Monday, 23 December, 2024

બકાસુરનો નાશ

321 Views
Share :
બકાસુરનો નાશ

બકાસુરનો નાશ

321 Views

As advised by Sage Vyasa, Pandavas reached a small town named Ekchakra and stayed at a Brahmin’s place. To hide their identity, Pandavas begged for alms for their livelihood. One day, Kunti heard family members of their host crying. When Kunti asked for the reason, she came to know that a demon named Bakasur used to live outside the town and that it was the duty of the town people to regularly fed the demon. The strange thing was that demon kill the person who bring him food. If he do not get food, he would attack the town and destroy it completely. People of the town had no alternative so they just followed it.

The brahmin family, their host had the next turn and that’s why everybody were crying. Kunti consoled them that since they stay at Brahmin’s place, it was their duty to protect them. She also convinced the head of the family to let her son, Bhima go to the demon and take the carriage filled with food. After arguments, brahmin family agreed and Bhima left with a cartload of food. He reached the demon’s place on the outskirts of the town. Instead of giving the food to demon, Bhima started eating it. Bakasur got angry and started fighting with Bhima. However, he could not stand against Bhima’s might and died. Bhima returned home. The news of demon’s death created a wave of joy among people of the town. However, when they learned that brahmin, who was supposed to deliver food did not kill the demon, they wondered about the might of brahmin’s guests. It was not safe for Pandavas to stay there, so they left at once.

મહર્ષિ વ્યાસે કરેલી વિશેષ વ્યવસ્થા પ્રમાણે પાંડવોએ કુંતી સાથે એકચક્રા નગરીમાં રહેવા માંડયું.

થોડા જ વખતમાં એમને ખબર પડી કે જે બ્રાહ્મણ કુટુંબના ઘરમાં પોતે રહે છે તે બ્રાહ્મણ કુટુંબ કશીક મુશ્કેલીમાં મુકાયું છે.

પાંડવો વિવિધ વનો, સુમનોહર સરિતાપ્રદેશો અને સુંદર સરોવરોનું નિરીક્ષણ કરતા તથા ભિક્ષા દ્વારા જીવનનિર્વાહ ચલાવતા.

ભિક્ષા દ્વારા જે કાંઇ મળતું તેને તે કુંતીને અર્પણ કરતા.

કુંતી ભાગ પાડી આપતી તે પછી તે ભોજન કરતાં સામાન્ય રીતે ભિક્ષાના કુંતી દ્વારા બે ભાગ પાડવામાં આવતા. એમાંનો એક ભાગ કુંતી સાથે પાંડવોને માટે રાખવામાં આવતો ને બીજો ભાગ ભીમને આપવામાં આવતો.

એવી રીતે એ પ્રદેશમાં રહેતાં કેટલોક કાળ વીતી ગયો ત્યારે એક દિવસ પાંડવો ભિક્ષા માટે ગયેલા અને ભીમ માતા કુંતી સાથે ઘેર રહેલો ત્યારે ઘરનાં માણસો કોઇક કષ્ટને લીધે રડતાં ને કકળતાં દેખાયાં.

કુંતીએ એમના કષ્ટ સંબંધી માહિતી મેળવી.એ માહિતીને મેળવીને તેનું કાળજું કંપી ઊઠ્યું.

બ્રાહ્મણે આપેલી એ માહિતીનો સાર સંક્ષેપમાં એવો હતો કે એકચક્રા નગરની સમીપમાં બક નામે રાક્ષસ રહેતો. એ માનવભક્ષી રાક્ષસ નગર તથા પ્રદેશનો સ્વામી હતો અને નગર તથા પ્રદેશનું સદા માટે રક્ષણ કરતો. એ રક્ષણના બદલામાં એને વીસ ખારી એટલે ત્રણસો વીસ મણ ચોખા, બે પાડા અને એક માનવનું ભોજન આપવું પડતું. એ પ્રદેશનો રાજા ન્યાયનીતિ વગરનો મંદબુદ્ધિવાળો હોવાથી પ્રજાને ઉપદ્રવમુક્ત કરવાના પ્રયત્નો નહોતો કરતો. રાક્ષસનો નાશ કરવા માટે આગળ નહોતો આવતો કે મેદાનમાં નહોતો આવતો. એને લીધે એ માનવભક્ષી ભયંકર રાક્ષસે અને અન્ય આસુરી પરિબળોએ સર્વત્ર આતંક ફેલાવેલો.

એ દિવસે રાક્ષસના ભોજન માટે માનવ અને અન્ય સામગ્રી સાથે એ રાક્ષસ પાસે પહોંચવાનો એ બ્રાહ્મણનો વારો હતો. એ સંબંધી બ્રાહ્મણ, એની પત્ની, એનાં બે સંતાનો વચ્ચે વાર્તાલાપ ચાલી રહેલો. એ ચારમાંથી પ્રત્યેક વ્યક્તિ બીજાના જીવનને બચાવવા માટે એના બદલામાં બકાસુર પાસે પહોંચવા તૈયાર હતી. બ્રાહ્મણનું અંતર એ પરિસ્થિતિથી ખૂબ જ અશાંત બનેલું. એને એમાંથી છૂટવાનો કે રાક્ષસના ભયમાંથી મુક્તિ મેળવવાનો કોઇ વિકલ્પ કે માર્ગ નહોતો દેખાતો.

કુંતીએ એને આશ્વાસન આપીને જણાવ્યું કે તમારે કોઇએ આજે એ મહાભયંકર રાક્ષસ પાસે નથી જવાનું. તમારી પીડા અમારી પીડા છે અને તમારી અશાંતિ અમારી અશાંતિ. તમારું કામ અમને સોંપી દો. મારા પાંચ પુત્રોમાંથી એક પુત્ર આજે એ રાક્ષસ પાસે જરૂરી સઘળી સામગ્રી લઇને પહોંચી જશે.

કુંતીનો પ્રસ્તાવ બ્રાહ્મણને સહેજ પણ પસંદ ના પડ્યો. પોતાના પ્રાણની રક્ષાને માટે બીજા બ્રાહ્મણના અથવા અતિથિના પ્રાણની આહુતિ આપવાનું સાહસકર્મ એને આવકારદાયક ના લાગ્યું. એની કલ્પના પણ કંપાવનારી લાગી. એણે કહેલા શબ્દો એના ઉદાત્ત અંતરના, આદર્શ જીવનવ્યવહારના, અને સર્વોત્તમ ભારતીય જીવનદૃષ્ટિના પરિચાયક હતા. એ શબ્દોનો સારાંશ આ રહ્યો.

“પરંતુ મારે મારું પોતાનું કલ્યાણ પણ સમજવું જોઇએ. બ્રાહ્મણવધ અને આત્મવધ એ બેમાંથી મને આત્મવધ અધિક કલ્યાણકારક લાગે છે. બ્રહ્મહત્યાને મહાપાપ કહેવામાં આવ્યું છે. એમાંથી કોઇ કાયમને માટે છૂટી નથી શકતું. અજાણતાં પણ બ્રાહ્મણોનો વધ કરવામાં આવે એના કરતાં પોતાનો વધ કરાય તે વધારે સારું છે. મારી વ્યક્તિગત સમજણ એવી છે. બીજાઓ મારો વધ કરશે તો મને કોઇ પ્રકારનું પાપ નહિ લાગે, પરંતુ મારા જીવનની રક્ષા માટે બ્રાહ્મણનો નાશ થાય તો તે નિંદ્ય અને હલકો કહેવાશે.”

“પોતાના અતિથિનો અથવા આશ્રયે આવેલાનો ત્યાગ કરવો તથા યાચના કરનારાનો વધ કરવો તેને પંડિતો નિંદ્ય કાર્ય માને છે. આપદધર્મના વેત્તા મહાત્માપુરુષોએ જણાવ્યું છે કે નિંદ્ય અને નિષ્ઠુર કર્મ કદી પણ ના કરવું, મારો આજે મારી પત્ની સાથે નાશ થાય તો ભલે પણ મારાથી ભૂલેચૂકે પણ બ્રાહ્મણના નાશ માટે અનુમોદન નહિ આપી શકાય “

કુંતીએ બ્રાહ્મણોને પોતાની રીતે સમજાવવામાં સફળતા મેળવી.

બ્રાહ્મણના પરિવાર વતી બકાસુર પાસે ભીમ જાય એવું ભીમને વિશ્વાસમાં લઇને નક્કી કર્યું.

યુધિષ્ઠિરે પહેલાં તો એ વાતનો વિરોધ કર્યો પરંતુ પાછળથી માતા કુંતીના દૃષ્ટિબિંદુને લક્ષમાં લઇને, પોતાને આશ્રય આપનારની સર્વ પ્રકારે રક્ષા કરવાનું પોતાનું કર્તવ્ય છે એવું સમજાવાથી, ને ભીમ પોતાના અસાધારણ સામર્થ્યથી રાક્ષસનો સહેલાઇથી નાશ કરી શકશે એવી પ્રતીતિ થવાથી, એ વાત સાથે સંમત થયા.

કુંતીએ બ્રાહ્મણને એ આખીય વાતને અને આગળની સઘળી ઘટનાપરંપરાને નગરજનોથી ગુપ્ત રાખવાની સૂચના આપી.

રાતના શાંત સમયે ભીમ પેલા પુરુષભક્ષી રાક્ષસ પાસે અન્ન સાથે પહોંચ્યો. ભીમે વનમાં બેસીને રાક્ષસને પડકારતાં ભોજન કરવા માંડયું. ભીમના શબ્દોને સાંભળીને બકાસુર ક્રોધે ભરાઇને એની આગળ આવ્યો. ભીમને ભોજન કરતો જોઇને તે પોતાના દાંત પીસવા લાગ્યો, ને બોલ્યોઃ

“યમરાજને ઘેર જવાની ઇચ્છાવાળો કયો દુર્બુદ્ધિવાળો માણસ મારે માટે લાવવામાં આવેલા અન્નને મારા જ દેખતાં ખાઇ રહ્યો છે ?”

એ શબ્દોને લેશ પણ મહત્વના માન્યા સિવાય ભીમે હસતાં હસતાં ભોજન કરવાનું ચાલુ રાખ્યું.

બકાસુર બંને હાથ ઊંચા કરી, ગર્જના કરતાં ભીમને મારવા દોડયો. એણે ભીમને બંને હાથની મદદથી સખત માર માર્યો તોપણ ભીમ ખાતો જ રહ્યો એટલે એ વૃક્ષને ઊંચકીને આગળ આવ્યો, ત્યારે ભીમે ભોજનવિધિને પૂરી કરીને મોં ધોઇને લડવાની તૈયારી કરી.

બકાસુરે વારાફરતી ફેંકેલાં વિવિધ વૃક્ષોને પકડીને ભીમે એની ઉપર પાછાં ફેંક્યા. બંનેની વચ્ચે ભયંકર વૃક્ષયુદ્ધ થયું.

આખરે ભીમે ઊછળીને એને બંને હાથે પકડીને ખેંચવા માંડયો. એ પણ ક્રોધે ભરાઇને ભીમને ખેંચવા લાગ્યો.

બકાસુર થાકી ગયો એટલે પૃથ્વી પર પછાડીને ભીમે મારવા માંડયો ત્યારે એના મોંમાંથી લોહી પડવા લાગ્યું. અંતે એ નિષ્પ્રાણ બની ગયો.

મરતાં પહેલાં એણે પાડેલી ભયંકર ચીસને સાંભળીને એના સાથીઓ અને સેવકો ગભરાઇને બહાર નીકળ્યા.

ભીમે એમને આશ્વાસન આપીને એમની પાસે માણસોને ના મારવાની પ્રતિજ્ઞા કરાવી.

એ પ્રતિજ્ઞાના પાલનથી નગરજનો સદાને માટે નિર્ભય, નિશ્ચિંત તથા સુરક્ષિત બન્યા.

ભીમ માનવભક્ષી મૃત મહારાક્ષસ બકાસુરના શરીરને નગરના વિશાળ દરવાજા ઉપર નાખીને રાતના ઘોર અંધકારમાં કોઇને ખબર ના પડે એવી રીતે ચાલી નીકળ્યો.

માતા કુંતીને અને અન્ય પાંડવોને એ પરાક્રમપ્રસંગની વાત સાંભળીને સ્વાભાવિક રીતે જ આનંદ થયો.

જે બીજાને કામ આવે, મદદરૂપ થઇ શકે, બીજાને જીવન આપે, તે જ સાચા અર્થમાં જીવન.

પ્રભાતે નગર બહાર ગયેલા માનવો, પર્વતના પ્રચંડ શિખર જેવા તે ભયંકર રાક્ષસને લોહીમાં તરબોળ અને મરેલો પડેલો પેખીને અતિશય આશ્ચર્ય પામ્યા.

રાક્ષસનાં નાશના સુખદ સમાચારને સાંભળીને આબાલવૃદ્ધ સૌ મોટી સંખ્યામાં એને જોવા માટે એકઠાં થયાં.

જે બ્રાહ્મણનો રાક્ષસ પાસે ભોજનને પહોંચાડવાનો વારો હતો તેની માહિતી મેળવીને સૌ તેને રાક્ષસના નાશના રહસ્ય વિશે પૂછવા લાગ્યા તો તેણે પાંડવોની કથાને ગુપ્ત રાખીને જણાવ્યું કે કોઇક અજ્ઞાત મંત્રસિદ્ધ મહામાનવે મને મારા પરિવાર સાથે રડતો જોઇને, આશ્વાસન આપીને, રાક્ષસને મારા વતી પોતે જ ભોજનને પહોંચાડવાની તૈયારી બતાવી. એ મહામાનવે આ લોકકલ્યાણનું કાર્ય કર્યું લાગે છે.

એ સાંભળીને નગરવાસીઓ વિસ્મય પામ્યા. જેણે પણ એ ઉત્તમ કલ્યાણકાર્ય કર્યું એના પર અભિનંદનની વર્ષા વરસાવવા લાગ્યા.

માનવભક્ષી બકાસુરોનો સમાજમાં આજે તોટો નથી. એ માનવીને રંજાડે છે, ચૂસે છે, શોષે છે. પાર વિનાની પીડા પહોંચાડે છે. મૃતઃપાય કે નષ્ટ કરી નાખે છે. એવા માનવરાક્ષસોનો સર્વથા અભાવ નથી. એમનો પ્રતિકાર અને નાશ કરનારા ભીમસમા પરમપરાક્રમી પ્રતાપી પુરુષોની સર્વત્ર આવશ્યક્તા છે. માનવ નિર્બળોનો પક્ષ લે અને એવા અસુરોનો અંત આણે એ આવશ્યક છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *