અર્જુનને આશીર્વાદ, દ્રુપદનો પરાજય
By-Gujju24-04-2023
અર્જુનને આશીર્વાદ, દ્રુપદનો પરાજય
By Gujju24-04-2023
One day, when Drona was having a bath in river Ganges, a crocodile caught hold of him. Drona asked his students for help. Arjuna at once used his arrows and killed the crocodile. Drona was saved. Drona blessed Arjuna with an extraordinary weapon and declared that Arjuna would become the best archer. However, few days later when all princes were tested for their skills, Karna proved his might. Looking at possible danger ahead, Pandavas opposed him calling a sut-putra and therefore demanded his disqualification. Moved by humilition of his friend, Duryodhan donated kingdom of Anga and declared Karna as King.
As study of princes came to an end, Drona asked to defeat and capture Drupada in Guru dakshina. After a dreaded fight, Pandavas succeeded in it. They brought Drupada in front of Drona. Burning in the agony of humiliation, Drona arrogantly reminded Drupada about their past friendship and asked him to accept half of his kingdom back and accept his friendship. Drupada had no choice. Drupada left in shame but resolved to take revenge of his humiliation at the hands of Drona.
જે સૌભાગ્યશાળી હોય છે તેમને લક્ષ્મી સદા સામેથી સ્મિતપૂર્વક આવીને ચાંલ્લો કરતી દેખાય છે. સફળતા અને સંપત્તિનો એમની ઉપર વરસાદ વરસે છે. એ સદા સર્વત્ર વિજયી બને છે. અર્જુનના સંબંધમાં એ વાત સાચી ઠરી.
એકવાર દ્રોણાચાર્યે પવિત્ર ગંગાપ્રવાહમાં સ્નાન કરવાની મહેચ્છાથી પ્રેરાઇને પ્રવેશ કર્યો ત્યારે એમના પગને એક અતિબળવાન મગરે પકડી લીધો.
એમના હૃષ્ટપુષ્ટ માંસલ સાથળને સકંજામાં લઇને એ મગરે એમને મારી નાખવાનો પ્રયત્ન કર્યો.
દ્રોણાચાર્ય સ્વયં સંપૂર્ણ સમર્થ હોવાં છતાં, શિષ્યમંડળને મદદ માટે બોલાવીને મગરનો નાશ કરવા અને પોતાને એના મૃત્યુપાશમાંથી મુક્તિ આપવા માટે આજ્ઞા કરી.
એ આજ્ઞાને અનુસરીને અર્જુને વિપળનાય વિલંબ વિના આગળ આવીને મગરને પાંચ સુતીક્ષ્ણ, મૃત્યુના દૂત જેવાં, બાણની મદદથી મારી નાખ્યો.
બીજા બધા શિષ્યો એના એ અભૂતપૂર્વ અલૌકિક પરાક્રમને પેખીને મૂઢની જેમ અવાક બનીને ઊભા રહ્યા અને પરમવિસ્મય પામ્યા.
એના બાણના પ્રયોગથી મગરના ટુકડેટુકડા થઇ ગયા અને પોતાની રમતમાત્રમાં કોઇપણ પ્રકારની તકલીફ વિના સહેલાઇથી રક્ષા થઇ એટલે દ્રોણાચાર્યે એને પ્રસન્ન અંતરે અભિનંદન આપીને એના પર વિશેષ અનુગ્રહનો વરસાદ વરસાવતાં જણાવ્યું કે તારા પરમ ઐતિહાસિક લોકોત્તર કલ્યાણકાર્યને લીધે તું સર્વોત્તમ શિષ્યપદે પ્રસ્થાપિત થઇ ચૂક્યો. અજોડ બની ગયો. તારા પ્રખર પરાક્રમના પુરસ્કારરૂપે હું તને બ્રહ્મશિર નામનું અમોલ અસાધારણ અસ્ત્ર આપું છું.
એ અસ્ત્રનો પ્રયોગ સામાન્ય મનુષ્યો પર ના કરીશ. એનો પ્રયોગ અલ્પ તેજવાળા સામાન્ય માનવ પર કરવામાં આવશે તો એ સમસ્ત સંસારને બાળીને સ્વાહા કરી નાખશે. આ અસામાન્ય મનાતા અસ્ત્રને ખૂબ જ જાગૃતિ અથવા નિત્ય સાવધાનીપૂર્વક ધારણ કરજે. યુદ્ધમાં તને બાધા પહોંચાડનારા કોઇ અસાધારણ શક્તિસંપન્ન શત્રુ સામે આ અલૌકિક અસ્ત્રનો ઉપયોગ કરવાથી તે તેને માટે ઘાતક નીવડશે. આ સંસારમાં તારા જેવો કોઇ બીજો ધનુર્ધર નહિ થાય; તો તારાથી વધારે મહાન તો થશે જ ક્યાંથી ? હું તને અમોલ આશીર્વાદ આપું છું કે તું પરમ કિર્તિમાન બનશે અને સર્વે શત્રુઓથી અજેય રહેશે.
દ્રોણાચાર્યે અર્પેલા એ સર્વોત્તમ શુભાશીર્વાદથી અર્જુનનું સદભાગ્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું.
એ પછી કેટલાક દિવસો વીતી ગયા પછી દ્રોણાચાર્યે હસ્તિનાપુરની રંગભૂમિમાં સઘળા કુમારોની જાહેર પરીક્ષા કરી ત્યારે અર્જુન અને કર્ણ પરાક્રમમાં સૌથી આગળ તરી આવ્યાં. ભીમે તેજોદ્વેષથી પ્રેરાઇને કર્ણનું જાહેરમાં સૂતપુત્ર કહીને અપમાન કર્યું ત્યારે માતા કુંતી મૂક રહી.
દુર્યોધને કર્ણને પુરસ્કૃત કરવા માટે અંગદેશનો રાજા બનાવ્યો.
એનો કોઇએ વિરોધ ના કર્યો. યુધિષ્ઠિર જેવા તટસ્થ પુરુષો સમજી ગયા કે કર્ણ સૌથી શ્રેષ્ઠ ધનુર્ધર છે; એને અર્જુનનો સંતોષકારક પ્રત્યુત્તર કહી શકાય.
એ પછી થોડા જ દિવસોમાં રાજા દ્રુપદના પરાજયનો ચિરસ્મરણીય પ્રસંગ ઉપસ્થિત થયો.
એ અગત્યના ઉલ્લેખનીય પરાક્રમ-પ્રસંગ પાછળ પણ દ્રોણાચાર્યના અમોઘ આશીર્વાદ કામ કરી રહેલા.
દ્રોણાચાર્યની ઇચ્છા, યોજના તથા પ્રેરણા જ એની પાછળ કારણરૂપ બનેલી.
પાંડવોને અને કૌરવોને અસ્ત્રવિદ્યામાં પરિપૂર્ણપણે પારંગત થયેલા જોઇને, દ્રોણાચાર્યે એમની પાસેથી ગુરુદક્ષિણા લેવાની મહેચ્છાથી પ્રેરાઇને, એમને એકત્ર કરીને જણાવ્યું કે તમારું સૌનું પરમ કલ્યાણ થાય એવું ઇચ્છું છું. મારી તમારી પાસેથી લેવાની ગુરુદક્ષિણા તરીકે તમે રાજા દ્રુપદ સાથે યુદ્ધ કરીને તેને પકડી લાવો.
એમના એ ઉદગારો દર્શાવે છે કે એમના અંતઃકરણમાં પડેલો અપમાનનો મર્મઘાતક ઘા હજુ રુઝાયો ન હતો. એ ઘા એવો જ અખંડ રહેલો અને વખતના વીતવા સાથે તાજો તથા બળવાન બનતો ગયેલો.
માન અને અપમાન ઉભયની પરસ્પર વિરોધી, અનુકૂળ અને પ્રતિકૂળ પ્રતિક્રિયાને શાંતિપૂર્વક સહવાનું કામ મોટા મોટા મુનિઓને માટે પણ મુશ્કેલ હોય છે. એને માટે ધાર્યા કરતાં વધારે સંગીન, શક્તિશાળી, સત્વપ્રધાન, શ્રેષ્ઠ સાધનાની આવશ્યકતા પડે છે.
દ્રોણાચાર્યની ગુરુદક્ષિણાની માગણીને સંતોષવા માટે કૌરવપાંડવ યોદ્ધાઓ પોતપોતાના રથમાં બેસીને દ્રોણાચાર્ય સાથે બહાર નીકળ્યા.
દુર્યોધન, કર્ણ, યુયુત્સુ, દુઃશાસન, વિકર્ણ, જરાસંઘ, સુલોચન અને અન્ય અનેક અતિપરાક્રમી યોદ્ધાઓએ પાંડવોની સાથે પાંચાલ દેશમાં પ્રવેશીને નગરના રાજમાર્ગ પર અધિકાર કરવા માંડયો. દ્રુપદને એની માહિતી મળવાથી એ એના ભાઇઓ સાથે રાજમહેલમાંથી વિના વિલંબે બહાર નીકળ્યો.
કૌરવકુમારોએ ગર્જના કરીને બાણનો વરસાદ વરસાવવા માંડયો એટલે સામા પક્ષ તરફથી શ્વેત રથમાં બેઠેલા યજ્ઞસેને યુદ્ધમેદાનમાં આવીને બાણ મારવા માંડયાં. બંને પ્રતિસ્પર્ધી પક્ષ વચ્ચે જોતજોતામાં સર્વસંહારક મહાભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું. દ્રુપદ પોતે બાણની જાળ વડે કૌરવોને મૂંઝવીને ચારે તરફ ફરવા તથા લડવા લાગ્યો.
થોડાક સમયની પ્રતિક્ષા પછી ભીમે, અર્જુને અને અન્ય પાંડવ યોદ્ધાઓએ યુદ્ધમાં સક્રિય ભાગ લીધો એટલે તો યુદ્ધ એની પરાકાષ્ઠાએ પહોંચી ગયું. અર્જુને દ્રુપદને બાણની પરંપરાથી હાથી પરથી નીચે પાડ્યો, તેનું ધનુષ તોડી પાડયું, ધ્વજને જમીન પર પાડી નાખ્યો, અને પાંચ બાણથી એના સારથિ અને અશ્વોને વીંધી નાખ્યા. દ્રુપદે તે ધનુષને ફેંકી દઇને બીજું બાણ સાંધવા માંડયું ત્યારે કૌન્તેયે તલવારને તાણીને સિંહગર્જના કરી. એ કૂદીને દ્રુપદના રથની ધરી પર તૂટી પડયો અને નિર્ભયતાપૂર્વક રથમાં પહોંચ્યો. એણે મદોન્મત્ત હાથીની પેઠે યેનકેન પ્રકારેણ યુદ્ધ કરતા દ્રુપદને મહાબલવાન માવતની જેમ પકડી લીધો.
એ દેખીને પાંચાલસેના યોદ્ધાઓ સાથે દસે દિશામાં દોડવા લાગી.
પાંડવો દ્રુપદને એના અમાત્ય સહિત પકડીને દ્રોણાચાર્ય પાસે લાવ્યા ત્યારે પૂર્વના પ્રતિશોધ ભાવને મનમાં ઘોળીને, ગુરુદક્ષિણા પામેલા દ્રોણાચાર્યે ગર્વભંગ થયેલા, ધન હારી ગયેલા, અધીન બનેલા દ્રુપદને જણાવ્યું કે મેં તારા દેશને જીતી લીધો છે ને તારા નગરને ઉજ્જડ કર્યું છે. તારું જીવન શત્રુના હાથમાં છે. તને આપણી પૂર્વની મિત્રતા યાદ આવે છે ?
દ્રુપદની દયનીય દશાને દેખીને દ્રોણાચાર્યનો પ્રાણ સહેજ પીગળ્યો એટલે એમણે હસીને આગળ કહ્યું કે તું પ્રાણનાશનો ભય ના રાખીશ. અમે તો ક્ષમાશીલ બ્રાહ્મણો છીએ એટલે હું તને ક્ષમા કરીશ. આપણે આશ્રમમાં સાથે રહીને શૈશવાવસ્થામાં ક્રીડા કરેલી. હું તારી સાથે ફરીથી મિત્રતા ઇચ્છુ છું. મારું વરદાન છે કે તું અડધા રાજ્યની પ્રાપ્તિ કર. જે રાજા ના હોય તે રાજાનો મિત્ર બનવા માટે યોગ્ય કહેવાય નહીં. તને તેની ખબર છે. ગંગાના જમણા તટપ્રદેશનું રાજ્ય તારું રહેશે ને ડાબા તટપ્રદેશનું મારું. તને તે વ્યવસ્થા માન્ય હોય તો મને તારો મિત્ર માની લે.
દ્રુપદે નિરુપાય હોવાથી એ વાતને માન્ય રાખીને દ્રોણાચાર્યની મિત્રતાની માગણી કરી. દ્રોણાચાર્યે તેને છોડી દઇ, સત્કારીને અડધું રાજ્ય આપ્યું. પરંતુ વાત એટલેથી ના અટકી.
મનથી દીન બનેલા દ્રુપદે ગંગાતટ પર માકન્દી પ્રાંતના કાંપિલ્ય નામના નગરમાં વસવા માંડયું. દ્રુપદે દ્રોણાચાર્યે કહ્યા પ્રમાણે ચર્મણ્વતી નદી સુધીના દક્ષિણ પાંચાલ દેશનું રાજ્ય કરવા માંડયું. એણે નિશ્ચયાત્મક રીતે સમજી લીધું કે દ્રોણાચાર્યને અસ્ત્ર બળથી હરાવી નહિ શકાય. તે પોતાને બ્રાહ્મબળમાં ઊતરતો માનીને દ્રોણાચાર્યને વશ કરી શકે એવા પરમપ્રતાપી પુત્રની પ્રાપ્તિ માટે પૃથ્વી પર ફરવા લાગ્યો.
કથા કહે છે કે વેર વેરથી નથી શમતું. દિલમાં પડેલા ઘા દિલમાં જ રહી જાય, દ્વેષથી બળવાન બને, તો પ્રતિશોધ વૃત્તિથી પાંગરતા જાય છે. એનું ઓસડ પ્રેમ છે, દ્વેષ કે પ્રતિશોધ ભાવ નથી. દ્રોણાચાર્યે દ્રુપદ પ્રત્યેના વિરોધી ભાવથી પ્રેરાઇને પોતાનું વેર લીધું અને થયેલા અપમાનનો બદલો લેવાનો પ્રયાસ કર્યો તોપણ વેર વેર જ રહ્યું એ વેરભાવ દ્રુપદના અંતરને બાળવા અને અશાંત કરવા લાગ્યો. એના પરિણામે દ્રુપદે જે સંકલ્પ કર્યો એ ખૂબ જ ભયંકર હતો. એ સંકલ્પ આગળ જતાં દ્રોણાચાર્યને માટે ઘાતક ઠર્યો. એ માટે જ વેરભાવને સદબુદ્ધિનો આશ્રય લઇને સદાને સારુ શાંત કરવાની અનિવાર્ય આવશ્યકતા છે.
– © શ્રી યોગેશ્વરજી (મહાભારતના મોતી)