Sunday, 22 December, 2024

ભાગવતનો પ્રભાવ

319 Views
Share :
ભાગવતનો પ્રભાવ

ભાગવતનો પ્રભાવ

319 Views

 

દેવર્ષિ નારદની પ્રશસ્તિ વખતે એ સુંદર સ્થળમાં સોળ વરસ જેટલી વયવાળા, આત્મતૃપ્ત આત્માનંદમાં મગ્ન, આત્મદર્શી સંતશ્રેષ્ઠ શ્રી શુકદેવજી આવી પહોંચ્યા. એમને જોઇને સૌ ઊભા થયા. એમને ઉચ્ચ આસન પર બેસાડીને દેવર્ષિ નારદે એમની પૂજા કરી એટલે એમણે સુધાસભર સ્વરે જણાવ્યું કે મહામુનિ વ્યાસ રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં સત્ય તથા સર્વોત્તમ ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એનો આશ્રય લીધા પછી બીજા શાસ્ત્રો કે સાધનોનો આશ્રય લેવાની આવશ્યકતા નથી રહેતી. એ સમસ્ત પુરાણોનું તિલક અને ભક્તોનું શ્રેષ્ઠ ધન છે. જે ભક્તિભાવે એનું શ્રવણ કરે છે તથા એના મનન અથવા અધ્યયનમાં પ્રવૃત્ત રહે છે તે સહેલાઇથી શાંતિ, ઇશ્વરમયતા તેમજ મુક્તિ મેળવે છે. એમાં જે પરમ રસ છે તે રસ સ્વર્ગ, કૈલાસ કે વૈકુંઠમાં પણ નથી. એ રસનો નિત્યનિરંતર આસ્વાદ લો.

એજ વખતે સભામંડપમાં ભગવાનનું પ્રાકટય થયું. સૌ એમને જોઇને પ્રસન્ન થયાં. એમની સાથે પ્રહલાદ, બલિ, ઉદ્ધવ, અર્જુન જેવા પાર્ષદો હતા. એ બધા અન્ય ભગવદ્દભક્તોની સાથે ભાવવિભોર બનીને સંકીર્તન કરવા લાગ્યા. એના તાલબદ્ધ સ્વરોથી દિશાપ્રદિશાઓ ગૂંજી ઊઠી. ભક્તોએ ભગવાન પાસે માગ્યું કે જ્યાં જ્યાં સપ્તાહ-પારાયણ થાય ત્યાં ત્યાં તમે પાર્ષદો સાથે જરૂર પધારો. ભગવાને એમની ભાવનાનો સહર્ષ સ્વીકાર કર્યો. એ પછી એ અદૃશ્ય થઇ ગયા.

ભાગવતની ભાગીરથીના સેવનથી ભગવાનનો સાક્ષાત્કાર સહજ બને છે. એ સેવન સંસારમાં ડૂબેલા, ત્રિતાપથી સંતૃપ્ત બનેલા, આધિ વ્યાધિ ઉપાધિથી ઘેરાયલા, દુઃખી દરિદ્ર અને સૌ કોઇને સારું શ્રેયસ્કર છે.

*

ભાગવતના માહાત્મ્યમાં ભાગવતની કથાના વિવિધ વખતે કરાયલા પારાયણનો સંક્ષિપ્ત ઇતિહાસ પણ જોવા મળે છે. અભ્યાસીઓને માટે એ કાંઇક અંશે ઉપયોગી થઇ પડે એવો સંભવ હોવાથી એનું વિહંગાવલોકન કરી જઇએ.

સ્વનામધન્ય શુકદેવે પરીક્ષિતને ભાગવતની કલ્યાણકારક કથા ક્યારે કહી ? ભગવાન કૃષ્ણના સ્વધામગમન પછી કલિયુગના ત્રીસ વરસથી વિશેષ વખત વીતી ગયા પછી ભાદ્રપદ શુકલા નવમીના દિવસથી એમણે કથાનો આરંભ કર્યો. પરીક્ષિતના કથાશ્રવણ પછી કલિયુગના બસો વરસો વીતા ગયાં એટલે અષાઢ શુકલા નવમીના દિવસે ધુંધુકારીની સદ્દગતિ સારુ ગોકર્ણે કથાનો આરંભ કર્યો. અને સનકાદિએ એનું પુણ્યપ્રદાયક પારાયણ દેવર્ષિ નારદને નિમિત્ત બનાવીને કલિયુગના એ પછીનાં બીજાં ત્રીસ વર્ષ વધારે વ્યતીત થઇ ગયા પછી કાર્તિક શુકલા નવમીથી પ્રારંભ્યું. એ ત્રિવિધ અવસર પર પારાયણનો પ્રારંભ પ્રત્યેક મહિનાની શુકલા નવમીથી થયો છે એ સૂચક છે.

યમનો પ્રભાવ ચરાચરમાં સર્વત્ર ફેલાયલો હોવા છતાં ભાગવતની ભાગીરથીમાં સ્નાન કરનારા ભક્તો તથા શ્રેયાર્થીઓ એથી મુક્ત છે. એ ધન્ય, કૃતકૃત્ય ને અમૃતમયી બની જાય છે. કલિયુગના ક્લેશો તથા દોષોમાંથી મુક્તિ મેળવવા ભાગવતની ભાગીરથીના પુણ્યપ્રવાહમાં સ્નાન કરવા જેવી અકસીર ઔષધિ બીજી કોઇ નથી. એ ઔષધિ જીવનને મહોત્સવમય કરે છે ને મૃત્યુને મંગલ બનાવે છે.

कलौ भागवती वार्ता भवरोगविनाशिनी ।

(ભાગવતમાહાત્મ્ય, અધ્યાય ૬, શ્લોક ૯૭.)

એટલા માટે જ માહાત્મ્યના છઠ્ઠા અધ્યાયના ૯૮મા શ્લોકમાં સમુચિત રીતે જ કહેવામાં આવ્યું છે કે ભાગવતની કથાસુધાનો સદા સ્વાદ લેવો જોઇએ. એ કથા ભગવાન કૃષ્ણને ખૂબ જ પ્રિય અને એમના અલૌકિક અનુગ્રહની અનુભૂતિ કરાવનારી છે. એને લીધે પાપોનું શમન થાય છે, પાપ-બુદ્ધિ દૂર થાય છે, મુક્તિનો મહારસ મળે છે, ને ભક્તિભાવ વૃદ્ધિગત બને છે. એને પરિત્યાગીને બીજાં સાધનોનો આશ્રય લેવાથી કે તીર્થોનું સેવન કરવાથી શું વળવાનું છે ? ભાગવતનો આદરપૂર્વક આશ્રય લેવાથી સઘળા હેતુ સિદ્ધ થાય છે. આ રહ્યો એ સુંદર શ્લોક :

कृष्णप्रियं सकलकल्मषनाशनं च मुकत्येकहेतुमिह भक्तिविलासकारी ।

सन्तः कथानकमिदं पिबतादरेण लोके हि तीर्थपरिशीलनसेव्या किम् ॥

ભાગવતમાહાત્મ્યના આ અધ્યાયો પદ્મપુરાણના ઉત્તરખંડમાંથી લેવામાં આવેલા છે.

બીજા પુરાણો પુરાણોના સામાન્ય નામથી ઓળખાય છે પરંતુ ભાગવત મહાપુરાણ તરીકે પ્રખ્યાત છે. એના પરથી એની અસાધારણતાનું અનુમાન સહેલાઇથી કરી શકાય છે. એને પરમહંસોની સંહિતા પણ કહેવામાં આવે છે. એટલે તો સ્કંધોના અધ્યાયોની પરિસમાપ્તિ વખતે ઇતિ શ્રીમદ્દભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયાં શબ્દપ્રયોગ કરવામાં આવે છે. એ શબ્દપ્રયોગ પરથી કેટલાક એવું માને-મનાવે છે કે ભાગવત વિરક્તો, ત્યાગીઓ કે પરમહંસોને માટે જ છે અને સંસારીઓને એની સાથે કશું જ નથી લાગતુંવળગતું. એવી માન્યતા ભ્રામક છે. પરમહંસોનો અર્થ પરમ વિવેકી કે સદ્દબુદ્ધિસંપન્ન કરીએ તો તો કશી હરકત નથી, પરંતુ તેમ કરવાને બદલે ત્યાગી, વિરક્ત કે સંન્યાસી કરીને ભાગવતને તેમના પૂરતું જ મર્યાદિત રાખીને બીજા બધાને એના શ્રવણમનન અને અધ્યયનમાંથી વંચિત રાખીએ તે બરાબર નથી. એનું શ્રવણ, મનન અને અધ્યયન ત્યાગી ને રાગી, વિરક્ત ને રક્ત, સંન્યાસી ને સંસારી સૌને આવશ્યક અને શ્રેયસ્કર છે. આબાલવૃદ્ધ, બધાને માટે માટે એકસરખું ઉપયોગી છે. કેવળ કાળપથારી પર પડેલાને જ નહિ, જીવન જીવનાર અને જીવવાની આકાંક્ષા રાખનારને માટે પણ એ એવું જ આશીર્વાદરૂપ છે. એનો આશ્રય લેનાર શુભાશુભને, સત્યાસત્યને ને મુક્તિ તથા બંધનને ઓળખતાં ને પરમાત્મપરાયણ બનીને જાગ્રત રહીને અલિપ્તતાપૂર્વક જીવતાં શીખવે છે. એવું અમૃતમય જીવન અને એવું જીવન જીવવાની કળા સૌને સારુ શ્રેયસ્કર હોવાથી એ સંબંધમાં પ્રસરેલી ભ્રાંત ધારણા તથા માન્યતામાંથી મુક્તિ મેળવીને સર્વે જાતિના, આશ્રમના, વયના, દેશના ને કાળના લોકોએ એનો લાભ લેવો જોઇએ. એનો લાભ સૌને માટે ને સર્વ પ્રકારે જીવનવિકાસમાં પ્રેરક તથા કલ્યાણકારક થઇ પડશે. જે ભાગવતની ભાગીરથીના પવિત્રતમ પ્રવાહમાં નિયમપૂર્વક સ્નાન કરે છે અને જે સર્વશ્રેયસ્કર સુખદ સ્નાનનું સૌભગ્ય બીજાને પૂરું પાડે છે એ બંને એની અસરને જીવનમાં ઉતારીને યથાર્થ ફળની પ્રાપ્તિ કરે છે. એમને માટે કશું જ અશક્ય નથી રહેતું.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *