચ્છાનુસાર શરીરને ધારણ કરીને ભોગોપભોગ કરવાના સામર્થ્યવાળા મુક્તાત્મા મહાપુરૂષો સંસારનું સર્જન, વિસર્જન તથા પરિપાલન પણ કરી શકે છે ? ઉપનિષદમાં જ્યાં જ્યાં જગતની રચનાનું વર્ણન આવે છે ત્યાં ત્યાં જગતની રચનાદિ પ્રવૃત્તિ પરમાત્મા દ્વારા જ કરવામાં આવે છે એવું સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે. ક્યાંય એવું નથી કહ્યું કે જગતની રચના જેવી પ્રવૃત્તિ એવા મુક્તાત્મા મહાપુરૂષો દ્વારા થાય છે. એ મુક્તાત્મા મહાપુરુષો દિવ્ય ભોગોનો ઉપભોગ કરે છે ખરા, પરંતુ સંસારનું સર્જન, વિસર્જન અથવા પરિપાલન નથી કરતા. એ કાર્યની સાથે એમનો કોઈ સંબંધ નથી હોતો.
 

१८. प्रत्यक्षोपदेशादिति चेन्नाधिकारितधण्डलस्थोक्तेः ।

અર્થ
ચેત્ = જો કહેતા હો કે.
પ્રત્યક્ષોપદેશાત્ = ત્યાં લોકોમાં ઈચ્છા પ્રમાણે વિચારવાનો ઉલ્લેખ છે, એટલે કે ત્યાં જઈને ઈચ્છાનુસાર કાર્ય કરવાનો અધિકાર બતાવ્યો છે.
ઈતિ ન = તો એવું નથી.
આધિકારિક મંડલ સ્થોકતેઃ = કારણ કે એવું કથન અધિકારીઓના લોકોમાં રહેલા ભોગોનો ઉપભોગ કરવા માટે જ છે.

ભાવાર્થ
જો કોઈ એવું કહેતું હોય કે ઉપનિષદમાં એ મહાપુરૂષની યોગ્યતા વર્ણવતાં એ સામ્રાજ્યને મેળવે છે, ઈચ્છાનુસાર લોકોમાં જવાની શક્તિ પામે છે, સ્વરાટ્ બને છે, એવું કથન હોવાથી એનો અધિકાર જગતની રચનાદિ પ્રવૃત્તિમાં પણ મનાયેલા છે, તો એમ કહેવાનું બરાબર નથી. કારણ કે એને લોકલોકાન્તરમાં વિહરવાની ને ભોગ ભોગવવાની શક્તિ મળે છે એનો સ્વીકાર કરવામાં આવ્યો છે પરંતુ એ જગતની રચનાદિનો અધિકાર નથી મેળવી શકતો.

१९. विकारावर्ति च तथा हि स्थितिमाह  ।

અર્થ
ચ = એ ઉપરાંત.
વિકારાવૃત્તિ = એ મુક્તાત્મા મહાપુરૂષ જન્માદિ વિકારોથી રહિત બ્રહ્મરૂપી ફળનો આસ્વાદ લે છે.
હિ = કારણ કે.
તથા = એની એવી.
સ્થિતિમ્ = સ્થિતિ.
આહ = શ્રુતિએ કહેલી છે.

ભાવાર્થ
એનો અર્થ એવો નથી કે એ મહાપુરૂષ દેવોની પેઠે કેવળ ભોગોપભોગનું જ સામર્થ્ય પ્રાપ્ત કરે છે. એવા મહાપુરૂષને માટે ભોગોપભોગની શક્તિની પ્રાપ્તિ થવી એ કાંઈ મહત્વની વાત નથી હોતી. મહત્વની વાત તો એ છે કે એ મહાપુરૂષને પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે. એને પરબ્રહ્મના સાનિધ્યનો લાભ મળે છે. તૈત્તિરીય ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘આ જીવાત્મા જ્યારે જોવામાં ના આવનારા, શરીર રહિત, અનીર્દેશ્ય, બીજાનો આશ્રય ના લેનારા, પરમાત્મામાં નિર્ભયતાપૂર્વક સ્થિતિ પામે છે ત્યારે નિર્ભયપદને મેળવી લે છે.’ એવી અલૌકિક અવસ્થાની પ્રાપ્તિ કેવળ ભોગોપભોગ કરનારા સામાન્ય અથવા અસામાન્ય દેવોને નથી થઈ શકતી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *