Sunday, 22 December, 2024

અર્જુનનો રથ બળી ગયો

340 Views
Share :
અર્જુનનો રથ બળી ગયો

અર્જુનનો રથ બળી ગયો

340 Views

{slide=Arjuna’s chariot reduce to ashes}

After Duryodhan’s death, Lord Krishna paid a visit to Kauravas camp with Arjuna. The camp wore a deserted look. As soon as Arjun got out of his chariot, Krishna commanded Arjuna to untie his Gandiva (bow) and his arrows. Arjuna followed Krishna’s advice without knowing fully the reason behind it. Arjun noted that the symbol of Hanuman on his flag disappeared. His chariot started burning and in no time, it reduced to ashes. Arjuna was amazed at this incident.
Krishna revealed that their chariot was destroyed by Drona and Karna’s magical powers, but survived as he was using it. With Duryodhan’s end, Krishna’s mission was accomplished. He left the chariot and so it reduced to ashes.

Krishna also reminded Yudhisthir about his old assurance. Krishna gave his word before the war began, to Yudhisthir that he would protect Arjuna in the deadly and decisive war. Krishna kept his promise. This story is significant in the sense that once promised, Lord protects his devotees at any cost.

દુર્યોધનના દેહાંત પછી પાંડવો શ્રીકૃષ્ણ સાથે દુર્યોધન સિવાયની એની છાવણીમાં પ્રવેશ્યા ત્યારે એ આખીય છાવણી ઉત્સવ વિનાના શહેર સરખી શૂન્ય દેખાઇ.

પાણીનો ધરો હોવા છતાં એમાં નાગ નહોતો. એવી એ નિર્ભય લાગી.

એ છાવણીમાં સ્ત્રીઓ, કંચુકિઓ અને વયોવૃદ્ધ અનુભવી અમાત્યો દેખાયા.

કાષાય રંગના મલિન વસ્ત્રોને ધારણ કરનારા દુર્યોધનના સેવકો એમની સેવામાં પ્રણામપૂર્વક ઉપસ્થિત થયા.

છાવણી પાસે પહોંચીને પાંડવો પોતાના રમણીય રથોમાંથી ઊતરી પડયા ત્યારે શ્રીકૃષ્ણે અર્જુનને રથમાંથી ઊતરી જઇને ગાંડીવને અને બંને અક્ષય ભાથાને સત્વરે છોડી દેવાનો આદેશ આપ્યો.

અર્જુને એમના આદેશનું સત્વરે અનુસરણ કર્યું એટલે એ પોતે પણ રથમાંથી નીચે ઊતર્યા.

એ વખતે અર્જુનના રથના ધ્વજમાં રહેલો અલૌકિક  વાનરવીર અદૃશ્ય થઇ ગયો.

દ્રોણાચાર્યનાં અને કર્ણના અલૌકિક અસ્ત્રોથી અપ્રગટ રીતે બળી ગયેલો અર્જુનનો એ મનહર મહારથ અગ્નિના સંબંધ સિવાય જ ક્ષણવાર સૌને આશ્ચર્યચકિત કરતાં સળગવા લાગ્યો.

જોતજોતામાં તો એ આખોય રથ ભાથા, લગામ, ઘોડા, ધૂંસરી સાથે ભસ્મીભૂત થઇને પૃથ્વી પર પડ્યો.

અર્જુને એના કારણે જાણવાની ઇચ્છા દર્શાવવાથી શ્રીકૃષ્ણે એનું રહસ્યોદઘાટન કરતાં જણાવ્યું કે આ રથ અનેક પ્રકારનાં અલૌકિક અસ્ત્રોથી પ્રથમથી જ બળી ગયેલો, પરંતુ હું એના પર બેઠેલો તેથી ભસ્મીભૂત નહોતો થયો. હું એના પરથી નીચે ઊતર્યો એટલે એ બ્રહ્માસ્ત્રના તેજથી બળીને ભસ્મ થઇ ગયો. તારું કાર્ય આજે પરિપૂર્ણ થયેલું હોવાથી મેં તે રથને છોડી દીધો છે.

શ્રીકૃષ્ણે સ્મિત કરીને ત્યાં ઊભેલા યુધિષ્ઠિરને જણાવ્યું કે હું અર્જુન સાથે ઉપલબ્ધ નગરમાં આવેલો ત્યારે તમે મને કહેલું કે અર્જુન તમારો ભાઇ તથા મિત્ર હોવાથી તમારે એની સઘળી આપત્તિઓમાંથી રક્ષા કરવી. તમારી એ માગણીને મેં માન્ય રાખેલી. એને લીધે મેં અર્જુનની એના બંધુઓ સાથે રક્ષા કરી છે, અને શૂરવીરોનો સંહાર કરનારા આ અતિઘોર સર્વસંહારક સંગ્રામમાંથી તે સહેલાઇથી સુરક્ષિત રીતે મુક્ત થયો છે.

શ્રીકૃષ્ણના એ ઉદગારો કેટલા બધા સૂચક હતા ? અર્જુને સંપૂર્ણ શ્રદ્ધાભક્તિ-શરણાગતિથી કૃષ્ણનું શરણ લઇને કૃષ્ણને પોતાના રથના સારથિ બનાવ્યા તો કૃષ્ણે એની છેવટ સુધી રક્ષા કરી, સંભાળ રાખી. જીવ સાચા દિલથી શિવનું શરણ લે તો તેની સંભાળ પણ શિવ રાખે જ. એ એને સર્વપ્રકારે સુખી તથા વિજયી બનાવે.

મહાભારતનું ઉપર્યુક્ત અન્ય વર્ણન સૂચવે છે કે યુદ્ધમાં યુદ્ધની શિબિરોમાં યોદ્ધાઓની સ્ત્રીઓ પણ રહેતી.

કાષાય રંગના વસ્ત્રોનો એ વખતે શોકસૂચક વસ્ત્રો તરીકે પણ ઉપયોગ કરવામાં આવતો એ હકીકતની અથવા સામાજિક મરણોત્તર પ્રથાની પુષ્ટિ પણ ઉપર્યુક્ત વર્ણન પરથી થઇ રહે છે.

બંધુજન, આપ્તજન કે મિત્રની સદા માટે અને સંપૂર્ણપણે સંભાળ રાખવાના તથા સુરક્ષા કરવાના પરમ આદર્શને શ્રીકૃષ્ણ કેટલો બધો મહત્વનો માનતા એનો અંગુલિનિર્દેશ પણ એમાંથી પ્રાપ્ત થાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *