Sunday, 22 December, 2024

અર્જુને ભીષ્મને ઉશીકું આપ્યું

240 Views
Share :
અર્જુને ભીષ્મને ઉશીકું આપ્યું

અર્જુને ભીષ્મને ઉશીકું આપ્યું

240 Views

{slide=Arjuna comfort Bhishma on his deathbed}

Learning from Bhishma’s revelation, Pandavas made a plan. Accordingly Shikhandi led their fight against Kauravas the following day. Shikhandi was female in his previous birth. When Bhishma saw him leading the fight, bound by his own principles, he gave up his arms. Arjuna seized the opportunity and pierced Bhishma’s body with countless arrows. It was the time of sunset when invincible Bhishma finally fell down on earth from his chariot.

As soon as Duryodhan, Karna, Drona, Krupacharya and other warriors got this news, they assembled and encircled Bhishma. Bhishma’s body was so badly pierced by arrows that it didn’t touch the ground! Only his head was void of arrows so he needed something to rest his head on. Bhishma requested and in no time, nice pillows were presented to Bhishma. Bhishma refused to use them as he believed that those pillows won’t suit a warrior like him. Arjun understood the meaning of Bhishma’s utterances. He used three arrows and set them in such a way that Bhishma could rest his head on. Bhishma was happy at Arjun’s gesture.

Bhishma had a boon to choose time of his death. He declared that it was not an appropriate time to leave his physical body so he would hold on until sun begins its northbound journey. Bhishma’s life was extraordinary and so was his end.

મહાભારતમાં કહ્યા પ્રમાણે સવારે સૂર્યનો ઉદય થતાં ભેરી, મૃદંગ આનક જેવાં રણવાજિંત્રો વાગવા લાગ્યાં.

યુદ્ધના વિશાળ મેદાનમાં ઠેર ઠેર શ્વેતરંગના શંખો ફુંકાવા માંડયા.

પાંડવો શિખંડીને આગળ કરીને યુદ્ધ માટે નીકળી પડયા.

શત્રુઓને માટે મહાવિનાશક મહાવ્યૂહ રચીને પાંડવોએ શિખંડીને સઘળી સેનાની આગળ રાખેલો.

પાંડવ યોદ્ધાઓ શિખંડીની આસપાસ ઊભા રહીને એની રક્ષા કરી રહેલા.

શિખંડીએ ભીષ્મપિતામહને મારવાનો સંકલ્પ કરેલો.

ક્રોધાયમાન થયેલા સર્પ જેવા અને પ્રલયકાળના સાક્ષાત્ યમ જેવા જણાતા ભીષ્મને શિખંડીએ ત્રણ બાણોનો પ્રહાર કરીને છાતીમાં વીંધી નાંખ્યા. છતાં પણ તેની સાથે યુદ્ધ કરવા માટે નહીં ઇચ્છતા ભીષ્મપિતામહ ક્રોધપૂર્વક હસીને તેને કહેવા લાગ્યા કે તું મારા પર પ્રહાર કરે અથવા ના કરે; પરંતુ હું તારી સાથે યુદ્ધ કરવાનો નથી. વિધાતાએ તને પહેલાં જે સ્ત્રી તરીકે ઉત્પન્ન કરી હતી તે જ તું શિખંડિની છે.

ભીષ્મના શબ્દોને સાંભળીને શિખંડી ક્રોધથી તપી ઊઠ્યો અને કહેવા માંડયો કે તમને હું સારી રીતે ઓળખું છું. પરશુરામની સાથેનું તમારું યુદ્ધ પણ મારા સાંભળવામાં આવ્યું છે. તમારો દિવ્યપ્રભાવ મેં ઘણી વખત સાંભળ્યો છે. તમારા સ્વભાવને જાણવા છતાં હું પાંડવોનું પ્રિય કરવાને તથા મારી જાતને સફળ કરવાને આજે તમારી સાથે યુદ્ધ કરીશ. તમારી આગળ સત્યના સોગંદ ખાઇને કહું છું કે આજે હું તમને અવશ્ય મારીશ; માટે મારી વાતને સાંભળીને તમારે જે કરવું હોય તે કરો. આજે તમે મારા પર પ્રહાર કરો યા ના કરો, પણ હું તમને જીવતા છોડવાનો નથી. આજે તમે સારી રીતે આ સંસારનું  છેલ્લું દર્શન કરી લો.

એ સંગ્રામમાં સેંકડો ને હજારો યોદ્ધાઓનો સંહાર કર્યા પછી ભીષ્મપિતામહના શરીર પર બે આંગળ જેટલી જગ્યા પણ ઘા વિનાની રહી નહોતી. અર્જુનના બાણોથી છિન્નભિન્ન થયેલા ભીષ્મપિતામહ સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતો એ સમયે, પૂર્વ તરફ રહેલા મસ્તકે રથ ઉપરથી નીચે પડયા.

ભીષ્મપિતામહને રથ પરથી પડતા જોઇને મહારથીઓનાં મન પણ તેમની સાથે જ પડી ગયાં. તેમનું શરીર અનેક બાણોના સમૂહથી ભરાઇ ગયું હતું એટલે તેઓ પૃથ્વીનો સ્પર્શ કરી શકતા ન હતા.

રથમાંથી પડેલા અને બાણશૈયામાં સૂતેલા એ મહાધનુર્ધર પુરુષશ્રેષ્ઠમાં દિવ્યભાવનો પ્રવેશ થયો. તે વખતે મંદ મંદ વરસાદ વરસવા લાગ્યો, તથા પૃથ્વી કંપવા લાગી. નીચે પડતાં ભીષ્મને જણાયું કે અત્યારે દક્ષિણાયનના સૂર્ય છે, તેથી આ અશુભ કાળ છે. એ પોતાના પ્રાણને ધારી રાખવા માટે સંપૂર્ણ સાવધ થયા.

ભીષ્મપિતામહે વિચાર્યું કે જ્યાં સુધી સૂર્ય દક્ષિણાયનમાં રહેશે ત્યાં સુધી હું મારા પ્રાણને છોડીશ નહીં. જ્યારે સૂર્ય ઉત્તરાયણના થશે ત્યારે જ હું મારા પુરાતન સ્થળે જઇ શકીશ. ઉત્તરાયણની રાહ જોઇને હું મારા પ્રાણને ઘારી રાખીશ. હું મારી ઇચ્છા પ્રમાણે પ્રાણને ધારી શકું છું. મારા પિતાએ મને સ્વેચ્છામૃત્યુનું વરદાન આપ્યું છે. એ વરદાનના પ્રભાવથી હું મારા પ્રાણનો ત્યાગ કરવામાં સંપૂર્ણપણે સ્વતંત્ર છું.

ભીષ્મપિતામહને શરશય્યા પર સૂતેલા જોઇને પાંડવો અને સૃંજયો આનંદના સિંહનાદો કરવા લાગ્યા. કૌરવોમાં ખૂબ જ ગભરાટ ફેલાઇ રહ્યો. કૃપાચાર્ય અને દુર્યોધન નિઃશ્વાસ નાખીને રડવા લાગ્યા, તેમજ ઘણા વખત સુધી શોકમગ્ન બની ગયા.

પાંડવો વિજયને મેળવીને જાણે પરલોકમાં શ્રેષ્ઠ ગતિ પામ્યા હોય તેમ આનંદિત થઇને પોતાના મોટા મોટા શંખોને ફૂંકવા લાગ્યા. સોમકો અને પાંચાલો પણ હર્ષમાં આવી ગયા. તેમના આખા સૈન્યમાં હજારો વાજિંત્રો વાગી રહ્યાં.

કેટલાક યોદ્ધાઓ રુદન કરવા લાગ્યા, કેટલાક ત્યાંથી નાસી ગયા, અને બીજા કેટલાક આશ્ચર્યચકિત બની ગયા. કેટલાક યોદ્ધાઓ ક્ષાત્રધર્મની નિંદા કરવા તો કેટલાક ભીષ્મના વખાણ કરવા લાગ્યા.

પરમ બુદ્ધિમાન અને વીર્યવાન શાંતનુનંદન ભીષ્મ મહાઉપનિષદ તથા યોગમાર્ગનો આશ્રય કરીને, પ્રણવમંત્રના જપ કરીને, ઉત્તરાયણના સમયની પ્રતીક્ષા કરી રહ્યા.

છિન્નભિન્ન થયેલાં કવચ અને ધ્વજાવાળા શાંતનુપુત્ર ભીષ્મને જોઇને કૌરવો તથા પાંડવો તેમની આસપાસ વીંટાઇ વળ્યા. શાન્તનુનંદન ભીષ્મના પતન સમયે આકાશ અંધકારથી આવૃત થઇ ગયું, સૂર્ય ઝાંખો પડી ગયો, અને પૃથ્વી આર્તનાદ કરવા લાગી.

આચાર્ય દ્રોણને ભીષ્મના સમાચાર કહી સંભળાવ્યા ત્યારે તે અપ્રિય સમાચારને સાંભળીને એમને મૂર્ચ્છા આવી ગઇ.

રાજાઓ પોતાના કવચોને ઉતારીને ભીષ્મપિતામહ પાસે પહોંચવા લાગ્યા. બીજા યોદ્ધાઓ પણ યુદ્ધમાંથી વિરામ પામીને દેવો જેમ બ્રહ્મા પાસે જાય તેમ, ભીષ્મપિતામહ પાસે પહોંચીને ઊભા રહ્યા.

પોતાની સમક્ષ પ્રણામ કરીને ઊભેલા કૌરવોને તથા પાંડવોને જોઇને ભીષ્મપિતામહે કહ્યું કે મારા મસ્તકને ઊંચુ કરવા માટે મને ઉશીકું આપો.

તેમના શબ્દો સાંભળીને સર્વરાજાઓ સારાં સારાં સુંદર અને કોમળ ઉશીકાં લાવ્યા પરન્તુ ભીષ્મપિતામહે તે ઉશીકાંને લેવાની ઇચ્છા ના કરી. તેમણે તે ઉશીકાંને વીરશય્યાને યોગ્ય ના માન્યાં અને અર્જુનને વીરશય્યાને યોગ્ય લાગે એવું ઉશીકું લાવવા જણાવ્યું.

અર્જુને મંત્રપૂર્વક મહાવેગવાળાં ત્રણ તીક્ષ્ણબાણોને મૂકીને તેમના મસ્તકને ઊંચું કર્યું.

અર્જુન પોતાના અભિપ્રાયને સમજી ગયો એ જોઇને ધર્મના તાત્વિક અર્થને જાણનારા ધર્માત્મા ભરતશ્રેષ્ઠ ભીષ્મ તેના પર અત્યંત પ્રસન્ન થયા. તેમણે તેની પ્રશંસા કરી.

એમણે પોતાની સામે ઉભેલા રાજાઓ, રાજપુત્રો અને પાંડવોને જણાવ્યું કે સૂર્ય દક્ષિણાયનના મટીના ઉત્તરાયણના થશે ત્યાં સુધી હું આ શય્યામાં સૂઇ રહીશ. તે સમયે જે રાજાઓ મારી પાસે આવશે તે મને મળી શકશે. સાત ઘોડાઓથી જોડાયેલા, ઉત્તમ તેજવાળા, પોતાના રથ ઉપર બેસીને જ્યારે સૂર્યનારાયણ ઉત્તર દિશામાં જશે ત્યારે હું મારા પ્રિયજન જેવા પ્રાણનો પરિત્યાગ કરીશ. મારા નિવાસસ્થાન પાસે ખાઇઓ ખોદાવો. સેંકડો શરોમાં ખૂંપી ગયેલો હું ત્યાં સુધી સૂર્યની ઉપાસના કરીશ. તમે પારસ્પરિક વેરભાવને પરિત્યાગીને યુદ્ધને બંધ કરો.

ભીષ્મપિતામહ એ પ્રમાણે કહી રહ્યા હતા ત્યારે બાણોને ખેંચી કાઢવામાં કુશળ અને મહાવિદ્વાન ઉપાધ્યાયો પાસે સારી રીતે શિક્ષિત થયેલા વૈદ્યો ઉપચાર કરવાનાં સર્વ સાધનો સહિત ત્યાં આવી પહોંચ્યા.

તે વૈદ્યોને જોઇને ભીષ્મપિતામહે દુર્યોધનને કહ્યું કે આ વૈદ્યોને ધન આપીને તથા સત્કારીને વિદાય કરો. આવી સ્થિતિમાં મારે વૈદ્યોનું શું કામ છે ? ક્ષાત્રધર્મમાં જે ગતિ વખણાય છે તે પરમગતિને હું પામી ચૂક્યો છું. બાણશૈયામાં સૂતો છું એટલે ઉપચાર કરવા-કરાવવા એ મારો ધર્મ ના હોય. મારો અગ્નિસંસ્કાર પણ મારા શરીરમાં રહેલાં બાણોને કાઢ્યા વિના જ કરજો.

તેમના શબ્દોને સાંભળીને દુર્યોધને તે વૈદ્યોને યોગ્યતા પ્રમાણે ધનાદિથી સત્કારીને વિદાય આપી. ત્યાં ઊભેલા દેશદેશના રાજાઓ તે અમિત તેજવાળા ભીષ્મની પાસે જઇને તેમને વંદી ત્રણ વાર પ્રદક્ષિણા કરી. સઘળા વીરો સાયંકાળ થતાં પોતપોતાના તંબૂઓ તરફ ગયા.

ભીષ્મપિતામહના પતનની પાછળ ભગવાન કૃષ્ણની અસામાન્ય શક્તિએ કાર્ય કરેલું, અથવા એમના મંગલ માર્ગદર્શને મહત્વનો ભાગ ભજવેલો એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. એટલે તો યુધિષ્ઠિરે પાછળથી તે માટે એમની પ્રશંસા કરીને એમને અભિનંદન આપ્યાં. પરન્તુ કૃષ્ણ તો નમ્ર જ રહ્યા. પોતાની પ્રશંસાથી પ્રભાવિત થયા નહીં.

ભીષ્મપિતામહનું મનોબળ કેટલું બધું અદભુત કહેવાય ? એમનું શરીર શરસમૂહથી ભરાઇ ગયેલું તોપણ એ કેવા સ્વસ્થ અને શાંત હતા ? અર્જુન પાસે એમણે વીરોચિત ઉશીકું માંગ્યું. અર્જુને એને પૂરું પાડયું. શરીરની અસહ્ય વેદનાને સહીને એ ઉત્તરાયણમાં શરીરત્યાગના સંકલ્પને વળગી રહ્યા. એમણે સૌને સર્વસંહારક સંગ્રામને તિલાંજલિ આપવાની ભલામણ કરી, પરન્તુ એ ભલામણ કોઇએ માની નહીં. પરિણામે યુદ્ધ ચાલું જ રહ્યું.

ભીષ્મપિતામહનું જીવન ઉજ્જવળ હતું. તેમ મૃત્યુ પણ ઉજ્જવળ કે મંગલ બનવા સરજાયેલું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *