Sunday, 17 November, 2024

અશ્વત્થામાના મણિની પ્રાપ્તિ – 2

317 Views
Share :
અશ્વત્થામાના મણિની પ્રાપ્તિ – 2

અશ્વત્થામાના મણિની પ્રાપ્તિ – 2

317 Views

{slide=Aswatthama’s invaluable stone – II}

When Sage Vyas and Narada requested Aswatthama, he could not recall his weapon (Brahmastra). Sages illustrated serious side effects of two Brahmastra striking each other and advised Aswatthama to surrender his valuable stone (mani) so that Arjun can give him life. Aswatthama said that since Brhamastra is infalliable, and he is unable to restrain it, it would kill someone. Krishna reminded him that a Brahmin blessed Uttara that she would have a son, who would continue the lineage of Pandavas. Brahmin’s blessing would be infalliable and so even if Aswattham use his Brahmastra on Uttara’s womb, the womb would survive. Aswatthama gave his invaluable stone to Pandavas so they let Aswatthama go with his life. 

Pandavas returned with invaluable stone and presented it to Draupadi as a proof. Draupadi was convinced that her pledge was fulfilled so there was no reason for her fast. The moral of the story is manifold. First, weapons have lot of energy to annihilate. Sages illustrated that the place where the weapon were used would not recieve any rainfall for next twelve years ! Second, Krishna cursed Aswatthama that he would have to roam for next three thousand years in aestral body, where he would not find anyone to interact with.  Since mahabharat war took place more than three thousand years ago,  there is no reason to believe that Aswattham is still roaming around in aestral body.

અશ્વત્થામા પોતાના અસ્ત્રનો ઉપસંહાર કરવા અશક્ત બન્યો ત્યારે દીન થઇને તેણે મહર્ષિ વ્યાસને કહ્યું કે હુ મહાઘોર સંકટમાં આવી પડ્યો હતો. મારા પ્રાણનું રક્ષણ કરવા ઇચ્છતો હતો તેથી ભીમસેનના ભયને લીધે જ મેં આ અસ્ત્રનો પ્રયોગ કર્યો છે. ભીમસેને દુર્યોધનનો વધ કરવાની ઇચ્છાથી સદાચારનો ભંગ કર્યો છે. પાંડવોના વિનાશ માટેનું છોડેલું આ અસ્ત્ર આજે સર્વ પાંડવોને જીવનરહિત કરશે. પાંડવોના વધની ઇચ્છા રાખીને મેં આ અસ્ત્રનો પ્રયોગ કર્યો છે. મને લાગે છે કે મેં રોષે ઘેરાયેલા ચિત્તથી આ એક પાપકર્મ જ કર્યું છે, પરંતુ હવે તેનો કોઇ ઉપાય જ નથી.

મહર્ષિ વ્યાસે કહ્યું કે જે દેશમાં એક બ્રહ્માસ્ત્રનો બીજા બ્રહ્માસ્ત્રથી નાશ કરવામાં આવે છે તે દેશમાં બાર વર્ષ પર્યંત વૃષ્ટિ થતી નથી. મહાસમર્થ મહાબાહુ અર્જુને મનમાં પ્રજાનું હિતચિંતન કરીને તારા અસ્ત્રોનો નાશ કર્યો નથી અને પોતાના અસ્ત્રને પાછું વાળી લીધું છે. પાંડવોની, તારી અને દેશની રક્ષા થવી જોઇએ. માટે તું આ દિવ્યઅસ્ત્રોનો ઉપસંહાર કરી લે. અર્જુન તને અધર્મથી જીતવા નથી માંગતો. માટે તારા મસ્તક પરના મણિને પાંડવોને આપી દે. તે મણિ લઇને પાંડવો તને પ્રાણદાન આપશે.

અશ્વત્થામાએ કહ્યું કે પાંડવોએ અને કૌરવોએ જે ધન અને રત્નો સંપાદન કર્યા છે તે સર્વના કરતાં મારો મણિ અધિક મૂલ્યવાન છે. આ મણિને મસ્તકે બાંધવાથી શસ્ત્રોનો, વ્યાધિઓનો, ક્ષુધાનો, દેવોનો, દાનવોનો કે સર્પોનો ભય નથી રહેતો. રાક્ષસોનો કે લૂંટારાઓનો ભય પણ નથી રહેતો. આ મણિમાં આવી શક્તિ હોવાથી મારે તેનો ત્યાગ ના કરવો જોઇએ; પરન્તુ આપની આજ્ઞા મારે પાળવી જોઇએ. મેં છોડેલી દર્ભની શલાકા પાંડવોની સ્ત્રીના ગર્ભ પર પડશે, કારણ કે તે અમોઘ અને ઉત્તમ એવા બ્રહ્માસ્ત્રથી મંત્રેલી છે. બ્રહ્માસ્ત્રનો ઉપસંહાર કરવા હું સમર્થ નથી, એથી એને હું પાંડવોની કોઇ એક સ્ત્રીના ગર્ભ ઉપર નાંખુ છું.

અશ્વત્થામાએ યુદ્ધમાં એ અલૌકિક બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો ત્યારે શ્રીકૃષ્ણે એને જણાવ્યું કે અર્જુનની પુત્રવધૂ વિરાટપુત્રી ઉત્તરા જ્યારે ઉપલવ્ય નગરમાં હતી ત્યારે એક વ્રતનિષ્ઠ બ્રાહ્મણે તેને કહ્યું હતું કે તને એક પુત્ર થશે અને તે પુત્ર જ્યારે ગર્ભમાં હશે ત્યારે જ સર્વ કૌરવોનો નાશ થશે. તેનું પરીક્ષિત નામ જગતમાં પ્રસિદ્ધ થશે. તે સત્પુરુષનું વચન સત્ય થશે. પાંડવોનો તે પુત્ર વંશની વૃદ્ધિ કરનારો થશે.

અશ્વત્થામાએ અત્યંત કોપાયમાન બનીને કહ્યું કે મારું વચન કદી પણ અન્યથા નહીં થાય. તમે વિરાટપુત્રીના ગર્ભની રક્ષા કરવા ઇચ્છો છો, પરન્તુ તેની રક્ષા નહીં થઇ શકે.

શ્રીકૃષ્ણે કહ્યું કે તારું બ્રહ્માસ્ત્ર અમોઘ હોવાથી તે ગર્ભ પર પડશે અને ગર્ભ મૃત્યુ પામશે. પરંતુ તે મરણ પામેલો ગર્ભ પુનઃ જીવન પામીને લાંબા આયુષ્યને ભોગવશે. તને તારા પાપકર્મનું ફળ અવશ્ય મળશે. તું ત્રણ હજાર વર્ષ પર્યંત આ પૃથ્વી પર ભટક્યા કરીશ. તને કોઇની સાથે સંભાષણ કરવાનું ભાગ્ય પણ નહીં મળે. કેવળ નિર્જન પ્રદેશમાં કોઇની સહાય વિના તું એકલો જ ભટક્યા કરીશ. તારા શરીરમાંથી પરુની તથા લોહીની દુર્ગંધ નીકળ્યા કરશે અને તું મહાગહન અરણ્યનો જ આશ્રય કરનારો થઇશ. વળી તું પાપાત્મા સર્વ વ્યાધિઓથી યુક્ત થઇને મહાઘોર જંગલોમાં રઝળ્યા કરીશ. તું જેનો વધ કરવા ઇચ્છે છે તે પરીક્ષિત તેની યોગ્ય વયે પહોંચ્યા પછી સંપૂર્ણ બ્રહ્મચર્યને પાળીને કૃપાચાર્યની પાસેથી સર્વ જાતનાં અસ્ત્રોને પ્રાપ્ત કરશે, ક્ષાત્રધર્મપરાયણ રહેશે, અને એક ધર્માત્મા પુરુષ તરીકે સાઠ વર્ષ પર્યંત પૃથ્વીનું પાલન કરશે. પાંડવોના સ્વર્ગારોહણ પછી પરીક્ષિત તારા દેખતાં કુરુઓનો રાજા થશે અને મહારાજા પરીક્ષિત તરીકે પ્રખ્યાતિ પામશે.

અશ્વત્થામાએ પાંડવોને મણિ અર્પણ કરી દીધો અને પોતે મનમાં ઉદાસ થઇને વનમાં ચાલ્યો ગયો.

પાંડવો તે મણિને લઇને શ્રીકૃષ્ણને આગળ કરીને મહામુનિ વ્યાસને તથા નારદને વંદન કર્યા પછી દ્રૌપદી પાસે પહોચ્યા.

દ્રૌપદીએ સઘળા સમાચારને સાંભળીને જણાવ્યું કે આ મણિને યુધિષ્ઠિર પોતાના શિર પર ધારણ કરે.

રાજા યુધિષ્ઠિરે તે મણિને ગુરુની પ્રસાદી માનીને તથા દ્રૌપદીના વચનને માન આપીને પોતાના મસ્તક પર ધારણ કર્યો એટલે દ્રૌપદીએ અનશનવ્રતનો ત્યાગ કર્યો.

અશ્વત્થામાના મણિમાં કેટલી બધી શક્તિ સમાયલી તેનો ખ્યાલ એના પોતાના મણિવિષયક વર્ણન દ્વારા સંપૂર્ણપણે આવી શકે છે. એ મણિનો એને ત્યાગ કરવો પડ્યો ત્યારે કેવું દારુણ દુઃખ થયું હશે ? પરંતુ એને માટે એના વિના બીજો કોઇ વિકલ્પ નહોતો. આજે કોઇ કોઇવાર કેટલાક પ્રવાસીઓ વાતો કરે છે કે અમે શૂલપાણેશ્વરની ઝાડીમાં અશ્વત્થામાને માથે માખણ મૂકીને ફરતો જોયો. પરન્તુ અશ્વત્થાને તો ત્રણ હજાર વર્ષ પર્યંત જ પૃથ્વી પરનાં એકાંત અરણ્યોમાં રહેવાનું કહ્યું છે એ ખાસ યાદ રાખવા જેવું છે. મહાભારતના શ્રીકૃષ્ણના એ ઉદગારોને પ્રમાણભૂત માનીએ (અને ના માનવાનું કોઇ જ કારણ નથી) તો અશ્વત્થામા ત્રણ હજારથી વધારે વરસો વીત્યા હોવાથી હવે એ રૂપે ના હોઇ શકે એ દેખીતું છે.

બ્રહ્માસ્ત્રની પ્રતિક્રિયાની પ્રબળતાનું વર્ણન પણ મહાભારતે પોતાની વિશિષ્ટ રીતે કરી બતાવ્યું છે. બે બ્રહ્માસ્ત્ર અથડાય તો બાર વરસ સુધી વરસાદ ના વરસે અને એવાં અનેક અમંગલ ઉદભવે. એવું સમજીને એમના પ્રયોગમાંથી પ્રયોગવીરોને પાછા વાળવાના પ્રયત્નો પ્રારંભાયા. એ પ્રયત્નો સફળ થયા. આજે સર્વસંહારક અનેકવિધ અસ્ત્રોની અભિવૃદ્ધિ થઇ શકે છે અને થતી રહી છે, ત્યારે એમના આવિષ્કાર અને પ્રયોગ કરનારા કે કરવા માગનારા એમના અમંગલને અનુમાનીને એમના આવિષ્કારોને અને પ્રયોગોને તિલાંજલિ આપો એ ઇચ્છવા જેવું છે. એથી સંસારની મહામૂલ્યવાન શકવર્તી સેવા થયેલી મનાશે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *