Sunday, 22 December, 2024

અર્જુને ગોધનને પાછું વાળ્યું

325 Views
Share :
અર્જુને ગોધનને પાછું વાળ્યું

અર્જુને ગોધનને પાછું વાળ્યું

325 Views

{slide=Arjuna set free cows}

Duryodhan was extremely happy to see Arjuna in the battlefield as he thought that Arjuna came out of incognito before completion of one year. Duryodhan asked Bhishma whether his calculation was right. In his reply, Bhishma revealed that time calculation could be done using either solar or lunar calendar. In Pandavas case, they calculated according to lunar calendar and completed twelve years of exile plus the thirteenth year in incognito without being identified. Pandavas fulfilled their condition and there was no question of another exile. Bhishma knew Arjun’s might so he advised Duryodhan and part of Kauravas army to return to Hastinapur with abducted cows, gold and other wealth. Duryodhan fled from the battlefield.

Bhishma led Kauravas in the fight. Arjuna fought with extraordinary courage and succeeded in bringing back King Virata’s cows from Kauravas army. Arjun’s bows injured Bhishma and made him leave the battlefield. Karna, Drona and Krupacharya also met with same fate. Duryodhan returned to spearhead Kauravas attack but he also had to go back. Arjuna realized that there was no one left in Kauravas army to fight with, he advised Uttar to take chariot towards Virat and announce their victory. Arjuna requested Uttar not to reveal his role in the victory. Uttar agreed to Arjun’s request and headed towards Virat.
 

કૌરવો સાથેના ગોધનહરણના નિમિત્તથી આરંભાયેલા પાંડવોના યુદ્ધ વખતે પાંડવોના અજ્ઞાતવાસ સાથેનો વનવાસનો સમય પૂરો થયો હતો કે કેમ, તેવો પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે.

દુર્યોધને ભીષ્મ પિતામહને એવો પ્રશ્ન પૂછી જોયો.

ભીષ્મ પિતામહે એ પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું કે કલા, કાષ્ઠા, મુહૂર્ત, દિવસ, પક્ષ, માસ, નક્ષત્ર, ગ્રહ, ઋતુ અને સંવત્સર એ સૌના યોગથી કાળગણના થાય છે, અને એ રીતે કાળવિભાગ પ્રમાણે કાળચક્ર ચાલ્યા કરે છે. તેમાં કાળના અતિરેકથી અને નક્ષત્રોના વ્યતિક્રમને લીધે જે ભેદ પડે છે તે દૂર કરવાને માટે પ્રત્યેક પાંચ-પાંચ વર્ષે બબ્બે માસ ઉમેરવામાં આવે છે. એ રીતે જોતાં, પાંડવોને તેર વર્ષ ઉપર પાંચ મહિના અને બાર રાત વધારે થાય છે એવું મારું માનવું છે. એમણે જે પ્રતિજ્ઞા કરી હતી તે આખી અને યથાર્થ રીતે પાળી છે. એ વાતને ખાતરીપૂર્વક જાણ્યા પછી જ અર્જુન યુદ્ધ કરવા માટે સામે આવ્યો છે. પાંડવો ધર્મ અને અર્થમાં નિષ્ણાત છે, એટલે ધર્મના અપરાધમાં પડે જ ક્યાંથી ?

એના ટીકાકારે જણાવ્યું છે કે ચાંદ્ર, સાવન અને સૌર એવા ત્રણ પ્રકારના સંવત્સરો છે. તેમાં ચોવીસ પખવાડિયાંનો અને ત્રણસો ચોપન દિવસનો ચાંદ્ર સંવત્સર, ત્રણસો સાઠ દિવસનો સાવન સંવત્સર, અને ત્રણસો પાંસઠ દિવસ, પંદર ઘડી, એકત્રીસ પળ તથા ત્રીસ અક્ષર જેટલા તાળનો સૌર સંવત્સર ગણાય છે. ઘણે ભાગે જ્યોતિષીઓ સૌર સંવત્સરને અનુસરીને વર્ષ પ્રવેશાદિ કાર્ય કરે છે. સ્માર્ત વર્ધાપન વગેરેમાં ચાંદ્ર સંવત્સરને લેવાય છે, બાર વર્ષની પ્રતિજ્ઞા, વ્રત, સત્ર વિગેરેમાં સાવન સંવત્સરનો ઉપયોગ કરાય છે. આ પ્રમાણે વિશેષ છે, છતાં જ્યારે ચાંદ્ર સંવત્સરની ગણના કરીએ ત્યારે તેમાં સૌર સંવત્સરના દિવસાદિકની વૃદ્ધિ ગણાય, અને એ રીતે ગણતાં તેર વર્ષમાં ચાંદ્ર પાંચ માસ, બે દિવસ, સાડત્રીસ ઘડી અને પંદર અક્ષર અધિક થાય છે. પાંડવોનો વિજયાદશમીએ દ્યુતમાં પરાજય થયો. કૌરવો ગ્રીષ્મકાળમાં ગાયો લેવા આવ્યા તે વખતે વિજયાદશમીએ હારેલાં પાંડવોનાં તેર વર્ષો આવતી અશ્વિન સુદ દસમે પૂરાં થશે, એમ દુર્યોધનનું  ધારવું હતું અને તેથી જ તે અર્જુનને વહેલો બહાર પડેલો જોઇને મનમાં રાજી થતો હતો. પરંતુ પાંડવો તો ચાંદ્ર સંવત્સર પ્રમાણે ગણના કરીને તેર વર્ષોને પૂરાં કરીને કૃતાર્થ થઇને બહાર પડ્યા હતા. પાંડવોએ વિજયાદશમીથી પાંચ માસ અને બાર દિવસ પહેલાં પ્રગટ થવું જોઇએ. તેમાં તેઓ અમાંત(ચંદ્ર) માસ પ્રમાણે ચૈત્ર વદ સાતમે પ્રગટ થયા, એટલે પ્રતિજ્ઞા પૂર્ણ થયા પછી પણ નવ દિવસ ઉપરાંત કઇંક અધિક સમયે પ્રગટ થયા એમ સમજાય છે.

ભીષ્મે જણાવ્યું કે તું સોનાના ચોથા ભાગને લઇને હસ્તિનાપુર તરફ ચાલ્યો જા; પછી સેનાનો બીજો ચોથો ભાગ આ ગાયો લઇને ત્યાં જાય. આમ સોનાનો અર્ધો ભાગ રહેશે તે વડે અમે પાંડુપુત્ર અર્જુન સાથે યુદ્ધ કરીશું. હું, દ્રોણ, કર્ણ, અશ્વત્થામા અને કૃપ યુદ્ધ કરવાનો નિશ્ચય કરીને આવેલા એ અર્જુન સામે યુદ્ધમાં ઝઝૂમીશું. પછી જોઇએ તો મત્સ્યરાજ આવે કે શતક્રમ ઇન્દ્ર આવે તોપણ કિનારા જેમ સાગરને અટકાવી રાખે છે તેમ, હું તેમને અટકાવી રાખીશ.

ભીષ્મની સલાહ સર્વને ગમી. દુર્યોધને તે જ પ્રમાણે કર્યું.

એવી રીતે દુર્યોધનને તથા ગોધનને વિદાય કર્યા પછી ભીષ્મે સેનાના અધિપતિઓને વ્યવસ્થિત ઊભા રાખ્યા અને વ્યૂહરચના કરવા માંડી.

મહાભારતના એ વિવરણનો તટસ્થ રીતે વિચાર કરતાં સમજાય છે કે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય તથા કૃપાચાર્ય જેવા એ સમયના સદબુદ્ધિસંપન્ન શૂરવીર સર્વહિતપરાયણ સત્પુરુષોમાંથી કોઇ પણ દુર્યોધનને વિરાટરાજાના બળજબરીથી હરણ કરાયલા ગોધનને છોડી દેવાની કે પાછું આપવાની સલાહ નથી આપતા. એ હકીકત એ જમાનાના પૂજ્યપુરુષો કે વડીલોની કરુણતા, ભ્રાંતિ તથા દુર્બુદ્ધિ બતાવે છે. પરધનને પથ્થર માનવાની મનોવૃત્તિ જે સમાજમાં પ્રગટે કે પાંગરે નહિ તે સમાજને સુસંસ્કૃત કે સર્વોત્તમ સમાજ ભાગ્યે જ કહી શકાય.

કૌરવોએ ભીષ્મના માર્ગદર્શન પ્રમાણે વ્યૂહરચના કરી એટલે અર્જુન રથના ઘોષથી દિશાઓને ગજાવતો ત્યાં પહોંચી ગયો.

અર્જુને શત્રુસેનાને અદભુત આક્રમણ દ્વારા અસ્તવ્યસ્ત કરી નાખી, ગાયોને પાછી મેળવી લીધી તથા ફરીવાર યુદ્ધ કરવાની ઇચ્છાથી દુર્યોધન પ્રતિ પ્રયાણ કર્યું.

ગાયોને મત્સ્યદેશ તરફ જતી જોઇને કુરુપ્રવીરોએ મુકુટધારી અર્જુનને કૃતાર્થ થયેલો માન્યો, અને તે બધા દુર્યોધન તરફ ધસી રહેલા અર્જુન પર તૂટી પડ્યા.

એવી રીતે ખેલાયેલા મહાભીષણ યુદ્ધમાં હારીને કર્ણ પલાયન થઇ ગયો, કૃપાચાર્ય નિષ્ફળ ગયા, દ્રોણાચાર્ય ઉત્તમ બાણોથી વીંધાઇને, ભાંગી ગયેલા કવચ તથા તૂટેલી ધજા સાથે, અતિવેગવાન ઘોડાઓને હંકારીને ઝડપથી નાસી ગયા, અને અશ્વત્થામા પણ અનેક પ્રકારના શસ્ત્રપ્રયોગો કરવા તથા લડવા છતાં પણ પરાજય પામ્યો.

યુદ્ધ માટે બીજી વાર આવેલો કર્ણ પણ ભયંકર રીતે ઘાયલ અને વેદનાગ્રસ્ત બનીને રણભૂમિને છોડીને ઉત્તર દિશા તરફ નાસવા માંડ્યો. દુઃશાસન અર્જુનના બાણોથી પીડાઇને પોતાના પ્રાણને બચાવવા માટે નાસી છૂટયો.

મહાબળવાન ભીષ્મપિતામહ બેભાન જેવા થઇ ગયા એટલે રથના ઘોડાઓને નિયમનમાં રાખનારો સારથિ તેમનું રક્ષણ કરવાની ઇચ્છાથી તેમને સમયસૂચકતા વાપરીને તરત જ દૂર લઇ ગયો.

ભીષ્મ સંગ્રામસ્થાન છોડી ગયા એટલે દુર્યોધને ધનુષ્ય લઇને ભીષણ ગર્જના કરતાં અર્જુન પર આક્રમણ કર્યું.

પરંતુ થોડીવાર પછી ભયંકર રીતે ઘાયલ થઇને એ પણ રથને પાછો વાળીને નાસવા લાગ્યો.

અર્જુને યુદ્ધેચ્છાથી ફરીવાર આવેલા દુર્યોધનના રમણીય રત્નજડિત મુકુટને એક બાણ દ્વારા કાપી નાખ્યો; ગાંડીવના ટંકારથી વાતાવરણને ગજવી દીધું; દેવદત્ત નામનો શંખ વગાડ્યો; અને શત્રુના કાળજાને ચીરી નાખ્યાં. પછી ઉત્તરને જણાવ્યું કે હવે ઘોડાઓને પાછા વાળ. ગાયો પાછી મળી છે. શત્રુઓ હારી તથા નાસી ગયા છે. માટે નગરમાં જા.

અર્જુને ઉત્તરને પોતાના પરાક્રમની વાતને વિરાટરાજથી ગુપ્ત રાખવાની ને યુદ્ધમાં જીતીને ગાયોને પોતે જ પાછી વાળી છે એવું કહેવાની કરેલી ભલામણ ઉત્તરે માન્ય રાખી – અલબત્ત, નાછૂટકે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *