Saturday, 21 December, 2024

Adhyay 4, Pada 4, Verse 20-22

176 Views
Share :
Adhyay 4,  							Pada 4, Verse 20-22

Adhyay 4, Pada 4, Verse 20-22

176 Views

२०. दर्शयतश्चैवं प्रत्यक्षानुमाने ।

અર્થ
પ્રત્યક્ષાનુમાને = શ્રુતિ અને સ્મૃતિ.
ચ = પણ.
એવમ્ = એમ જ.
દર્શયતિ = દર્શાવે છે.

ભાવાર્થ
અત્યાર સુધી કહેલી વાતનું સમર્થન શ્રુતિ તથા સ્મૃતિ બંને પરથી થઈ રહે છે. છાંદોગ્ય ઉપનિષદ એ મુક્તાત્મા મહાપુરૂષને માટે કહે છે કે ‘એ પરમ જ્યોતિને પામીને પોતાના વાસ્તવિક મૂળભૂત સ્વરૂપથી સંપન્ન થઈ જાય છે. એ આત્મા છે, અમૃત, અભય અને બ્રહ્મ છે.’ ગીતામાં પણ જણાવે છે કે ‘મારા પરમજ્ઞાનને પામીને મારી સંનિધિમાં આવનારા ઉત્પન્ન નથી થતા અને પ્રલય વખતે નાશ પણ નથી પામતા.’ (અધ્યાય ૧૪, શ્લોક ૨નો ભાવાર્થ)

२१. भोगमात्रसाम्यलिङ्गाच्च ।

અર્થ
ભોગ માત્ર સામ્યલિંગાત્ = ભોગ માત્રમાં સમતારૂપી લક્ષણથી.
ચ = પણ. (એ સાબિત થાય છે કે એનો જગતની રચનાદિમાં અધિકાર નથી હોતો.)

ભાવાર્થ
બ્રહ્મલોકમાં રહેતા મુક્તાત્મા મહાપુરૂષને સ્થૂળ શરીરથી કે સૂક્ષ્મ શરીરથી વિભિન્ન ભોગોને ભોગવવા છતાં પણ, કોઈ પ્રકારનો લેપ નથી લાગતો. એ બાબતમાં બ્રહ્માની સાથે એની સમતા છે. કારણ કે બ્રહ્મા પણ ભોગ માત્રથી નિર્લેપ અથવા અલિપ્ત રહે છે. એ છતાં પણ એ જગતની રચના જેવી પ્રવૃત્તિ નથી કરતો.

२२. अनावृत्तिः शब्दादनावृत्तिः शब्दात् ।

અર્થ
અનાવૃત્તિઃ = બ્રહ્મલોકમાં પ્રવેશેલા મહાપુરૂષનો પુનર્જન્મ નથી થતો.
શબ્દાત્ = એ વાત શ્રુતિના શબ્દોથી સિદ્ધ થાય છે.
અનાવૃત્તિઃ = પુનર્જન્મ નથી થતો.
શબ્દાત્ = એ વાત શ્રુતિના શબ્દોથી સિદ્ધ થાય છે.

ભાવાર્થ
મુક્તાત્મા મહાપુરૂષની શક્તિ જો એવી રીતે સીમિત હોય, એનાથી સૃષ્ટિ રચના જેવી પ્રવૃત્તિ ના થઈ શકતી હોય, તો તો પછી ભોગોપભોગનો સમય પૂર્ણ થતાં એનું પુનરાગમન પણ થતું હશે, એવો વિચાર સહેજે ઉદ્ ભવે. તો એના સ્પષ્ટીકરણ માટે આ સૂત્રમાં જણાવે છે કે છાંદોગ્ય તથા બૃહદારણ્યક ઉપનિષદમાં વારંવાર કહ્યું છે કે બ્રહ્મલોકમાં ગયેલા મહાપુરૂષની પુનરાવૃત્તિ નથી થતી. એ ત્યાંથી પાછો નથી ફરતો. એ વાત સાચી છે.

ગીતાના પંદરમાં અધ્યાયમાં પણ જણાવ્યું છે કે જેને પામીને પાછું ફરવું નથી પડતું તે મારૂં પરમધામ છે.
यद् गत्वा न निवर्तन्ते तद् धाम् परमं मम ।

આ સૂત્રની સાથે બ્રહ્મસૂત્ર ગ્રંથની પરિસમાપ્તિ થાય છે. એના રચયિતા મહર્ષિ વ્યાસને પ્રણામ ! પુનઃપુનઃ પ્રણામ !
   
અધ્યાય ૪ – પાદ ૪ સંપૂર્ણ
અધ્યાય ૪ સંપૂર્ણ
સ્વનામધન્ય મહર્ષિ વ્યાસકૃત વેદાંતદર્શન અથવા બ્રહ્મસૂત્ર સંપૂર્ણ
.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *