Thursday, 14 November, 2024

ભાગવતની ભાગીરથી

313 Views
Share :
ભાગવતની ભાગીરથી

ભાગવતની ભાગીરથી

313 Views

ભાગવતની ભાગીરથી એવા શબ્દપ્રયોગને સાંભળીને કોઇને થશે કે ભાગીરથી અને એ પણ ભાગવતની ? શું ભાગવત એક ભાગીરથી છે ? ભાગવતને ભાગીરથી કહેવામાં તમારી કોઇ ભૂલ અથવા ગેરસમજ તો નથી થતી ? એવા એવા અનેકવિધ આશ્ચર્યોદ્દગાર કાઢનારને આપણે સંપૂર્ણ સહાનુભૂતિ સહિત શાંતિપૂર્ણ સ્વરે કહીશું કે ના, ભાગવત એક ભવ્ય, પવિત્રતમ, પુણ્યમયી, અલૌકિક ભાગીરથી જ છે. ભાગીરથે પોતાના પિતૃઓના પરિત્રાણને માટે પૃથ્વી પર પ્રગટ કરેલી પેલી પુરાણપ્રસિદ્ધ, સર્વહિતકારી, ઋષિમુનિસેવિત, સરિતાઓના શિરમુકુટસમી, ભાગીરથી સ્થૂળ છે તો પુરાણોમાં પ્રમુખસ્થાન ધરાવતી, સર્વમંગલ કરનારી, ઋષિમુનિઓને જ નહિ પરંતુ સામાન્ય જનને પણ પ્રિય, શાસ્ત્રોના શિરમુકુટસરખી, આ ભાગીરથી સૂક્ષ્મ છે એટલું જ. બાકી આ ભાગવતની ભાગીરથીનો પ્રવાહ પણ એટલો જ, બલકે એથી પણ અધિક આનંદદાયક, પુણ્યપ્રદાયક, અલૌકિક અને આશીર્વાદરૂપ છે. ભાગીરથીની પેલી સ્થૂળ ધારા અમરાપુરીમાંથી આવીને પૃથ્વીના પવિત્ર પટ પર પ્રાદુર્ભાવ પામી એવું કહેવાય છે તો ભાગવતની ભાગીરથીની અંતરાત્માને અનુપ્રાણિત અને આલોકિત કરનારી મહાધારાનું મંગલમય અવતરણ સ્વર્ગની પેલી પારના વૈકુંઠ પ્રદેશમાંથી થયું હોય એવું લાગે છે. એ ભાગીરથીને માટે જગત જેમ તપસ્વીશ્રેષ્ઠ ભગીરથીનું ઋણી છે તેમ આ ભાગવતરૂપી ભાગીરથીને માટે ઋષિશ્રેષ્ઠ મહર્ષિપ્રવર વ્યાસનું ઋણી છે.

પેલી સ્થૂળ ભાગીરથીનું દર્શન, સ્પર્શન, સ્નાન અને પાન જેમ કલ્યાણકારક છે તેમ આ ભાગીરથીના સંબંધમાં પણ સમજી લેવાનું છે. પેલી સ્થૂળ ભાગીરથીની જેમ ભાગવતની આ સૂક્ષ્મ છતાં શક્તિશાળી શક્તિસંચારક ભાગીરથીએ આજ સુધી કેટલા અનાથને આશ્રય આપ્યો, કેટલા સંતપ્ત જીવોને શાંતિ આપી, કેટકેટલા શરણગત બનેલા અનુરાગી આત્માઓની કાયાપલટ કરી, અને કેટલાના જડ જીવનમાં ચેતનાપ્રદાયિકા નવી જ્યોતિ ભરીને અસાધારણ ગતિ ધરી, તેનો હિસાબ કોણ રજૂ કરી શકે ? એના તપઃપૂત તટપ્રદેશ પર તપસ્યા કરીને, એના સ્વર્ગસુખદ સૌંદર્યને આંખમાં અને અંતરમાં ભરીને, એના સુધાસભર સંગીતસ્વરોનું શ્રવણ કરીને, અને એના નિર્મળ નીરમાં નિમજ્જન કરીને, કોણે ક્યારે કેટલી કૃતાર્થતા મેળવી તે ચોક્કસપણે સંપૂર્ણ સ્વરૂપે કોણ કહી શકે ? અરે એનો આછોપાતળો ચિતાર આપવાનું સાહસ પણ કોણ કરી શકે ? જગત તો એ ભાગવતભાગીરથીના સુધામય શાંતિદાયક સલિલમાં મન મૂકીને સ્વૈરવિહાર અને સ્નાન કરનારા તથા ધન્ય બનનારા એકાદ પરીક્ષિતને જ જાણે છે, પરંતુ એવા બીજા કેટકેટલા અનામી અપરિચિત પરીક્ષિતો એવી રીતે એનો દેવદુર્લભ લાભ લઇને ધની તથા ધન્ય બની ગયા ને મૃત્યુંજય થવાની સાથે સાથે પોતાના મૂળભૂત પરમાત્મસ્વરૂપમાં પ્રતિષ્ઠિત થયા તેનું સંતોષકારક સરવૈયું કોણ કાઢી શકે તેમ છે ? ભાગવતની ભાગીરથીએ પેલા પરીક્ષિતની પેઠે બીજા કેટલાને નિર્ભય, નિર્મમ ને નિરહંકાર કર્યા તેમ જ અક્ષય પદ ધર્યા તે કોણ વર્ણવી શકે તેમ છે ? એનો અલૌકિક આશ્રય લઇને અને એમાં અવગાહન કરીને આજે પણ ભય, શોક તથા મોહમાંથી મુક્તિ મેળવીને કેટકેટલાં સ્ત્રીપુરુષો પાવન થતાં હશે ને ભવિષ્યમાં કેટલાં પાવન થશે ને કૃતકામ બનશે તેના માહિતી કોણ પૂરી પાડી શકે તેમ છે ? એટલે ભાગવતની આ ભાગીરથી પેલી સ્થૂળ ભાગીરથીની જેમ-એથી પણ વધારે આશીર્વાદરૂપ છે એ નિર્વિવાદ છે.

એક બીજી વાત. ભાગીરથીનું પવિત્રતમ પ્રાકટય જેવી રીતે હિમાચ્છાદિત પર્વતપ્રદેશની વચ્ચેના ગોમુખમાંથી થયેલું દેખાય છે તેવી રીતે ભાગવતની ભાગીરથીનો પ્રાદુર્ભાવ ધીરગંભીર પ્રસન્નપ્રાણ પરમાત્માપરાયણ મહર્ષિ વ્યાસના પ્રાણપ્રદેશમાંથી થયેલો છે. પોતાની તાલબદ્ધ પ્રસન્નમધુર દ્રુતવિલંબિત ગતિથી આગળ વધતી ભાગીરથીના તટપ્રદેશ પર ભાતભાતનાં તીર્થો આવે છે તેવી રીતે ભાગવતની ભગીરથીના જ્ઞાનભક્તિસંયુત તપઃપૂત તટપ્રદેશ પર પણ જાતજાતનાં તીર્થો છે. તેના બાર સ્કંધોને તેનાં બાર મહાતીર્થો કહી શકાય. ત્યાં બ્રહ્મવિદ્યા તેમજ પ્રેમલક્ષણા ભક્તિની લલિત લહરી વાય છે ને જીવનની આત્યંતિક ધન્યતા પોતાનું ગીત ગાય છે.

ભાગવતની ભાગીરથીની એક બીજી વિશેષતા કે વિલક્ષણતા પણ જોવા જેવી છે. સામાન્ય રીતે સ્નાનાદિ કરવાની ઇચ્છાવાળો પુરુષ પોતે જ સરિતાની પાસે પહોંચતો હોય છે; સરિતા સ્વયં એની પાસે નથી પહોંચતી. પરંતુ ભાગવતની ભાગીરથીના સંબંધમાં એથી જુદું જ છે. પેલી ભાગીરથીની તો પાસે આપણે પોતે કાશી, પ્રયાગ કે હરિદ્વાર જઇને પહોંચવું પડે, પરંતુ ભાગવતની ભાગીરથીની અલૌકિકતા તો અવલોકો. એ અક્ષરદેહે અવતરીને શ્રવણ, મનન, નિદિધ્યાસન, પઠન-પાઠન તથા દર્શન-સ્પર્શરૂપે એની મેળે જ આપણું કલ્યાણ કરવા માટે આપણી પાસે પહોંચી જાય છે અને આપણને એની રીતે મદદરૂપ થાય છે. એને કામધેનુ કહી શકીએ, કલ્પવૃક્ષનું સુંદર નામ આપી શકીએ, કારણ કે આપણી સમસ્ત કામનાઓની કામચલાઉ કે કાયમી પૂર્તિ કરીને એ આપણને માટે આશીર્વાદરૂપ અથવા આનંદદાયક ઠરે છે, તો પણ આપણે એને ભાગીરથી જ કહીશું ને ભાગીરથી તરીકે જ ઓળખીશું. કારણ કે ભાગીરથી શબ્દની પાછળ જે સંસ્કારિતા છે, સાર સમાયેલો છે, જે લોકોત્તર પવિત્રતા, કલ્યાણકારકતા, ભૂતકાલીન પરંપરાગત ઇતિહાસની ઉદાત્તતા તથા આકર્ષકતા અને જાદુ છે તેનું દર્શન કામધેનું ને કલ્પવૃક્ષ જેવા બીજા શબ્દોમાં નથી થતું. કોઇની અંદર એટલી બધી ભાવમયતા નથી લાગતી. એ ભાગીરથીનું દર્શન, સ્પર્શન, આચમન અને સ્નાન સર્વપ્રકારે સુખદ તેમજ શ્રેયસ્કર છે. એની પ્રતીતિ જેમ જેમ અનુભવ થશે તેમ તેમ થયા વિના નહિ રહે.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *