અષ્ટાવક્રનો વિજય
By-Gujju19-05-2023
અષ્ટાવક્રનો વિજય
By Gujju19-05-2023
{slide=Astavakra’s win}
Astavakra reached King Janaka’s court for arguments on scriptures. He was only 12 years of age at that time. King Janaka Asked four questions to which Astavakra swiftly replied.
Q. Who don’t close eye when at sleep ?
A. Fish
Q. Who don’t move after birth ?
A. Egg
Q. Who don’t have heart ?
A. Stone
Q. Who rushes forward ?
A. A river.
Though they look very simple, the answers have deep spiritual meaning . King Janaka was very happy at Astavakra’s answers. He allowed him to have argument with Bandi, a great scholar in his court. In the arguments that followed, Astavakra win over Bandi and was able to free his father.
અષ્ટાવક્ર મુનિની અવસ્થા કેવળ બાર વરસની હતી ત્યારે તે શ્વેતકેતુની સાથે જનકરાજાની સભામાં જવા તૈયાર થયા. જનક રાજા સાથે એમને જે અસામાન્ય બુદ્ધિયુક્ત વાર્તાલાપ થયો તેનો સારાંશ આ પ્રમાણે–
રાજા જનક : સૂતાં કોણ આંખ મીંચતું નથી ? જન્મતાં કોણ ગતિ કરતું નથી ? કોને હૃદય નથી ? કોણ વેગથી વધે છે ?
મુનિ અષ્ટાવક્ર : સૂતાં મત્સ્ય આંખ નથી મીંચતું. જન્મ્યા પછી ઇંડું ગતિ નથી કરતું. પથ્થરને હૃદય નથી હોતું. નદી વેગથી વધતી જાય છે.
વિવેચકોએ એનો જે આધ્યાત્મિક અર્થ કરેલો છે તેને પણ વિચારી લઇએ.
પ્રથમ ચરણનો અર્થ :- શ્રુતિમાં ચૈતન્ય પુરુષને મહામત્સ્યની ઉપમા આપી છે. જેમ મહામત્સ્ય નદીના બંને કિનારામાં ફરવાથી થાકી જાય છે તેમ ચૈતન્ય પુરુષ પણ જાગ્રત અવસ્થામાં અને સ્વપ્નાવસ્થામાં, આ લોક તથા પરલોકમાં, ભ્રમણ કરવાથી થાકીને સુષુપ્તિ પામે છે. પરંતુ એ સુષુપ્તિ તથા પ્રલયમાં, કાર્ય તથા કારણસમૂહની જ્યારે હલનચલનાદિ શક્તિ સંપૂર્ણ રીતે ઉપરામ પામી જાય છે ત્યારે, આ એક ચૈતન્ય પુરુષ જ જેની દૃષ્ટાપણાની શક્તિ નાશ ના પામી હોય એવા રહે છે. એ સંબંધમાં શ્રુતિ પણ કહે છે કે દૃષ્ટાની દૃષ્ટિનો લોપ થતો જ નથી, કારણ કે તે અવિનાશી છે. જો દૃષ્ટાની દૃષ્ટિનો લોપ સ્વીકારીએ તો કરેલાંનો નાશ અને નહિ કરેલાંની પ્રાપ્તિરૂપી દોષ પ્રાપ્ત થાય અને ” હું આટલો વખત સુખે સૂતો હતો ” એવું જ્ઞાન પણ અનુભવ કરનારાના અભાવમાં થાય નહિ, તેથી ચૈતન્ય પુરુષનું જ્ઞાન અખંડ છે અને તે અવિનાશી છે, માટે અજન્મા છે. આ પ્રથમ ચરણનો અર્થ છે.
બીજા ચરણનો અર્થ :- ઉત્પન્ન થયેલું ઇંડું એટલે આ અખિલ બ્રહ્માંડ. ઉત્પન્ન થયા પછી પણ પોતાની મેળે હલનચલન કરતું નથી, પરંતુ તેને ચૈતન્ય પુરુષ જ ગતિમાન કરે છે.
ત્રીજા ચરણનો અર્થ :- અશ્મન્ એટલે પાષાણ અને યાસ્ક મુનિએ શ્મન્ નો અર્થ શરીર કરેલો છે. એટલે શ્મનરહિત તે અશ્મન્ – અર્થાત્ શરીરરહિત-દેહાભિમાનરહિત એવા યોગીનું હૃદય શોકનું સ્થાન હોતું નથી. શ્રુતિ પણ એમ જ કહે છે કે શરીરાભિમાનરહિત યોગીને પ્રિય તથા અપ્રિયનો સ્પર્શ થતો નથી. દેહાભિમાન ગળી જાય છે ત્યારે યોગીના હૃદયના સર્વ શોકોને તરી જાય છે. અર્થાત્ મનરહિત જીવનમુક્ત થાય છે.
ચોથા ચરણનો અર્થ :- નદી એટલે ચિત્તરૂપી નદી સમજવી. યોગી જ્યારે સમાધિમાંથી ઊઠે છે અર્થાત્ બાહ્ય પ્રપંચમાં દૃષ્ટિ કરે છે ત્યારે તેની ચિત્તરૂપી નદી, સર્વ પ્રપંચરૂપી વેગથી વધી જાય છે. અર્થાત્ યોગીની દૃષ્ટિએ વ્યાવહારિક પ્રપંચ પણ સ્વપ્નના પ્રપંચની પેઠે દૃષ્ટિના સમકાળમાં જ ઉત્પન્ન થાય છે.
એ આખા શ્લોકમાં સંક્ષેપમાં દર્શાવ્યું છે કે દૃષ્ટાની દૃષ્ટિનો લોપ થતો નથી, દૃષ્ય પદાર્થ જડ છે, દેહનો સંગ ના કરનારાની મુક્તિ થાય છે, અને સંસાર મનોમય છે.
એ પછી મહામુનિ અષ્ટાવક્રે પોતાના પિતા કહોડને વાદવિવાદમાં હરાવનારા બંદી સાથે શાસ્ત્રાર્થનો આરંભ કર્યો.
બંદી બોલ્યો : એક જ અગ્નિ અનેક પ્રકારે પ્રજળે છે. એક જ સૂર્ય આ અખિલ વિશ્વને અજવાળે છે. એક જ દેવરાજ ઇન્દ્ર શત્રુઓને હણે છે; અને એક જ યમ પિતૃઓનો ઇશ્વર છે.
અષ્ટાવક્રે કહ્યું : ઇન્દ્ર અને અગ્નિ બે મિત્રની જેમ સાથે વિચરે છે. નારદ અને પર્વત બે દેવર્ષિઓ છે અશ્વિનીકુમાર બે છે. રથને બે પૈંડા છે. વિધાતાએ નીર્મેલાં ભાર્યા તથા પતિ સખ્યભાવથી સદા ફરે છે. બુદ્ધિ અને ચૈતન્ય બે વસ્તુ પરસ્પર મિત્રતા કરીને વિષયોનો અનુભવ કરે છે. કેવળ બુદ્ધિ કશું કરી શકતી નથી.
બંદી અને અષ્ટાવક્રનો એ સંવાદ આગળ ચાલતો રહ્યો.
છેવટે બંદીનો પરાજય થવાથી સૌ અષ્ટાવક્રને સન્માનવા લાગ્યા.
અષ્ટાવક્રે બંદીને પાણીમાં ડુબાડવાની સૂચના આપી.
રાજા વરુણના પુત્ર બંદીએ જણાવ્યું કે મારા પિતા વરુણને ત્યાં બાર વરસના યજ્ઞનો આરંભ થયો છે. એ યજ્ઞને માટે મેં તે ઉત્તમ બ્રાહ્મણોને મોકલી આપ્યા છે. વરુણના યજ્ઞને નિહાળીને તે સૌ પાછા ફરી રહ્યા છે.
થોડા વખતમાં તો મુનિ કહોડ બીજા પંડિતો સાથે પાણીમાંથી બહાર આવીને રાજા જનકની આગળ ઊભા રહ્યા.
કહોડે કહ્યું કે આટલા માટે જ પુરુષો પુત્રોને ઇચ્છે છે. હું જે નહોતો કરી શક્યો તે મારા પુત્રે કર્યું છે. જનક, તારું સર્વ પ્રકારે કલ્યાણ થાવ.
બંદીએ જનક રાજાની અનુમતિ મેળવીને સમુદ્રના પાણીમાં પ્રવેશ કર્યો.
આશ્રમમાં પાછા ફર્યા પછી અષ્ટાવક્રે પિતાના આદેશાનુસાર સમંગા નદીમાં સ્નાન કર્યું. એથી નદી પવિત્ર બની અને એમનાં અંગો સત્વર સરખાં થઇ ગયાં.
*
મહામુનિ અષ્ટાવક્ર તથા બંદી વચ્ચે જનક રાજાની સભામાં થયેલા વાદવિવાદને જાણવામાં જેમને ખાસ રસ હોય તેમની માહિતી માટે એ વિવાદની રજૂઆત અસ્થાને નહિ લેખાય.
બંદી: પ્રજા કર્મ કરીને ત્રણ જાતનાં જન્મ લે છે. ત્રણ વેદો સાથે મળીને વાજપેય યજ્ઞ કરે છે. અધ્વર્યુઓ ત્રણ કાળ યજ્ઞકર્મ કરે છે. લોકો ત્રણ છે અને જ્યોતિઓ પણ ત્રણ છે.
અષ્ટાવક્ર: આશ્રમો ચાર છે. ચાર વર્ણો યજ્ઞને વહે છે. દિશાઓ ચાર છે. વર્ણ ચાર છે. અને વાણી પણ સદા ચાર પાદવાળી કહેવાઇ છે.
બંદી: પાંચ અગ્નિ પદવાળો પંક્તિ નામનો છંદ છે. તેના પ્રત્યેક પદના આઠ અક્ષરો હોય છે. પાંચ યજ્ઞો છે. પાંચ ઇન્દ્રિયો છે. વેદમાં પાંચ શિખાવાળી અપ્સરાઓ કહેલી છે. (શરીરના આકારમાં પરિણામ પામેલાં જળપ્રધાન પ્રાણીઓમાં અનુસરનારી અપ્સરા ચિતશક્તિ છે. એને પ્રમાણ, વિપર્યય, નિદ્રા, સ્મૃતિ નામની તથા વિકલ્પ નામની પાંચ વૃત્તિઓ પાંચ શિખાઓ છે. )
લોકમાં પવિત્ર પાંચ નદો પ્રખ્યાત છે. (પાંચ વિષયપ્રવાહનો સમૂહ પાંચ નદો કહેવાય છે.)
અષ્ટાવક્ર: કેટલાક અગ્નિહોત્ર લેતી વખતે છ ગાયોની દક્ષિણા આપવાનું કહે છે. સંવત્સરરૂપી કાળચક્રમાં છ ઋતુઓ છે. ઇન્દ્રિયો છ છે, કૃતિકાઓ છ છે. વેદોમાં સાદ્યસ્ક નામના છ યજ્ઞો કહ્યા છે.
બંદી: સાત ગ્રામ્ય પશુઓ છે. સાત વન્ય પશુઓ છે. સાત છંદો એક યજ્ઞને વહે છે. સાત ઋષિઓ છે. સન્માનના સાત પ્રકારો છે. વીણા સાત તારવાળી હોવાનું પ્રસિદ્ધ છે.
અષ્ટાવક્ર: શણની આઠ ગૂણો સેંકડો પરિમાણને ધારણ કરે છે. સિંહને મારનારા શરભને આઠ પગ છે. દેવતાઓમાં આઠ વસુઓ છે. યજ્ઞોમાં યજ્ઞસ્થંભને આઠ ખૂણાવાળો બતાવ્યો છે.
બંદી: પિતૃઓને માટેના યજ્ઞોમાં અગ્નિને જગાવવા માટેના મંત્રો નવ કહ્યા છે. સૃષ્ટિની ઉત્પત્તિ નવ પ્રકારની કહેલી છે. બૃહતી છંદમાં નવ અક્ષરો બતાવ્યા છે. એકથી નવના આંકડાંમાં સઘળી સંખ્યા આવી જાય છે.
અષ્ટાવક્ર: દિશા દસ કહી છે. દસવાર સો ગણવાથી સહસ્ત્ર કહેવાય છે. ગર્ભવતી દસ માસ સુધી ગર્ભને ધારણ કરે છે. તત્વનો ઉપદેશ આપનારા, દ્વેષ કરનારા, અને એના અધિકારી દસ છે.
બંદી: પશુઓને અગિયાર ઇન્દ્રિયોથી અનુભવતા અગિયાર વિષયો છે. યજ્ઞસ્થંભો અગિયાર હોય છે. પ્રાણધારીના વિકારો અગિયાર છે. સ્વર્ગના દેવોમાં રુદ્રો અગિયાર ગણાય છે.
અષ્ટાવક્ર: સંવત્સરના માસ બાર, જગતી છંદના પાદમાં બાર અક્ષર, પ્રાકૃત યજ્ઞ બાર દિવસનો, અને આદિત્યો બાર છે.
બંદી: ત્રયોદશીને સૌથી શ્રેષ્ઠ તિથિ કહી છે. પૃથ્વી તેર દ્વીપવાળી છે.
બંદી શ્લોકને સંપૂર્ણ ના કરી શક્યો એટલે એના શબ્દોની પૂર્તિ કરતાં અષ્ટાવક્રે જણાવ્યું :
કેશી તેરના યજ્ઞમાં વર્તે છે અને અતિછંદો તેર અક્ષરવાળા હોય છે.
એવી રીતે વાદવિવાદમાં અષ્ટાવક્રનો વિજય થયો.