Sunday, 22 December, 2024

અશ્વત્થામાનું ભયંકર કર્મ

367 Views
Share :
અશ્વત્થામાનું ભયંકર કર્મ

અશ્વત્થામાનું ભયંકર કર્મ

367 Views

{slide=Aswatthama’s despicable act}

Aswatthama was restless to implement his dastardly plan. A flame of revenge was burning inside Aswatthama as Drona, his father, was killed by Dhrustadhyumna in the battlefield when Drona was not holding any arms. Kritvarma and Kripacharya’s advise could not change Aswatthama’s mind. He prepared to launch an attack on Pandavas. Reluctantly, Kripacharya and Kritvarma also followed.

They reached Pandavas camp in the middle of the night. There, they saw an extraordinary creature protecting the camp. Aswatthama used all his weapons but they proved ineffective against the might of that powerful creature. Left with no weapon, Aswatthama realized that the only way out of this situation was to take refuge of Lord Shiva. He got down from his chariot and prayed to Shiva. Pleased with his prayer, Shiva created a sacrificial fire. Aswatthama entered the sacrificial fire for offering, least concerned about his life. Lord Shiva was pleased at this and gave blessed him with a sword. It gave Aswatthama inimitable power.
 
Thereafter, Aswatthama began his despicable act. He entered Pandavas camp and killed Dhrustadhyumna, Uttamauj, Yudhamanyu, Shikhandi and many of Draupadi’s sons along with other warriors while they were asleep. He left the camp happily and informed Kripacharya and Kritvarma about his heroics. The trio headed to the place where Duryodhan was lying on his deathbed. Aswatthama briefed him about the happenings. Duryodhan was happy on hearing it and left his physical frame. Even on his deathbed, Duryodhan was full of hatred for Pandavas. What a misfortune !

રાતના શાંત સમયે અશ્વત્થામાનું અંતર અશાંત બની ગયું. અતિશય અશાંત.

એણે રથને ઘોડા જોડીને પાંડવોની છાવણીમાં જવાની તૈયારી કરી ત્યારે કૃપાચાર્યે અને કૃતવર્માએ એને સંગ્રામમાં પોતાના સંપૂર્ણ સક્રિય સહયોગની ખાતરી આપીને શાંત પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ સહેજ પણ શાંત ના થયો. એણે પોતાના પ્રતિશોધભાવને પ્રગટ કરતાં જણાવ્યું કે અસંખ્ય યોદ્ધાઓને સુતીક્ષ્ણ બાણોથી મારી નાખીને મારા પિતાએ શસ્ત્રોનો ત્યાગ કર્યો હતો ત્યારે ધૃષ્ટદ્યુમ્ને તેમને મારી નાખ્યા હતા. ધર્મને તિલાંજલિ આપનારા તે પંચાલ રાજાના પાપી પુત્રને હું તેવું પાપકર્મ કરીને જ આજે મારી નાખીશ. પાપી ધૃષ્ટદ્યુમ્નને હું શસ્ત્રોનો પ્રહાર કર્યા વિના કેવળ પશુની પેઠે જ છૂંદી નાખીશ. તમે પણ સત્વર કવચ પહેરી લો, તલવાર ધનુષ્યને હાથમાં લઇ લો, અને પાંડવોની છાવણીના દ્વાર પાસે ઊભા રહીને મારી રાહ જુઓ.

અશ્વત્થામા એવું કહીને રથમાં બેસી ગયો. કૃપાચાર્ય અને કૃતવર્માએ પણ એનું અનુકરણ કર્યું. તે ત્રણે જ્યારે પૂર્વદિશા તરફ ચાલી નીકળ્યા ત્યારે યજ્ઞવેદિકામાં હુતદ્રવ્યનો હોમ કરવાથી પ્રદીપ્ત થયેલા પાવક પેઠે પ્રકાશવા લાગ્યા. તે ત્રણે પાંડવોની છાવણી તરફ જવા લાગ્યા. એ છાવણીમાં સૌ નિદ્રાધીન હતા. થોડા વખતમાં તો તે ત્રણે પાંડવોની છાવણીના દ્વાર આગળ આવીને ઊભા રહ્યા.

ત્યાં મહાપ્રચંડ શરીરવાળું, સૂર્ય તથા ચંદ્ર સમાન તેજસ્વી, રોમાંચિત કરે તેવું કોઇ અદભુત પુરુષાકાર પ્રાણી છાવણીના દ્વાર આગળ ઊભેલું દેખાયું. તેણે રુધિરની ધારાઓથી ભીંજાયેલા વ્યાઘ્રચર્મને પહેર્યું હતું; કાળા મૃગનું ચર્મ ઓઢ્યું હતું અને સર્પના યજ્ઞોપવીતને ધારણ કરેલું. તેનું શરીર શસ્ત્રોથી સજ્જ અને તેનું મુખ મોટી મોટી જ્વાળાઓથી વ્યાપ્ત હતું. એની મુખમાંથી, નાસિકામાંથી, બે કાનમાંથી તથા હજારો નેત્રોમાંથી મોટી મોટી જ્વાળાઓ પ્રકટ થઇ રહી હતી. વળી તેનાં તેજસ્વી કિરણોમાંથી શંખ, ચક્ર તથા ગદાને ધારણ કરનારા સેંકડો શ્રીકૃષ્ણો પ્રકટ થઇ રહ્યા હતા. લોકોને ભય ઉપજાવે એવા એ અદભુત પ્રાણીને જોઇને પણ અશ્વત્થામા ડર્યો નહીં. તે તેના પર અલૌકિક અસ્ત્રોની વૃષ્ટિ કરવા માંડયો. તે પ્રાણી અશ્વત્થામાએ મૂકેલાં અસ્ત્રોને ગળી જવા લાગ્યું. પોતાના અસ્ત્રોને વ્યર્થ થયેલાં જોઇને અશ્વત્થામાએ પ્રદીપ્ત અગ્નિની શિખાસરખી એક રથશક્તિ મારી, પણ એ પ્રદીપ્ત રથશક્તિ તે પ્રાણીના શરીર સાથે અથડાઇને પૃથ્વી પર વિખરાઇ ગઇ. અશ્વત્થામાએ સુવર્ણની મૂઠવાળી તથા આકાશ સમાન વર્ણવાળી તેજસ્વી તલવાર મારી, પરન્તુ અશ્વત્થામાની તે તલવાર તે પ્રાણી પાસે આવીને ક્યાંક અદૃશ્ય થઇ ગઇ. ક્રોધાતુર અશ્વત્થામાએ તેને ગદા મારી. તે ગદાને પણ તે પ્રાણી ગળી ગયું. હવે અશ્વત્થામાની પાસે એક પણ આયુધ ના રહ્યું. તેણે સર્વત્ર જોવા માંડ્યું. તો આકાશને કેવળ જનાર્દનથી જ ઊભરાઇ રહેલું જોયું. અતિશય અદભુત એ દ્રશ્યને જોયા પછી આયુધહીન થયેલા અશ્વત્થામાને તરત જ કૃપાચાર્યનાં વાક્યો યાદ આવ્યાં.

એણે વિચાર્યું કે હું અધર્માચરણ કરવા તૈયાર થયો એટલે મારા પર આ ભય આવી પડ્યો છે. દ્રોણાચાર્યનો પુત્ર કદી પણ યુદ્ધમાંથી પાછો નહી ફરે. છતાં પણ મારે જો આજે પાછા ફરવું પડશે તો તે દૈવને લીધે જ. મારી સન્મુખ ઊભેલું અને ઉદય પામેલા દૈવદંડ સરખું ભયંકર આ મહાઅદભુત પ્રાણી કોણ છે ? હું તેને નથી જાણી શકતો. મારી બુદ્ધિ મલિન થઇ તેનું જ પરિણામ છે. તે મારો વિનાશ કરવા માટે સમર્થ છે. મારા ઇષ્ટદેવ ભગવાન શંકરનું શરણ લીધા વિના આ સંકટમાંથી હું મુક્તિ મેળવી શકું તેમ નથી.

અશ્વત્થામાએ રથમાંથી ઊતરીને શંકર ભગવાનને પ્રણામ કરીને તેમની સ્તુતિ કરી.

અશ્વત્થામાની સ્તુતિ સાંભળીને ભગવાન શંકરે પોતાના યોગબળથી એના અભિપ્રાયને જાણી લઇને માયાનો વિસ્તાર કર્યો. જોતજોતામાં તો અશ્વત્થામાની આગળ એક સુવર્ણની વેદિકા પ્રકટ થઇ. તે વેદિકામાં ભડભડાટ અગ્નિ બળી રહ્યો હતો, અને પોતાની જ્વાળાઓથી સર્વ દિશાઓને તથા આકાશને ભરી દેતો હતો.

અશ્વત્થામા અગ્નિવાળી વેદિકા પર આરૂઢ થઇને પોતાના શરીરની દરકાર કર્યા વિના આત્મસમર્પણ કરવા માટે અગ્નિમાં બેસી ગયો. ત્યારે ભગવાન શંકર સાક્ષાત્ પ્રકટ થયા. ભગવાન શંકરે એને એક ઉત્તમ તલવાર આપી અને તેનાં શરીરમાં પ્રવેશ કર્યો. ભગવાન શંકરનો શરીરમાં પ્રવેશ થતાં જ અશ્વત્થામા તેજસ્વી બની ગયો.

અશ્વત્થામાએ પાંડવોની વિશાળ છાવણીમાં કોઇ અજ્ઞાત દ્વારથી પ્રવેશ કર્યો અને નિર્ભય થઇને શત્રુઓ પર હુમલો કરવાની તૈયારી કરી. અશ્વત્થામા પ્રથમથી જ પાંડવોની છાવણીના ગુપ્તપ્રદેશોને જાણતો હોવાથી તેણે ધૃષ્ટદ્યુમ્નના તંબૂ તરફ જવા માંડ્યું.

અશ્વત્થામાએ લાત મારીને ધૃષ્ટદ્યુમ્નને ઉઠાડ્યો.

તેજસ્વી અશ્વત્થામા ધૃષ્ટદ્યુમ્નને પશુમારથી જ યમલોકમાં મોકલી દઇને તંબુમાંથી બહાર નીકળ્યો અને પોતાના સુંદર રથમાં બેસી ગયો.

મહારથી અશ્વત્થામા તંબૂમાંથી બહાર નીકળી ગયો એટલે ધૃષ્ટદ્યુમ્નની સ્ત્રીએ તથા રક્ષકોએ પોતાના રાજાને મરણ પામેલો જોઇને કોલાહલ મચાવી મૂક્યો અને શોક કરવા માંડ્યો.

અશ્વત્થામાએ આગળ વધીને ઉત્તમૌજને, યુધામન્યુને અને અન્ય અનેક મહારથીઓને અને નિદ્રાધીન સામાન્ય સૌનિકોને પણ મારી  નાખ્યા.

અશ્વત્થામાનું સ્વરૂપ ત્યારે રાક્ષસ જેવું થઇ ગયેલું.

એણે પોતાની તલવારથી દ્રૌપદીના સામનો કરનારા શૂરવીર પુત્રોનો અને શિખંડીનો પણ નાશ કર્યો.

રાત્રીનો અડધો સમય સમાપ્ત થયો ત્યાં સુધીમાં તો એણે પાંડવોના અસંખ્ય સૈનિકોને યમસદનમાં મોકલી દીધા.

અશ્વત્થામા પ્રથમ નિદ્રાધીન મનુષ્યોવાળી છાવણીમાં જેમ ચૂપચાપ પ્રવેશેલો એ જ રીતે સર્વનો સંહાર કર્યા પછી પણ ચૂપચાપ ત્યાંથી બહાર નીકળ્યો. છાવણીમાંથી બહાર નીકળીને કૃપાચાર્યને તથા કૃતવર્માને મળ્યો. તેણે તેમને હર્ષ પમાડતાં પોતે કરેલા કર્મનું વર્ણન કર્યું.

તે બન્નેએ પણ તેને જણાવ્યું કે અમે હજારો પાંચાલોને તથા સૃંજયોને કાપી નાખ્યા છે.

પાંડવો, શ્રીકૃષ્ણ અને સાત્યકિ તે રાતે છાવણીમાં ન હતા તેથી જ અશ્વત્થામાએ એ કર્મને સિદ્ધ કરેલું.

પાંચાલોનો તથા દ્રૌપદીના સર્વ પુત્રોનો એ રીતે વધ કરીને ત્રણે મહારથીઓ દુર્યોધન જે સ્થળે ઘાયલ થઇને પડ્યો હતો તે સ્થળે આવી પહોંચ્યા.

દુર્યોધનનો પ્રાણ હજી ટકી રહેલો.

સાથળો ભાંગી ગયેલાં હોવાથી બેભાન સ્થિતિમાં પડેલા રાજા દુર્યોધનને અશ્વત્થામાએ કહ્યું કે પાંચ પાંડવો, કૃષ્ણ અને સાત્યકિ જ પાંડવપક્ષમાં બચવા પામ્યા છે, અને કૌરવપક્ષમાં કૃપાચાર્ય, કૃતવર્મા અને હું એમ ત્રણ પુરુષો બચવા પામ્યા છીએ. દ્રૌપદીના સર્વપુત્રો હણાયા છે, ધૃષ્ટદ્યુમ્નના બધા પુત્રો માર્યા ગયા છે, પાંચાલો મરી પરવાર્યા છે, અને યુદ્ધમાંથી બચેલા મત્સ્યયોદ્ધાઓ પણ મૃત્યુને પામી ચૂક્યા છે. પાંડવોએ અનીતિ કરી હતી તેનું મેં વેર લીધું છે.

અશ્વત્થામાના શબ્દો સાંભળીને દુર્યોધને જણાવ્યું કે તમે જે કાર્ય કર્યું છે તે ભીષ્મે, કર્ણે અથવા તમારા પિતાએ પણ નહોતું કર્યું. તમારું કલ્યાણ થાવ. હવે આપણો સમાગમ સ્વર્ગલોકમાં જ થશે.

એવું કહીને દુર્યોધને પ્રાણત્યાગ કર્યો.

અશ્વત્થામા, કૃપાચાર્ય તથા કૃતવર્મા પોતપોતાના રથોમાં બેસીને ત્વરાથી નગર તરફ નાસી ગયા.

વેરભાવને જીવન દરમિયાન સેવનાર જો તેને મૃત્યુ પહેલાં પરિત્યાગે તો તેને તે કલ્યાણકારક કહેવાય. દુર્યોધન એવું કલ્યાણકાર્ય ના કરી શક્યો. અશ્વત્થામા, કૃપાચાર્ય કે કૃતવર્મા પણ એકલા પડયા તોપણ વેરને બદલે પ્રેમનો પદાર્થપાઠ ના શીખી શક્યા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *