Saturday, 16 November, 2024

એકનિષ્ઠ ગુરુભક્તિ

312 Views
Share :
એકનિષ્ઠ ગુરુભક્તિ

એકનિષ્ઠ ગુરુભક્તિ

312 Views

Many stories of devotion to spiritual master galore. In Mahabharat – Adi Parva, a tale of devoted disciples of Guru Apod Dhaumya is mentioned.

Aaruni, upon the command of his Guru went to the farmland to stop water. He was unable to stop the flow of water, so he himself laid down at the place of leakage !

Another disciple, Upmanyu was commanded to take care of ashram’s cattles.  He was surviving on alms to feed himself. Upon Guru’s command he stopped it and started cow milk. Knowing it, Guru asked to stop it. When he had nothing to survive on, he ate wild leaves and lost his sight. As a result, he fell in the well. His Guru asked him to pray to Ashwinikumars. They were pleased with his prayers and appeared with food. However, Upmanyu refused to take anything without his Guru’s permission. Satisfied with his devotion, they returned his lost sight as well as blessed him. 

ગુરુની કૃપા શું ના કરે ?  સર્વ સાંસારિક સુખ અને ઐશ્વર્ય તો ધરે જ, પરંતુ એનાથી આગળ વધીને માનવને અસત્યમાંથી પરમ સત્ય પાસે પહોંચાડે, અવિદ્યારૂપી અંધકારમાંથી મુક્તિ આપીને પ્રજ્ઞાના પવિત્રતમ પ્રદેશમાં પ્રવેશ કરાવીને પ્રજ્ઞાનસ્વરૂપ પરમાત્માનો પરિચય કરાવે, અને મૃત્યુના પાશને તોડી નાખીને અમૃતમય બનાવે. નરમાંથી નારાયણ કરે. ગુરુકૃપાના કલ્યાણકારક કલ્પવૃક્ષનો જેને પણ લાભ મળે તે સર્વપ્રકારે સર્વસ્થળે કૃતાર્થ બને. એને લાલસા કે વાસના રહે જ નહીં. એ છેવટે સંપૂર્ણપણે અકામહત્ નિર્મળ, નિર્વાસનિક બની જાય.

ગુરુની એવી અસાધારણ અમોઘ કૃપાને પામવા માટે શિષ્યમાં અસામાન્ય અતૂટ શ્રદ્ધાભક્તિ જોઇએ. ગુરુને માટે સંપૂર્ણ સમર્પણભાવ અને એનાથી પ્રેરાઇને ગુરુના આદેશને અનુસરવાની તૈયારી જોઇએ. ગુરુ જે કહે છે કે કરે છે તે મંગલને માટે જ કરે છે અને કહે છે એવો દૃઢ અચળ વિશ્વાસ જોઇએ. સાનુકૂળ સંજોગોમાં તો એવો વિશ્વાસ ટકે અથવા અકબંધ રહે પરંતુ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ હાલે કે ડગે નહીં ત્યારે અતિશય આશ્ચર્યકારક ઠરે ને કલ્યાણ કરે. એમાં કોઇ પ્રશ્ન ના હોય, શંકા ના હોય, ફરિયાદ ના હોય. પોતાનું મોટામાં મોટું બલિદાન આપવું પડે તોપણ તેને માટેની સહર્ષ તૈયારી કે તત્પરતા હોય. પોતે કોઇ નાનું કે મોટું બલિદાન આપે છે એવી લાગણી જ ના હોય. એવો શિષ્ય ગુરુકૃપાથી જીવનની મરુભૂમિમાંથી સ્વર્ગની સૃષ્ટિ કરી શકે. મૃત્યુના મુખમાંથી અમૃતના અલૌકિક અક્ષયપાત્ર સાથે બહાર આવી શકે.

ગુરુ પ્રત્યેની એવી અચળ અખૂટ શ્રદ્ધાશક્તિ અતિશય વિરલ હોય છે. તેનો પાવન પ્રકાશ કોઇક સુપાત્રના જ જીવનમાં પ્રગટી શકે છે.

મહાભારતમાં એવા વિરલ, અસાધારણ શ્રદ્ધાભક્તિવાળા શિષ્યની કથા આવે છે. એ શિષ્યનું નામ આરુણિત.

એના ગુરુ આપોદ ધૌમ્યના ત્રણ શિષ્યો હતાઃ ઉપમન્યુ, આરુણિ અને વેદ.

એ ત્રણમાંથી આરુણિ પાંચાલ દેશનો નિવાસી હતો.

ગુરુ આપોદ ધૌમ્યે એને એક વાર ખેતરમાં ક્યારીએ જવાની ને પાળ બાંધવાની આજ્ઞા કરી.

ગુરુની આજ્ઞાનુસાર એ ખેતરમાં ક્યારી પાસે પહોંચ્યો પરંતુ પ્રયત્ન કરવા છતાં પણ બરાબર અભ્યાસ ના હોવાથી, પાળ ના બાંધી શક્યો ત્યારે એને ખૂબ જ દુઃખ થયું.

ગુરુની આજ્ઞાના પાલન માટે એણે એક વિકલ્પ શોધ્યો. પાણીને રોકવા માટે ક્યારીની પાળની જગ્યાએ એ પોતે જ સૂઇ ગયો. એથી પાણી ક્યારીમાંથી બહાર ના ગયું અને એને સંતોષ થયો.

ઉપાધ્યાય આમોદ ધૌમ્યને એની આવશ્યકતા પડતાં શિષ્યો પાસેથી માહિતી મેળવીને  એમણે ખેતરમાં જઇને આરુણિને બોલાવવા બૂમ પાડી. બૂમ સાંભળીને આરુણિ ક્યારી આગળથી ઊભો થઇને તરત જ એમની પાસે આવીને પૂજ્યભાવે પ્રણામ કરીને કહેવા માંડયોઃ “ક્યારડામાંથી નીકળતું પાણી રોકાતું નહોતું અને પાળ બંધાતી નહોતી એટલે પાણીને રોકવા માટે પાળની જગ્યાએ હું પોતે જ સૂઇ ગયેલો. આપે મને બોલાવ્યો માટે હું આવી પહોંચ્યો છું મને ઉચિત લાગે તે આદેશ આપો.”

ગુરુએ જણાવ્યું : “તું ક્યારડાને ભેદીને ઉપરથી આવેલો હોવાથી તારું નામ ઉદ્દાલક રહેશે. તેં મારા આદેશને પરિપૂર્ણપણે પાળ્યો હોવાથી તારું સર્વપ્રકારે કલ્યાણ થશે. તને વેદોનો અને ધર્મશાસ્ત્રોનો પ્રકાશ સાંપડશે.”

એમના અમોઘ આશીર્વાદથી આનંદ પામીને એ પોતાના દેશમાં ગયો.

ગુરુએ કરેલી સેવાભાવનાની ને શ્રદ્ધાભક્તિની કપરી કસોટીમાંથી સફળતા તથા પ્રસન્નતાપૂર્વક પાર ઊતરીને એમના અસીમ અનુગ્રહને અનુભવીને એ ધન્ય બન્યો.

પોતાના બીજા શિષ્ય ઉપમન્યુને ગુરુ આપોદ ધૌમ્યે ગાયોનું રખવાળુ કરવાનો આદેશ આપવાથી ઉપમન્યુ ગાયોને સાચવવા લાગ્યો.

એ દિવસે ગાયોને ચારતો ને સાંજે ગુરુગૃહે પહોંચીને ગુરુને પ્રણામ કરતો.

ગુરુએ એને હૃષ્ટપુષ્ટ જોઇને એના આહાર વિશે પૂછ્યું તો એણે ઉત્તર આપ્યો કે હું ભિક્ષા લાવીને જીવનનિર્વાહ કરું છું.

ગુરુએ જણાવ્યું કે મને અર્પણ કર્યા વિના ભિક્ષા ના જમાય એટલે એણે એ દિવસથી ભિક્ષાન્ન લાવીને એમને અર્પણ કરવા માંડયું.

ભિક્ષાનું સઘળું અન્ન ગુરુદેવ આરોગી જતા હોવાથી એને ખાવા માટે કશું જ ના રહેતું. તોપણ દિવસો પછી પણ એ એવો જ પ્રતાપી ને શક્તિશાળી દેખાયો ત્યારે એમણે એના રહસ્યને જાણવાની ઇચ્છાથી એના ભોજન વિશે પૂછ્યું તો એણે આશ્ચર્યકારક રીતે સ્પષ્ટીકરણ કરતાં જણાવ્યું કે પ્રથમ વાર આણેલી ભિક્ષા આપની સૂચનાનુસાર આપને અર્પણ કરીને બીજી વારની ભિક્ષા પર મારો નિર્વાહ કરું છું.

ગુરુએ જણાવ્યું કે ગુરુકુળમાં રહેનારને માટે એ પ્રકારની પ્રવૃત્તિ સારી ના ગણાય. એવી પ્રવૃત્તિથી ભિક્ષાન્ન પર નિર્વાહ કરનારા બીજાની ભિક્ષામાં તું કાપ મૂકે છે ને બીજાની સમસ્યાને સરળ કરવાને બદલે ગંભીર બનાવે છે.

ઉપમન્યુએ એવું ના કરવાની બાંયધરી આપી. એણે આખા દિવસ પર્યંત ગુરુની સુચનાનુસાર ગાયોની સેવા કરીને સાંજે એમની પાસે પહોંચી પ્રણામ કરવા માંડયા.

એમણે એને એક દિવસ પૂછ્યું કે તું તારી સઘળી ભિક્ષા મને અર્પણ કરે છે તે મારા કહ્યા પ્રમાણે ફરી વાર ભિક્ષા માટે નથી જતો તોપણ આટલો બધો સ્વસ્થ કેમ છે ?

ઉપમન્યુએ જણાવ્યું કે હું ગાયોનું દૂધ પીને આજીવિકા ચલાવું છું.

ગુરુએ એવી રીતે દૂધ પીવાના કામને અનૈતિક ઠરાવીને તેના પર પ્રતિબંધ ફરમાવ્યો તોપણ ઉપમન્યુનું સ્વાસ્થ્ય દિવસો પછી પણ સારું રહ્યું. ગુરુ દ્વારા એના રહસ્ય વિશે પૂછવામાં આવતાં એણે સ્પષ્ટીકરણ કર્યું કે ગાયોનાં વાછરડાં પોતાની માતાના આંચળને ધાવતી વખતે ફીણને બહાર કાઢે છે તે ફીણ મારો ખોરાક થાય છે.

ગુરુએ એને એ ફીણનો ઉપભોગ કરવાની ના પાડીને જણાવ્યું કે વાછરડાં તારા પર કરુણા કરીને જે ફીણ બહાર કાઢે તે ફીણને પીને તું તેમના જીવનનિર્વાહમાં અડચણ પેદા કરે છે.

એથી એણે ગાયોના દૂધના ફીણનો ઉપભોગ કરવાનું છોડી દીધું.

ગુરુના આદેશનું અનુસરણ એને મન એના જીવનનું સારસર્વસ્વ હતું.

ક્ષુધાથી અતિશય પીડિત થઇને એણે એક દિવસ વનમાં વિહાર કરતાં આકડાનાં પાંદડાં ખાધાં.

ખારાં, તીખાં, કડવાં, સૂકા જેવા અને પેટમાં અગન પેદા કરનારાં આકડાનાં પાનના પ્રાશનથી આંખમાં અતિશય ગરમી વ્યાપવાથી એ અંધ બન્યો, અને વનમાં વિહરતાં કૂવામાં પડી ગયો.

સૂર્યાસ્ત થવા છતાં પણ એનું આશ્રમમાં આગમન ના થવાથી ગુરુને એની ચિંતા થઇ ને જાતજાતના તર્કવિતર્કો થવા લાગ્યા.

શિષ્યોની સાથે વનમાં જઇને એમણે એને બોલાવવા માટે બૂમો પાડી ત્યારે એમની બૂમોને સાંભળીને એણે આર્ત અવાજે જણાવ્યું કે હું કૂવામાં પડ્યો છું. અતિશય અસહ્ય ક્ષુધાને સંતોષવા માટે આકડાનાં પાંદડાને ખાવાથી હું અંધ બન્યો છું.

ગુરુએ પરમકરુણાથી પ્રરાઇને જણાવ્યું કે તું દેવોના ગુરુ અશ્વિનીકુમારોની સ્તુતિ કર તો એ પ્રસન્ન બનીને તને અંધત્વમાંથી મુક્ત કરીને અભિનવ દૃષ્ટિ પ્રદાન કરશે.

ઉપમન્યુએ અશ્વિનીકુમારોની સ્તુતિ કરી. એ સ્તુતિથી પ્રસન્ન બનીને એની સમક્ષ પ્રગટીને એને માલપૂડો પ્રદાન કર્યો.

ઉપમન્યુએ તે માલપૂડાને ખાધો નહીં ત્યારે અશ્વિનીકુમારોએ સ્પષ્ટતા કરી કે તારા ગુરુએ પૂર્વે કરેલી અમારી પ્રશસ્તિથી પ્રસન્ન બનીને અમે એમને જે માલપૂડો અર્પણ કરેલો એ માલપૂડાને એમણે એમના ગુરુને અર્પણ કર્યા વિના જ આરોગેલો. એવી સ્પષ્ટતા છતાં પણ એણે ગુરુને અર્પણ કર્યા સિવાય માલપૂડાને ખાવાનો ઇન્કાર કર્યો ત્યારે અશ્વિનીકુમારે પરમ સંતોષ પામીને એને અમોઘ આશીર્વાદ અને વરદાન આપતાં જણાવ્યું કે તારી આવી એકનિષ્ઠ ગુરુભક્તિથી અમે પ્રસન્ન થયા છીએ. તારા ગુરુને તો લોઢા જેવા કાળા દાંત છે પરંતુ તારા દાંત સોનાના થશે. તને દૃષ્ટિની પુનઃ પ્રાપ્તિ થશે અને તારું સર્વપ્રકારે મંગલ થશે.

ઉપમન્યુએ સુંદર અભિનવ દૃષ્ટિથી સંપન્ન બનીને સદગુરુ પાસે પહોંચીને સઘળી કથા કહી સંભળાવી. એની ગુરુભક્તિથી પરમ પ્રસન્ન બનીને ગુરુએ એને આશીર્વાદ આપતાં જણાવ્યું કે તને સર્વે વેદો તથા શાસ્ત્રોનો પ્રકાશ સાંપડશે.

એની ગુરુભક્તિ આખરે ફળી. ગુરુની એકનિષ્ઠ ભક્તિના માર્ગમાં આરંભમાં અનેક પ્રકારની આકરી અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે. સામાન્ય શિષ્યોનાં મન એથી ડગી જાય છે પરંતુ અસામાન્ય મનોબળવાળા શ્રદ્ધાભક્તિસંપન્ન આત્માઓ એથી ચલાયમાન નથી થતા. સરવાળે એમને લાભ જ પહોંચે છે. આકરી અગ્નિપરીક્ષામાં પણ એમને તો આનંદ જ આવે છે. ઉપમન્યુનું ઉદાહરણ એની સાક્ષી પૂરે છે.

મહાભારતમાં ઉપમન્યું દ્વારા કરાયેલી અશ્વિનીકુમારોની સ્તુતિનો સારભાગ આ પ્રમાણે છેઃ

“હે અશ્વિનીકુમારો, તમે સૃષ્ટિની પહેલાં હતા અને હિરણ્યગર્ભરૂપે પ્રથમ પ્રગટેલા. તેમ જ વિચિત્ર પ્રપંચાકારે પ્રકાશી રહ્યા છો. દેશકાળ અને વસ્તુકૃત વિભાગથી રહિત, અનંત છો. હું વાણી તથા તપ દ્વારા થમને આત્મસ્વરૂપમાં પામવા ઇચ્છું છું. “

“તમે વૃત્તિ તથા ચૈતન્યનું રૂપ ધારીને પ્રકાશી રહ્યા છો. શરીરરૂપી વૃક્ષ પર વિહંગની પેઠે વિરાજી રહ્યા છો. પ્રકૃતિગત વિક્ષેપશક્તિથી સમસ્ત સૃષ્ટિને સરજો છો. સત્વ, રજ તથા તમ ત્રણે ગુણોથી રહિત અને મનવાણી અગોચર છો.”

“તમે અમાપ છો, જ્યોતિર્મય છો, સંગરહિત છો. લય પામતા જગતના અધિષ્ઠાનરૂપ છો, અને એ છતાં પણ ભ્રમ તેમ જ ક્ષયથી રહિત છો. તમે સૂર્યને ઉત્પન્ન કરીને દિવસ અને રાતરૂપી શુકલ તથા કૃષ્ણ તંતુઓથી વરસરૂપી વસ્ત્રને વણો છો. એ વર્ષરૂપી વસ્ત્રથી વેગપૂર્વક દેવમાર્ગ અને પિતૃમાર્ગનું નિર્માણ કરો છો, અથવા કર્મફળના ઉપભોગની વ્યવસ્થા કરો છો. પરમાત્માની કાળશક્તિથી ગળાયેલા જીવરૂપી પક્ષીને મોક્ષનું સર્વશ્રેષ્ઠ સૌભાગ્ય આપતાં તમે મુક્ત કરો છો. રાગાદિ વિષયોમાં જકડાઇ રહેલા મૂર્ખ જીવો ઇન્દ્રિયોમાં આસક્તિ કરીને ભાન ભૂલે છે ત્યાં સુધી તમને શરીરરૂપે સમજે છે.”

“દિવસ-રાતરૂપી ત્રણસો સાઠ ગાયો સૌને જન્માવનારા ને નષ્ટ કરનારા વરસરૂપી વાછરડાને જન્માવે છે. તત્વજ્ઞાનરૂપી દૂધને દોહી લે છે. હે અશ્વિનીકુમારો, તે વરસરૂપી વાછરડાને જન્માવનાર તમે જ છો. હું જન્માદિ દુઃખથી ખૂબ જ દુઃખી છું. તમે પ્રથમ દસ દિશાની, સૂર્યની, આકાશની રચના કરી છે. એ સૂર્યે પ્રકાશિત કરેલી દિશાઓ અને કાળને અનુસરીને ઋષિઓ સઘળાં વેદાનુકૂળ કર્મો કરે છે અને દેવો તથા મનુષ્યો પોતપોતાના અધિકારને અનુસરીને ઐશ્વર્ય ભોગવે છે.”

“તમે પંચતન્માત્રાઓને રચી છે અને એમનું પરસ્પર સંમિશ્રણ કરીને જુદા જુદા પદાર્થો બનાવ્યા છે. એમનામાંથી ચૌદ ભુવનની સૃષ્ટિ થઇ છે. શરીર, બુદ્ધિ, ઇન્દ્રિયરૂપી વિકારને વશ થઇને સર્વે જીવો વિષયોને ભોગવી રહ્યા છે. દેવ, માનવ, પશુ આ અવનિનો આશ્રય લઇ રહ્યા છે. હે સુપ્રસિદ્ધ અશ્વિનીકુમારો, હું તમારી પૂજા કરું છું. તમે ઉત્પન્ન કરેલાં આકાશનાં અનંત કાર્યોની પણ પૂજા કરું છું. કર્મના ઇપ્સિત ફળ સિવાય દેવોના મનોરથો પણ સિદ્ધ નથી થતા. તમે તે કર્મફળના પ્રદાતા છો. નિત્યમુક્ત છો.”

“હે અશ્વિનીકુમારો, સંસારના માર્ગે મૂઢ બનીને મેં મારી આંખને ખોઇ નાખી છે. તમને નિહાળવાની ને તમારી સ્તુતિ કરવાની શક્તિથી હું વંચિત છું. હું આ ભયંકર કૂપમાં પડ્યો છું, તેવી રીતે ભવકૂપમાં પણ પડ્યો છું ને તમારે શરણે આવ્યો છું.”

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *