બલિનો સ્વર્ગ પર વિજય
By-Gujju29-04-2023
બલિનો સ્વર્ગ પર વિજય
By Gujju29-04-2023
વેરભાવ કદી પ્રેમને પ્રકટાવી શકે ? ના. સંસારનો આજ સુધીનો પ્રાચીન-અર્વાચીન ઇતિહાસ તો એવું નથી કહેતો. એ તો એનાથી ઉલટી જ વાત કહી સંભળાવે છે કે ચિનગારી જેમ અગ્નિની બીજી ચિનગારીને પેદા કરે છે ને બળવાન બનાવે છે તેમ વેરભાવ તથા હિંસા વેરભાવની ને હિંસાની વૃદ્ધિ કરે છે, નવી સૃષ્ટિ સર્જે છે, ને શાંતિની શક્યતાનો અંત આણીને અધિકાધિક અશાંતિ, અસ્વસ્થતા અને અવ્યવસ્થાને જન્માવે છે. પ્રેમ કેવળ પ્રેમથી જ પ્રકટીને બળવાન બની શકે છે એ હકીકતને યાદ રાખીને એને અનુસરીને ચાલવામાં આવે તો સંસારની મોટા ભાગની શાંતિસમસ્યાઓ સહેલાઇથી ઉકલી કે સુધરી જાય. ભાગવતમાં કહેવાયેલી રાજા બલિની અને સ્વર્ગના અધિપતિ ઇન્દ્રની પૌરાણિક કથા પરથી એવો બોધપાઠ સહેજે તારવી શકાય છે.
અમરાપુરીના અધીશ્વર ઇન્દ્રે રાજા બલિ પર આક્રમણ કર્યું. એ અણધાર્યા ભીષણ આક્રમણની પાછળ ઇન્દ્રની વેરભાવના અથવા ભીતિ જ કામ કરી રહેલી. માનવ પોતાની શાંતિને ને સ્વતંત્રતાને જેવી રીતે અગત્ય આપે, તેવી જ રીતે બીજાની શાંતિ તથા સ્વતંત્રતાને પણ અગત્ય આપે, પ્રાદેશિક લાલસા કે લોભવૃત્તિનો ત્યાગ કરે, વિસ્તારવાદની નીતિને ના અનુસરે, ‘જીવો ને જીવવા દો’ની ભાવનાને અપનાવે, ‘વસુધૈવ કુટુંબકમ્’ના મહામંત્રની દીક્ષા લે અને વેરભાવને તિલાંજલિ આપે તો મોટા ભાગના યુદ્ધો, ઘર્ષણો અને આક્રમણોને માટે કોઇ કારણ જ ના રહે. પરંતુ માનવે હજુ એટલા સુસંસ્કૃત થવાનું બાકી છે. ભૂતકાળમાં પણ બાકી હતું. એટલા માટે તો ઇન્દ્રે બલિ પર આક્રમણ કર્યું.
એ આક્રમણનું પરિણામ બલિને માટે ખૂબ જ ખરાબ આવ્યું. ઇન્દ્રે એની સઘળી સંપત્તિ લઇ લીધી અને એથી આગળ વધીને એના જીવનનો પણ અંત આણ્યો.
અસુરોને માટે એ પરિસ્થિતિ અતિશય અમંગલ હતી. બલિના જીવનનો અંત આવવાથી તેઓ છેક જ નિરાશ અને ચિંતાતુર બની ગયા. પરંતુ બલિનું જીવન હજુ શેષ હોવાથી એને શુક્રાચાર્યની મદદ મળી ગઇ. શુક્રાચાર્ય અસુરોના ગુરુ તો હતા જ પરંતુ સાથે સાથે મૃતસંજીવની વિદ્યામાં પણ નિષ્ણાત હતા. એ જમાનામાં એ વિદ્યાને લીધે એમનું નામ અને કામ ખૂબ જ વિખ્યાત બની ગયેલું. એમણે એ અદ્દભુત સંજીવની વિદ્યાના પ્રભાવથી બલિના મૃત શરીરમાં પ્રાણ પ્રકટાવીને એને પુનર્જીવન પ્રદાન કર્યું.
બલિએ એમના ચરણમાં અસાધારણ શ્રદ્ધાભક્તિથી સંપન્ન થઇને પોતાનું સર્વસમર્પણ કરી દીધું. એ એમની અને અન્ય ભૃગુવંશી બ્રાહ્મણોની તન-મન-ધનથી સેવા કરવા લાગ્યો. એ સેવાથી શુક્રાચાર્ય અને બ્રાહ્મણો એના પર પ્રસન્ન થયા.
બલિ ઇન્દ્રના આકસ્મિક ઘોર આક્રમણને, એના પરિણામે થયેલા વિનાશને ને પોતાના પ્રખર પરાજયને નહોતો ભૂલ્યો. એને પોતાના મરણની પણ સ્મૃતિ હતી. પ્રત્યેક પરાજય નવા પ્રતિશોધભાવને પેદા કરે છે અને શાંતિનો કાયમી ઉકેલ નથી આણતો એ ન્યાયે પોતાના પરાજયનો દારુણ ડંખ બલિના દિલમાં એની સ્મૃતિથી તાજો ને બળવાન બનતો ગયો. ઇન્દ્રે કરેલા અસાધારણ અક્ષમ્ય અપરાધનો બદલો લેવાની એની આકાંક્ષા હતી. એણે ઇન્દ્રને હરાવીને સ્વર્ગ પર શાસન કરવાની ઇચ્છા કરી. એની એ ઇચ્છાને અનુલક્ષીને બ્રાહ્મણોએ એનો મહાભિષેકની વિધિથી અભિષેક કરીને એની પાસે વિશ્વજીત નામનો યજ્ઞ કરાવ્યો.
એ વખતના યજ્ઞો કેટલા બધા અલૌકિક રીતે અથવા આશ્ચર્યકારક પદ્ધતિપૂર્વક કરાતા તેનો ખ્યાલ ભાગવતમાં કરાયેલા એ વિશ્વજીત યજ્ઞના વર્ણન પરથી સહેજે આવી શકે છે. ભાગવત કહે છે કે એ યજ્ઞની વિધિથી હવિષ્યોની મદદથી અગ્નિદેવતાની પૂજા કરવામાં આવી ત્યારે યજ્ઞકુંડમાંથી સોનાથી મઢેલો ને અત્યંત આકર્ષક સુંદર રથ નીકળ્યો. પછી સૌ કોઇના આશ્ચર્ય અને આનંદ વચ્ચે સોનાથી મઢેલું દિવ્ય ધનુષ્ય, કોઇ દિવસ પણ ખાલી ના પડનારાં બે સુંદર ભાથાં અને કવચ પ્રગટ થયાં. બલિના દાદા ભક્તપ્રવર પ્રહલાદે એને કદી પણ ના કરમાનારી કુસુમમાળાની ને ગુરુ શુક્રાચાર્યે શંખની ભેટ આપી. એ સઘળી સામગ્રીથી સંપન્ન થયેલા બલિએ પૂજ્ય પુરુષોને પ્રેમપૂર્વક પ્રણામ કરીને એમના શુભાશીર્વાદ મેળવ્યા. એમના શુભાશીર્વાદથી સંતોષ પામીને એણે અમરાપુરી પર આક્રમણ કરીને ઇન્દ્રને યોગ્ય પદાર્થપાઠ પુરો પાડવાની તૈયારી કરી. એના આદેશથી દૈત્ય સેનાપતિઓ પણ પોતપોતાની પરમશક્તિશાળી સેનાને લઇને તૈયાર થયા.
રાજા બલિએ એ વિરાટકાય આસુરી સેનાનું સંગ્રામની દૃષ્ટિએ સફળતાપૂર્વક સંચાલન કરીને આકાશને અને દિશાપ્રદિશાને કંપાવતા સકળ ઐશ્વર્યથી ભરપુર ઇન્દ્રપુરી અમરાપુરી પર ચઢાઇ કરી. એણે એ સેનાની મદદથી ઇન્દ્રની નગરીને ચારે તરફથી ઘેરી લીધી અને શુક્રાચાર્યે આપેલા શંખનો મહાભયંકર ધ્વનિ કર્યો.
એ ધ્વનિને સાંભળીને સ્વર્ગના નિવાસીઓ ગભરાઇ ગયા. ઇન્દ્રને પણ બલિની યુદ્ધ તૈયારીની માહિતી મળતાં ભય લાગ્યો. એણે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પાસે પહોંચીને બધી કથા કહી બતાવીને સમુચિત ઉપાય પૂછ્યો એટલે બૃહસ્પતિએ જણાવ્યું કે અત્યારે કાળ પ્રતિકૂળ છે. ભૃગુવંશી બ્રાહ્મણોના ને ગુરુ શુક્રાચાર્યના શુભાશીર્વાદથી બલિ અસાધારણ શક્તિથી સંપન્ન બનીને યુદ્ધેચ્છાથી પ્રેરાઇને આટલે દૂર આવી પહોંચ્યો છે. કાળ એને બીજી બધી રીતે અનુકૂળ હોવાથી અત્યારે એક ઇશ્વર સિવાય એનો સફળતાપૂર્વકનો સામનો બીજું કોઇયે કરી શકે તેમ નથી. એટલા માટે તમારા જીવનની રક્ષા માટે તમે સૌ સ્વર્ગને છોડીને કોઇક સુરક્ષિત સ્થળે જતા રહો ને તમારા શત્રુ બલિનું ભાગ્ય બદલાય નહિ ત્યાં સુધી બનતી ધીરજ, હિંમત ને શાંતિથી પ્રતીક્ષા કરો. એ વિના બીજો કોઇયે વિકલ્પ નથી દેખાતો. બલિનું ઐશ્વર્ય અને સામર્થ્ય ઉત્તરોત્તર વધી રહ્યું છે, તોપણ જ્યારે ભૃગુવંશી બ્રાહ્મણોનો એ તિરસ્કાર કરશે ત્યારે એના પરિવાર તથા પરિચારકોની સાથે એનું અધઃપતન થશે એ નિશ્ચિત છે. એટલા માટે તમારા જીવનના આ પ્રતિકૂળ સમયને બીજા વિશેષ શુભ અને અનુકૂળ સમયની પ્રતીક્ષા કરતાં પસાર કરો.
બૃહસ્પતિનો એ સદુપદેશ મનુષ્યમાત્રને લાગુ પડે છે. એના સારભાગને મનુષ્યમાત્રે યાદ રાખવાનો છે ને પ્રતિકૂળ પરિસ્થિતિમાં નાહિંમત કે નિરાશ નથી થવાનું. વિપરિત વાતાવરણમાં વિષાદગ્રસ્થ નથી બનવાનું. ‘આ પરિસ્થિતિ પણ પૂરી થશે, આ વિપરીત વિષમ વેદનામય વાતાવરણનો પણ અંત આવશે જ, અને વધારે સાનુકૂળ, સુંદર, સુખદ પરિસ્થિતિની પ્રાપ્તિ થશે. સઘળા સંજોગો સુધરશે.’ એ મંગલ મહામંત્રને નિરંતર જપતા રહેવાનું છે. એના વિના જીવનમાં બીજો વિકલ્પ જ નથી. પ્રતિકૂળતાને પણ હિંમતપૂર્વક શૌર્ય સાથે સહન કરવી અને એનાથી ભાંગી કે તૂટી ના પડવું એમાં જ બહાદુરી છે, મનુષ્યતા છે. જે નિષ્ફળતાથી નાહિંમત બનતા કે ડરતા નથી એ જ આગળ વધે છે અને અંતે વિજય મેળવે છે.
બૃહસ્પતિના સદુપદેશનો દેવતાઓએ સ્વીકાર કર્યો. એમને માટે બીજો કોઇ વિકલ્પ જ નહોતો રહ્યો. એ બધા સ્વર્ગને છોડીને ચાલ્યા ગયા. એમના ચાલ્યા ગયા પછી વિરોચનનંદન બલિએ સ્વર્ગ પર અધિકાર કરી લીધો અને ત્રિલોક પર વિજય મેળવ્યો. એવી રીતે વિશ્વવિજયી બનેલા બલિ પાસે ભૃગુવંશી બ્રાહ્મણોએ સો અશ્વમેઘ યજ્ઞો કરાવ્યા. એ યજ્ઞોએ બલિની કીર્તિ અનેકગણી વધારી દીધી.